Home /News /ahmedabad /PSM @100: કોંગ્રેસના રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે સંબોધન પહેલાં ખાસ સ્પષ્ટતા કરી, જાણો શું કહ્યુ...
PSM @100: કોંગ્રેસના રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે સંબોધન પહેલાં ખાસ સ્પષ્ટતા કરી, જાણો શું કહ્યુ...
શક્તિસિંહ ગોહિલ
અમદાવાદઃ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને રાજ્ય સભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે પણ શતાબ્દી મહોત્સવમાં મુલાકાત લીધી હતી. આ ઉપરાંત અમિત ચાવડા પણ તેમની સાથે જોડાયા હતા.
અમદાવાદઃ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં અનેક રાજકીય આગેવાનો 600 એકરમાં પથરાયેલા પ્રમુખ સ્વામી નગરની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને રાજ્ય સભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે પણ શતાબ્દી મહોત્સવમાં મુલાકાત લીધી હતી. તેમણે નગરની વચ્ચે 45 ફૂટ ઉંચી તૈયાર કરવામાં આવેલી પ્રમુખ સ્વામી મહારાજની પ્રતિમાને ફૂલ-હાર ચઢાવી દર્શન કર્યા હતા. ત્યારબાદ નગરમાં વિવિધ જગ્યાએ મુલાકાત લઈ સભાખંડમાં સંબોધન કર્યુ હતું. જો કે, સભાને સંબોધતા પહેલા તેઓએ એક સ્પષ્ટતા કરી હતી.
શક્તિસિંહ ગોહિલ પણ મુલાકાતે પહોંચ્યા
અમદાવાદના આંગણે ઉજવાઈ રહેલા પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવને નિહાળવા માટે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ તેમજ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય અમિત ચાવડા પહોંચ્યા હતા. સભા મંડપમાં સભાને સંબોધતા રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યુ હતુ કે, સભામાં સંબોધન પહેલાં એક સ્પષ્ટતા કરી દઉં કે આજે હું એક રાજકીય નેતા તરીકે નહીં પરંતુ પ્રમુખસ્વામી મહારાજના પ્રીતિપાત્ર હરિભક્ત તરીકે આશીર્વાદ લેવા આવ્યો છું.’
તેમણે કહ્યુ હતુ કે, ‘જૂઠના દસકા હોય અને સત્યની શતાબ્દી હોય છે’ એ રીતે પ્રમુખસ્વામી મહારાજ સત્ય હતા અને તેમની શતાબ્દીમાં આપણે હાજર છીએ એ આપણાં માટે સૌભાગ્યની વાત છે. બી.એ.પી.એસનું વિશાળ વટવૃક્ષ આપણને દેખાય છે, પરંતુ તેના બીજને માવજત કરવાનું કાર્ય પ્રમુખસ્વામી મહારાજે કર્યું છે તે માટે આપણે તેમના ઋણી છીએ. પ્રમુખસ્વામી મહારાજે નાતજાતના ભેદભાવ વગર તમામને પોતાના દિલમાં સ્થાન આપ્યું હતું. તેથી આજે સૌના હૃદયમાં પ્રમુખસ્વામી મહારાજનું અવિચળ સ્થાન છે. પ્રમુખસ્વામી મહારાજ તેમજ મહંત સ્વામી મહારાજના આશીર્વાદ અને ભગવાન સ્વામિનારાયણની દિવ્યશક્તિ અને હરિભક્તોના પુરુષાર્થના લીધે આ પ્રમુખસ્વામી મહારાજ નગરનું નિર્માણ શક્ય બન્યું છે.’
અમિત ચાવડાએ પણ લીધી મુલાકાત
બીજી તરફ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે, ‘પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવાય અને એમાં આપણને હાજર રહેવા મળે તેનાથી મોટા ભગવાનના આશીર્વાદ બીજા કોઈ ના હોઈ શકે. આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં એક એક કણમાં પ્રમુખસ્વામી મહારાજે આપેલા સંસ્કારો અને મૂલ્યોનું દર્શન થાય છે. 600 એકર જમીન તમામ ખેડૂતોએ સમર્પણભાવ સાથે શતાબ્દી મહોત્સવ અને પ્રમુખસ્વામી મહારાજ નગર માટે અર્પણ કરી છે. તેમને ધન્યવાદ છે. નગરમાં આવનાર તમામ વ્યક્તિઓ ઘરે જતા ઉપદેશ અને સ્મિત સાથે જાય તેવા આ પ્રમુખ સ્વામી મહારાજ નગરના સ્વયંસેવકો છે. બીએપીએસ સંસ્થાએ સમગ્ર વિશ્વમાં ધર્મ અને સંસ્કૃતિ નો પ્રચાર અને પ્રસાર કર્યો છે અને સાથે સાથે બાળકોમાં સંસ્કારનું સિંચન કર્યું છે.’