Home /News /ahmedabad /લ્યો બોલો! ઝડપી પૈસા કમાવવા અને દેવું ઉતારવા ગઠિયાએ લાખો રૂપિયાની નકલી નોટો ભેગી કરી અને પછી...
લ્યો બોલો! ઝડપી પૈસા કમાવવા અને દેવું ઉતારવા ગઠિયાએ લાખો રૂપિયાની નકલી નોટો ભેગી કરી અને પછી...
લાખો રૂપિયાની નકલી નોટો ઝડપાઈ
Ahmedabad Crime Branch: વેપારીઓને ચૂનો લગાવનાર આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે શોર્ટ કટમાં રૂપિયા કમાવવા અને દેવું ઉતારવા તેણે ચિલ્ડ્રન બેંકની નકલી નોટો આપી લાખોનું 400 ગ્રામ સોનુ ખરીદ્યું હતું.
અમદાવાદ: અમદાવાદના સોના-ચાંદીના વેપારીઓને ચેતવવા જેવો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. જેમાં નકલી નોટો આપી અસલી સોનાની ખરીદી કરી છેતરપિંડી કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. વેપારીઓને ચૂનો લગાવનાર આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે શોર્ટ કટમાં રૂપિયા કમાવવા અને દેવું ઉતારવા તેણે ચિલ્ડ્રન બેંકની નકલી નોટો આપી લાખોનું 400 ગ્રામ સોનુ ખરીદ્યું હતું.
આરોપી મૂળ રાજસ્થાનનો રહેવાસી
ઉલ્લેખનીય છે કે, ક્રાઇમ બ્રાન્ચની ગીરફતમાં કાળો નકાબ પહેરીને ઉભેલા આરોપીનું નામ મહેન્દ્રસિંગ રાજપુરોહિત છે. આરોપી મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાનો રહેવાસી છે. અમદાવાદમાં છેલ્લા ઘણા વર્ષોથી બાપુનગર યોગેશ્વર પાર્ક સોસાયટીમાં રહે છે. ઝડપી પૈસા કમાવવાની લાલચ અને પોતાની પર દેવું પૂરું કરવાની લાલચમાં આરોપી મહેન્દ્રસિંગે વેપારી સાથે છેતરપિંડી આચરવાનો માસ્ટર પ્લાન બનાવી નાખ્યો હતો. જેમાં આરોપી સફળ પણ થયો પરંતુ ગણતરીના કલાકોમાં પોલીસથી ન બચી શક્યો અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના હાથે મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયો.
ગુનાની વિગત વાર વાત કરવામાં આવે તો, આરોપી મહેન્દ્રસિંગ રાજપુરોહિતે માણેકચોકના સોનાના વેપારીને છેતરવાનું નક્કી કર્યું જેમાં સોનાનો વેપારી બની ફોન કરી એક કિલો સોનું ખરીદી માટે બુક કરાવ્યું હતું. પરંતુ વેપારી પાસે માત્ર 400 ગ્રામ સોનું હોવાના કારણે તેટલું જ આપ્યું હતું. જેની સામે આરોપીએ રોકડ રકમ જે ચૂકવી હતી જેની કિંમત કુલ 30 લાખ થઈ હતી. જેમાં આરોપીએ માત્ર 1 લાખ રૂપિયાની સાચી ચલણી નોટો આપી હતી અને બાકી 29 લાખની ચિલ્ડ્રન બેન્કની નકલી નોટો આપી હતી.
ઉલ્લેખનીય છે કે, વેપારીએ તમામ નોટોના બંડલ ઓફિસ આવીને ગણતરી કરતા 29 લાખ રૂપિયાની નક્કી નોટો હોવાનું માલુમ પડતાં ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે હાલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપી પાસેથી 17 લાખ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં અત્યારે ઠગાઈના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી આ મામલે પોલીસ પણ પોતાની તપાસ હાથ ધરી રહી છે.