Home /News /ahmedabad /કૉંગ્રેસના 'હાથ'માંથી જાય છે જયરાજસિંહ પરમાર: 'કૉંગ્રેસ પાર્ટીમાં ઉપરથી નીચે સુધી કોઈ સિસ્ટમ જ નથી'

કૉંગ્રેસના 'હાથ'માંથી જાય છે જયરાજસિંહ પરમાર: 'કૉંગ્રેસ પાર્ટીમાં ઉપરથી નીચે સુધી કોઈ સિસ્ટમ જ નથી'

જયરાજસિંહ પરમાર કૉંગ્રેસ છોડશે.

જયરાજસિંહ 'પંજા'માંથી સરક્યા: કૉંગ્રેસ પાર્ટીમાં સતત ઉપેક્ષા થતી હોવાથી આખરે જયરાજસિંહ પરમારે પક્ષમાંથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો. તેમણે આક્ષેપ કર્યો છે કે તેમને મનાવવાના કોઈ પ્રયાસ નથી કરાયા.

  અમદાવાદ: કૉંગ્રેસ પાર્ટીના પ્રવક્તા અને નેતા જયરાજસિંહ પરમારે (Jayrajsinh Parmar) આખરે પાર્ટી છોડવાનું મન બનાવી લીધું છે. બુધવારે તેમણે એક ટ્વીટ કરીને એ વાતનો સંકેત આપ્યો હતો. આજે ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં તેમણે એવો ઇશારો કર્યો હતો કે તેઓ ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાઈ શકે છે. આ પ્રંસગે તેમણે એવું પણ કહ્યુ હતુ કે પાર્ટીમાં સતત તેમની ઉપેક્ષા કરવામાં આવી રહી હતી. ન્યૂઝ18 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરતી વખતે જયરાજસિંહ પરમાર ભાવુક પણ થઈ ગયા હતા. તેમના પત્ની પણ ભાવુક થઈ ગયા હતા. જયરાજેસિંહે જણાવ્યું હતું કે તેમણે ભગ્ન હૃદયે પાર્ટી છોડવાનો (Jayrajsinh Parmar to quit congress) નિર્ણય કરવો પડ્યો છે. સાથે જ તેમણે કૉંગ્રેસના નેતાઓ પર આક્ષેપ કર્યો હતો કે તેમને મનાવવાના પ્રયાસ કરાયાના અહેવાલ સદંતર ખોટા છે. કૉંગ્રેસના એક નેતા સિવાય તેમને કોઈનો ફોન આવ્યો નથી. જયરાજસિંહ પરમાર સાથે પ્રણવ પટેલની ખાસ વાતચીતના અંશો.

  સવાલ: કૉંગ્રેસમાંથી રાજીનામું આપશો?

  જવાબ: મેં 37 વર્ષ સુધી કૉંગ્રેસ પાર્ટીની સેવા કરી છે. ભગ્ન હૃદયે પાર્ટી છોડી રહ્યો છું.

  સવાલ: ભાવુક થવાનું કારણ શું?

  જવાબ: આટલા વર્ષોની મહેનત પછી મારે જવું પડી રહ્યું હોવાથી હું ખૂબ દુઃખી છું. મેં આખી જિંદગી કૉંગ્રેસ પાર્ટી માટે ખર્ચી નાખી છે. મારે કંઈ જોઈતું નથી. મને ટિકિટ ન મળી એ મારો મુદ્દો જ નથી. બધા આગળ વધો પરંતુ મારાથી નહીં તે નીતિ કૉંગ્રેસને ખૂબ નુકસાન કરી રહી છે. આમાં કોઈ ફેરફાર થવાનો નથી. કારણ કે ઉપરથી નીચે સુધી કોઈ જ સિસ્ટમ નથી. મેં પાર્ટી છોડી છે, રાજનીતિ નથી છોડી.

  બીજેપી કે કોઈ અન્ય પાર્ટીમાં જોડાશો?

  જવાબ: ગુજરાતમાં અન્ય કોઈ વિકલ્પ જ નથી. બીજી પાર્ટીમાં જોડાવવા અંગે એક બે દિવસમાં નિર્ણય કરીશ. ભારતીય જનતા પાર્ટી વિકલ્પ હોઈ શકે છે.

  સવાલ: શા માટે પાર્ટી છોડીને જવું પડે છે?

  જવાબ: કૉંગ્રેસના નેતાઓ કોઈના નથી. એક નેતા બીજા નેતા માટે સારું સહન કરી શકતો નથી. મારો સ્વભાવ છે જેની સાથે રહો સંપૂર્ણ વફાદારીથી કામ કરો. તમને બે વસ્તુ ન ગમે તેવું પણ બને. મેં કારકિર્દીને તલવારની ધાર પર મૂકીને અનેક વખત ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો છે. મીડિયાના માધ્યમ થકી પણ ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો છે. મને ખબર છે કોઈ જ સુધારો થવાનો નથી. કાર્યકર્તા જોગે મેં પત્ર લખ્યો છે. હું આજે રાજીનામું આપી રહ્યો છું.

  સવાલ: જગદીશ ઠાકોરે મનાવવાનો પ્રયાસ કર્યો?

  જવાબ: મને જગદીશભાઈ ઠાકોરે મનાવવાનો પ્રયાસ કર્યાની વાત સાવ ખોટી છે. સાત દિવસ પહેલા મને ચાર-પાંચ વખત ફોન આવ્યા હતા. બધા જુઠ્ઠાણા ફેલાવવામાં આવી રહ્યા છે. બે-ત્રણ નેતાઓએ મને સમજાવવાનો પ્રયાસ કર્યો છે તેમનો આભાર. હું જેમની સાથે વર્ષોથી સંકળાયેલો છું તેમના ફોન પણ આવ્યા નથી. સત્તા મારું સાધ્ય નથી. સત્તા જોઈતી હોત તો હું ક્યારનો જતો રહ્યો હતો. મારી વાત સ્પષ્ટ છે કે જ્યાં સ્વમાન ન મળે ત્યાં મારે નથી એટલે નથી જ રહેવું.

  સવાલ: જયરાજસિંહની વાત કોઈ સાંભળતા નથી એટલે પાર્ટી છોડી રહ્યા છો?

  જવાબ: એક સમયે જે સ્થિતિ શંકરસિંહ વાઘેલા, જવાહર ચાવડા, કુંવરજીભાઈ બાવળિયા, અલ્પેશ ઠાકોરની હતી. આ સમયે પણ કૉંગ્રેસ પાર્ટી તરફથી એક છાપેલું નિવેદન આવશે કે પાર્ટીને કોઈ ફરક નથી પડતો. કૉંગ્રેસ દરિયો છે. આ નિવેદનો મેં પણ કર્યાં છે. આ નિવેદન માત્ર કહેવાના છે. કાલે માનનીય અધ્યક્ષે કહ્યું હતું કે 5-25 લોકો જાય તો કોઈ ફરક પડતો નથી. અમે કૉંગ્રેસ પક્ષને ફરક પાડવા કે નુકસાન કરવા નથી આવ્યા. એવું ધ્યાન રાખજો કે 5-25 જ ન રહી જાવ. મારી લડાઈ વ્યક્તિગત નહીં પરંતુ સિસ્ટમ સાથે છે.

  સવાલ: જગદીશ ઠાકોરના પાર્ટીને નચાવવાના નિવેદન પર શું કહેશો?

  જવાબ: જગદીશભાઈ ઠાકોરે પાર્ટીને કેટલી વખત નચાવી છે એ વાત આખી દુનિયા જાણે છે. એ કચ્ચા ચીઠ્ઠા ખુલશે. મારી નાખું, કાપી નાખું એવા વિચારો લોકશાહીમાં ન હોય.

  સવાલ: કૉંગ્રેસ પાર્ટીના ચાહકોને શું સંદેશ આપશો?

  જવાબ: હું વૈચારિક લડત લડતો વ્યક્તિ છું. મારા જવાથી અનેક કાર્યકરો નારાજ થશે. કૉંગ્રેસ પાર્ટીમાં જેનો જ્યાં ઉપયોગ થવો જોઈએ તે નથી થતો નથી. મેં કાર્યકરો જોગ જે પત્ર લખ્યો છે તેમાં તમામ વાત લખી છે.
  " isDesktop="true" id="1180301" >

  જગદીશ ઠાકોરનું નિવેદન

  ઉલ્લેખનીય છે કે બુધવારે ગુજરાત કૉંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરે એવું સૂચક નિવેદન આપ્યું હતું કે, "કૉંગ્રેસ પાર્ટીને નચાવવાનું બંધ કરો. તમે પાર્ટીમાં છો કે નહીં તે સ્પષ્ટ કહો. કૉંગ્રેસ પાર્ટી એક વિચારધારા છે. કૉંગ્રેસ એક બે લોકોથી ચાલતી પાર્ટી નથી." જગદીશ ઠાકોરે આ નિવેદન જયરાજસિંહ પરમારના સંદર્ભમાં આપ્યું હોવાનં કહેવામાં આવી રહ્યું છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Jagdish Thakor, કોંગ્રેસ, ગુજરાત, જયરાજસિંહ પરમાર, ભાજપ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन