Home /News /ahmedabad /અમદાવાદઃ પાણી સમજી દીકરો પિતાની દારૂની પોટલી ગટકાવી ગયો, તપાસમાં થયો મોટો ખુલાસો
અમદાવાદઃ પાણી સમજી દીકરો પિતાની દારૂની પોટલી ગટકાવી ગયો, તપાસમાં થયો મોટો ખુલાસો
અમદાવાદમાં પીધેલા છોકરાનો વીડીયો વાયરલ થયા પછી પોલીસની કાર્યવાહી
Ahmedabad Child Drank: અમદાવાદમાં મંગળવારે રાત્રે વીડિયો વાયરલ થયો બાદ પોલીસે કાર્યવાહી કરીને નશામાં ધૂત દેખાયેલા બાળક તથા તેના પિતાને પકડી પાડ્યા હતા. હવે આ પકડાયેલા બાળકે પોલીસની પૂછપરછમાં મોટો ધડાકો કર્યો છે. પોલીસે પિતા રાજુ દંતાણીની ધરપકડ કરીને જરુરી કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદઃ પિતા પાસે પડેલી દારૂની પોટલીને પાણી સમજીને છોકરો ગટગટાવી ગયા પછી તેનો વીડિયો વાયરલ થયો હતો. માત્ર 9 વર્ષનો છોકરો નશામાં ધૂત થયા પછી ધૂમ્રપાન કરીને ધૂમાડાના ગોટા ઉડાડતો પણ જોવા મળ્યો હતો. શહેરની પોલીસ કમિશનર કચેરી પાસે બનેલી ઘટનામાં વાયરલ થયેલા વીડિયોના આધારે માધુપુરા પોલીસે તપાસ કરીને નશામાં બેકાબૂ બનેલા બાળક તથા તેના પિતાની પૂછપરછ કરી છે.
મંગળવારે રાત્રે વાયરલ થયેલા વીડિયો અંગે પોલીસે કાર્યવાહી કર્યા બાદ સામે આવ્યું છે કે, નશામાં ધૂત થયેલા બાળકના પિતાને દારૂ પીવાની આદત હતી અને બાળક થેલીમાં પાણી હોવાનું માનીને તે પી ગયો હતો અને તે પછી તેણે પિતાના ખિસ્સામાંથી સિગરેટ કાઢીને પીધી હોવાનું કબૂલ્યું હતું. આ કેસમાં માધુપુરા પોલીસે બાળકના પિતા સામે પ્રોહિબેશનનો ગુનો નોંધીને ધરપકડ કરી લીધી છે.
વાયરલ વીડિયોમાં છોકરો પીધેલી હાલતમાં હતો
વાયરલ વીડિયોમાં દેખાયેલા છોકરાને પોલીસે ચાઈલ્ડ વેલફેર કમિટીને સોંપ્યો છે. જે વીડિયો સામે આવ્યો હતો તેમાં દેખાતું હતું કે 9 વર્ષનો બાળક નશામાં ધૂત હતો અને રસ્તા પર લથડિયાં ખાતો હતો. આ દરમિયાન તે સિગરેટ પીને ધૂમાડા પણ કાઢતો દેખાયો હતો.
વીડિયો વાયરલ થયાની ઘટના પોલીસ સમક્ષ આવતા પોલીસે આ મામલે તપાસ કરતા બાળક તથા તેના પિતા રાજુ દંતાણીને પકડીને પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં માલુમ પડ્યું કે પ્રોહિબેશન એક્ટનો ભંગ કરવામાં આવ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ કરતા માલુમ પડ્યું કે પિતા અને પુત્ર માધુપુરા અને શાહીબાગ વિસ્તારમાં ફરતા હોય છે અને ફૂટપાથ પર જ સૂઈ જતા હતા. જ્યારે રાજુએ પોતાની પાસે થેલી મૂકીને સૂઈ ગયો હતો ત્યારે તેનો દીકરો પાણી સમજીને દારૂની થેલી પી ગયો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પોલીસ બરવાળા લઠ્ઠાકાંડ ભૂલી ગઈ?
મહત્વનું છે કે તાજેતરમાં જ પાછલા વર્ષે બરવાળા લઠ્ઠાકાંડની ઘટના બની હતી જેમાં 50થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ ઘટના પછી અમદાવાદ, રાજકોટ સહિતના શહેરો અને વિવિધ ગામોમાં પહોંચીને પોલીસે દેશી દારૂની ભટ્ટીઓ પર તવાઈ બોલાવી હતી. જોકે, હજુ પણ દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાનું આ ઘટનાએ ઉદાહરણ પૂરું પાડ્યું છે. હવે જોવાનું એ રહે છે કે પોલીસ આ મામલે કોઈ નક્કર પગલા ભરે છે કે કેમ?