Home /News /ahmedabad /કોંગ્રેસનો રાજ્ય સરકાર પર આક્ષેપ, કહ્યુ - કેન્દ્ર અને રાજ્યના બળાત્કારના આંકડામાં વિસંગતતા, સાચું કોણ?
કોંગ્રેસનો રાજ્ય સરકાર પર આક્ષેપ, કહ્યુ - કેન્દ્ર અને રાજ્યના બળાત્કારના આંકડામાં વિસંગતતા, સાચું કોણ?
કોંગ્રેસે ભાજપ સરકાર પર આક્ષેપ કર્યા
કોંગ્રેસે રાજ્યમાં થયેલા બળાત્કારની ઘટનાઓના આંકડાઓ અંગે વિસંગતા હોવાનો સરકાર પર આક્ષેપ કર્યો છે. કોંગ્રેસે આરોપ કર્યો છે કે, 2020 અને 2021ના બે વર્ષ બળાત્કારના જે ગુનાઓ નોંધાયા છે, લોકસભામાં પૂછાયેલા પ્રશ્નમાં તેના કરતાં ઓછા ગુનાઓ જવાબમાં રજૂ કર્યા છે.
ગાંધીનગરઃ કોંગ્રેસે રાજ્યમાં થયેલા બળાત્કારની ઘટનાઓના આંકડાઓ અંગે વિસંગતા હોવાનો સરકાર પર આક્ષેપ કર્યો છે. કોંગ્રેસે આરોપ કર્યો છે કે, 2020 અને 2021ના બે વર્ષ બળાત્કારના જે ગુનાઓ નોંધાયા છે, લોકસભામાં પૂછાયેલા પ્રશ્નમાં તેના કરતાં ઓછા ગુનાઓ જવાબમાં રજૂ કર્યા છે. ગુજરાત વિધાનસભામાં રજૂ કરેલા આંકડા 2020 અને 2021 બે વર્ષમાં 3796 બળાત્કાર અને 61 સામુહિક બળાત્કારના ગૂનાઓ નોંધાયા હતા. લોકસભામાં રજૂ કરેલા આંકડા 2020 અને 2021 બે વર્ષમાં 1075 બળાત્કાર અને 35 સામુહિક બળાત્કારના ગુનાઓ નોંધાયા હતા.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ પત્રકાર પરિષદ કરી સરકાર પર પ્રહાર કરતા જણાવ્યુ હતું કે, ‘બેટી બચાવો’ના નારાની સુફિયાણી વાતો કરતી કેન્દ્રની અને ગુજરાતની ભાજપ સરકારના વિધાનસભા અને લોકસભામાં રજૂ કરેલા બળાત્કાર અને સામુહિક બળાત્કારના આંકડાઓમાં વિસંગતાઓનો ચોંકાવનારો ખુલાસો થાય છે. ગુજરાત રાજ્યની વિધાનસભામાં તારીખ 10 માર્ચ 2022ના રોજ પૂછાયેલા સવાલના જવાબમાં ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા અને ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા રજૂ કરેલા જવાબમાં વર્ષ 2020 અને 2021ના બે વર્ષ દરમિયાન રાજ્યમાં 3796 બળાત્કાર અને 61 સામુહિક બળાત્કારના ગુનાઓ નોંધાયા હતા. તેમ વિધાનસભાના ગૃહમાં રજૂ કર્યો હતો.
કેન્દ્ર અને રાજ્ય સરકારના જવાબમાં વિસંગતતા
તો બીજી તરફ, તારીખ 20 ડિસેમ્બર 2022ના રોજ લોકસભામાં પૂછાયેલા સવાલના જવાબમાં કેન્દ્ર સરકારના ગૃહ વિભાગ અને ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ગુજરાત રાજ્યમાં નોંધાયેલા બળાત્કાર અને સામુહિક બળાત્કારના આંકડા રજૂ કરવામાં આવ્યા હતા. લોકસભામાં દર્શાવેલા આંકડા પ્રમાણે વર્ષ 2020 અને 2021 દરમિયાન બે વર્ષમાં 1075 બળાત્કાર અને સામુહિક બળાત્કારના 35 ગુના નોંધાયા હતા. લોકસભામાં કેન્દ્રની સરકાર દ્વારા 2020 અને 2021ના બે વર્ષના બળાત્કારના 2721 અને સામૂહિક બળાત્કારના 26 ગુના નોંધાયા હતા. આમ, બંને ગુનાઓને ગુજરાત વિધાનસભા કરતાં ઓછા દર્શાવવામાં આવ્યા છે.
કોણ બોલે છે જૂઠ્ઠુ?
વિધાનસભા અને લોકસભામાં ગુજરાતમાં બનેલા બળાત્કાર અને સામૂહિક બળાત્કારના ગુનાની આંકડાની વિસંગતતા દર્શાવે છે કે, કેન્દ્રની સરકાર અથવા ગુજરાતની સરકારમાંથી કોઈ એક જૂઠું બોલી રહ્યા છે. ભરોસાની સરકારની વાતો કરતી ભાજપ જુઠ્ઠાણું ચલાવતી હોય ત્યારે ગુજરાત અને દેશના નાગરિકને ખોટા આંકડાથી ભરોસો ક્યાંથી બેસે? ભાજપ નક્કી કરે કે, ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી વિધાનસભાએ વિધાનસભામાં ખોટા આંકડા દર્શાવ્યા છે કે દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહએ લોકસભામાં ખોટા આંકડા દર્શાવ્યા છે? કેન્દ્ર અને ગુજરાતના ગૃહ વિભાગમાંથી એક વ્યક્તિએ ખોટા આંકડા આપ્યાં હોય તેમની ઉપર કાર્યવાહી થવી જોઈએ.
નૈતિકતાના આધારે વિધાનસભા કે લોકસભામાં ખોટા આંકડા આપનાર ગૃહમંત્રીએ તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ. વિધાનસભા હોય કે લોકસભા હોય જો ખોટા આંકડા દર્શાવવામાં આવે તો દેશના નાગરિકોને લોકતંત્ર ઉપરથી વિશ્વાસ ઉઠી જશે અને સરકાર ઉપરથી ભરોસો ઉઠી જશે. આંકડા છુપાવવાનું રાજકારણ શું કામ? કોણ જુઠ્ઠુ બોલી રહ્યું છે અને કોણ સત્ય બોલી રહ્યું છે તે ગુજરાત અને દેશની જનતા જાણવા માંગે છે. સરકાર ખુલાસો આપે કે સાચા આંકડા વિધાનસભાના કે લોકસભાના?