Home /News /ahmedabad /યુવતીને IPS હોવાનું કહીને ફોન કરીને હેરાન કરનાર યુવક સામે ફરિયાદ
યુવતીને IPS હોવાનું કહીને ફોન કરીને હેરાન કરનાર યુવક સામે ફરિયાદ
યુવતીને IPS હોવાનું કહીને ફોન કરીને હેરાન કરનાર યુવક સામે ફરિયાદ
IPSનું નામ આપીને યુવક યુવતીને ફોન કરતો હતો. આ બાદ યુવક દ્વારા યુવતીને બિભત્સ વાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આથી, યુવતીએ મોબાઇલ નંબર બ્લોક કરી દેતા આરોપી યુવકએ સોશીયલ મીડિયા પર પરેશાન કરવાનું શરૂ કર્યું હતું. હાલ, મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા છે.
અમદાવાદ: દરરોજ મહિલા અત્યાચારોને ઘટના સામે આવી રહી છે, ત્યારે ફરી આજે અમદાવાદમાં એક યુવતીને યુવક દ્વારા પ્રતાડિત કરવામાં આવી રહી હોય તેવી ઘટના સામે આવી છે. જણાવી દઈએ કે, એક યુવતીને અલગ અલગ નંબર પરથી મેસેજ કરીને યુવક પરેશાન કરતો હતો. જો કે યુવતી કંટાળીને મોબાઇલ નંબર બ્લોક કરી દે તો તેને સોશીયલ મીડિયા પર પરેશાન કરીને બિભત્સ કમેન્ટ કરતો હતો. એટલું જ નહીં આરોપીએ પોતે રાજ્યમાં ફરજ બજાવતા એક IPS તરીકે ઓળખ આપી હતી. આ બાદ, અંતે કંટાળીને યુવતીએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી છે.
શહેરના દાણીલીમડા વિસ્તારમાં રહેતી અને ખાનગી કંપનીમાં નોકરી કરતી યુવતીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, ગત 4થી નવેમ્બરના દિવસે તે નોકરી પર હાજર હતી. તે દરમિયાન એક અજાણ્યા મોબાઇલ નંબર પરથી તેને હેપ્પી દિવાળીથી એક મેસેજ આવ્યો હતો. જો કે યુવતી આ યુવકને ઓળખતી ના હોવાથી તેને મેસેજ કે ફોન કરવાની ના પાડી દીધી હતી. પરંતુ યુવક દરરોજ અવાર નવાર મેસેજ કરવા લાગતા યુવતીએ તેનો નંબર બ્લોક કરી દીધો હતો.
આ બાદ, યુવતીને બીજા એક નંબર પરથી મેસેજ અને ફોન કરવાનું ચાલુ કર્યું હતું. એટલું જ નહીં આ યુવકએ પોતે IPS "......." બોલી રહ્યો હોવાનું કહીને હાલ તેઓ ભાવનગર ખાતે ફરજ બજાવે છે, પરંતુ હાલ ફરિયાદી યુવતીને રૂબરૂ મળવા માટે અમદાવાદ રજા પર આવ્યા છે. જો કે યુવતીએ તેના મિત્રને આ બાબતની જાણ કરીને ગુગલ પર સર્ચ કરતાં આ IPS ખરેખર ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ કોઇપણ પોલીસ અધિકારી આ રીતે અજાણી યુવતી સાથે વાતચીત કરે નહીં તેવું વિચારીને યુવતીને શંકા જતાં તેણે આ યુવકને વીડિયો કોલ કરવા માટે કહ્યું હતું, પરંતુ તેણે વીડિયો કોલ કરવાની ના પાડતા યુવતીએ તેનો નંબર પણ બ્લોક કરી દીધો હતો.
જો કે ત્યારબાદ પણ અલગ અલગ નંબર પરથી ફોન અને મેસેજ આવતા યુવતી નંબર બ્લોક કરી દેતી હતી. યુવકે યુવતીને ઇન્સ્ટાગ્રામ આઇ ડી પર બિભત્સ ભાષામાં કમેન્ટ કરવાનું શરૂ કર્યું હતું. આ બાદમાં આરોપી યુવકે યુવતીને અજાણ્યા નંબરથી ફોન કરીને કહ્યું હતુ કે, આ અગાઉ તેણે જે IPSના નામે ફોન અને મેસેજ કરીને મળવા માટે કહ્યું હતું, તેના બદલામાં તેણે માફી માંગી હતી. અને આ IPS તેના મામાના દિકરા થતાં હોવાનું કહીને મળવા માટે બોલાવેલ, પરંતુ યુવતીએ તેને મળવા માટેની ના પાડી દીધી હતી. આમ અવાર નવાર ફોન કે મેસેજ કર્યા બાદ સોશીયલ મીડિયામાં યુવતીને હેરાન પરેશાન કરતાં યુવતીએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.