અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપ હોય કે કોંગ્રેસ કે આપ, તમામ પક્ષો દમદાર ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. ત્યારે આજે દાદા એટેલે રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરનાં બોપલ વિસ્તારમાં મોટો રોડ શો યોજ્યો છે. જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ મેદાને ઉતર્યા છે. મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે સીએ પણ શક્તિ પ્રદર્શનમાં લાગી ગયા છે. શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુભાષ ચોકથી બોડકદેવ સુધી રોડ શો યોજ્યો હતો. જેમાં પણ મોટી સંખ્યામાં લોકોનાં ટોળેટોળા ઉમટ્યા હતા.
મતદારો સુધી પહોંચી રહ્યા છે મુખ્યમંત્રી
જંગી જીત માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદનાં બોપલ વિસ્તારમાં ભવ્ય રોડ શો કર્યો હતો. રોડ શોમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટ્યા છે. રોડ શોથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું શક્તિ પ્રદર્શન કર્યું હતુ. વકીલ સાહેબ બ્રિજથી શરૂ થયેલો રોડ શોથી ઘાટલોડિયા વિધાનસભાના બોપલ-ઘુમાના મતદારો સુધી મુખ્યમંત્રી પહોંચી રહ્યા છે.
વકીલ સાહેબ બ્રિજથી આ રોડ શો આબાદ નગર, નંદન પાર્ક, ઉમિયા માતા મંદિર, કબીર એન્કલેવ, ઘુમા આરોહી ક્લબ થઈ સાઉથ બોપલ સનસીટી સુધી પહોંચી આંબલી ગામ ખાતે પૂર્ણ થશે. મુખ્યમંત્રી પટેલે રોડ શોમાં લોકોનું અભિવાદન ઝીલ્યું હતુ. આ સાથે તેમના કાર્યકર્તાઓ પણ સાથે જોડાયા હતા.
ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ 2017ની ચૂંટણીમાં ઘાટલોડિયા બેઠક પરથી મોટી લીડથી જીત્યા હતા. જેથી આગામી વિધાનસભા ચૂંટણી માટે આ બેઠક પર સૌનું ધ્યાન રહેશે. આ બેઠક અમદાવાદ જિલ્લામાં છે અને વર્ષ 2008માં અસ્તિત્વમાં આવી હતી. આ બેઠક ગાંધીનગર લોકસભા મતક્ષેત્ર અંતર્ગત આવે છે. વર્તમાનમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનું મતક્ષેત્ર છે. ઘાટલોડિયા વિસ્તારમાં પ્રભાત ચોક, રન્નાપાર્ક, સાયોના સીટી, ચાણક્યપુરી ઘાટલોડિયા ગામ વગેરે આવેલા છે. નોંધનીય છે કે, 2012માં ઘાટલોડિયા બેઠક પરથી આનંદીબેન ચૂંટણી લડ્યા હતાં. જોકે, 2017માં એવી ચર્ચા હતી કે આનંદીબહેનનાં પુત્રી અનારબેનને તેમનાં માતાની બેઠક મળશે પરંતુ 2017માં તેમના અનુગામી તરીકે ભૂપેન્દ્ર પટેલ ચૂંટણી લડ્યા હતાં અને જંગી બહુમતિથી જીત્યા હતાં.