Home /News /ahmedabad /EXCLUSIVE: ‘ChatGPT’ને કારણે મુંબઈની NMIMS યુનિવર્સિટીએ અભ્યાસક્રમમાં ફેરફાર કર્યો, જાણો વિગતવાર માહિતી
EXCLUSIVE: ‘ChatGPT’ને કારણે મુંબઈની NMIMS યુનિવર્સિટીએ અભ્યાસક્રમમાં ફેરફાર કર્યો, જાણો વિગતવાર માહિતી
પ્રોફેસર રિતેષ હલદણકરે ન્યૂઝ18 ગુજરાતી સાથે એક્સક્લૂઝિવ વાતચીત કરી હતી.
ChatGPT: ‘ChatGPT’ એક એવું માધ્યમ છે કે, લગભગ અત્યાર સુધીમાં તો બધાએ જાણી લીધું હશે જ કે તે શું છે. આપણે ગત આર્ટિકલમાં તેની વિશે વિગતે વાત કરી હતી. આ આર્ટિકલમાં જાણીશું કે, ChatGPTએ કેવી રીતે અભ્યાસક્રમમાં ફેરફાર કરવા માટે એક ખ્યાતનામ બિઝનેસ યુનિવર્સિટીને મજબૂર કરી નાંખી!
ChatGPT: ટેક્નોલોજી દિવસેને દિવસે અપડેટ થતી જાય છે. રોજ કંઈક નવું આવતું રહે છે. તેવામાં એક ChatGPT નામનું લોન્ગ લેંગ્વેજ મોડેલ આવ્યું છે કે, તેની સામે ભલભલા સર્ચ એન્જિન ટૂંકા પડી જાય! આ સોફ્ટવેરમાં સર્ચ કરતા એકદમ માણસ જવાબ આપતો હોય તેવી રીતે જવાબ મળે છે, તે પણ લખાણમાં! છે ને નવી વાત. આ સોફ્ટવેરને લીધે આખા દેશમાં બિઝનેસ લર્નિંગ શીખવતી મુંબઈની એક પ્રખ્યાત કોલેજે તેના અભ્યાસક્રમમાં ફેરફાર કરવો પડ્યો છે!
મુંબઈની NMIMS - School of Business Managementના એક પ્રોફેસર સાથે ન્યૂઝ18 ગુજરાતીએ ખાસ વાતચીત કરી હતી. જેમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા. આ યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ભણાવતા રિતેષ હલદણકરે આ વિશે વાત કરી હતી. હાલ તેઓ યુનિવર્સિટીમાં મેનેજમેન્ટ કોમ્યુનિકેશન, બિઝનેસ કોમ્યુનિકેશન જેવા વિષયો ભણાવી રહ્યા છે. આવો જાણીએ તેમણે શું કહ્યુ...
પ્રોફેસર રિતેષ હલદણકરે જણાવ્યું કેવી રીતે અભ્યાસક્રમમાં ફેરફાર કર્યો હતો.
News18 Gujarati: તમને કેવી રીતે ખબર પડી કે વિદ્યાર્થીઓ ChatGPT વાપરે છે?
પ્રોફેસર રિતેષઃ અમારી યુનિવર્સિટી એટલી અપ ટુ ડેટ છે કે, તેમને દરરોજ ટેક્નોલોજીમાં શું નવું ઉમેરાય છે તે જાણવા મળે છે. અમારી યુનિવર્સિટીમાં આ અપડેટ માટે સ્પેશિયલ ડિપાર્ટમેન્ટ છે, જે ‘ડિજિટલ ટ્રાન્સફોર્મેશન’ તરીકે ઓળખાય છે. તેની મદદથી અમને જાણવા મળે છે કે, અમે જે એસાઇનમેન્ટ્સ આપ્યાં છે તેનો જવાબ ક્યાં-ક્યાંથી મળી શકે તેમ છે. ઘણાં સોફ્ટવેર છે કે જે રેડીમેડ જવાબ આપતા હોય છે, પરંતુ તે પેઇડ હોય છે. એવા સમયમાં ચેટજીપીટી આવ્યું અને તે ઓપન હતું. જેને લઈને વિદ્યાર્થીઓ તેનો ઉપયોગ કરતા હોય તેવું જાણવા મળ્યું હતું. વિદ્યાર્થીઓ તેને ગૂગલની જેમ વાપરતા હતા. ત્યારે અમને ખબર પડી કે લર્નિંગ બીજે ક્યાંકથી થઈ રહ્યું છે. વિદ્યાર્થીઓ મહેનત નથી કરતા!’
પ્રોફેસર વધુમાં જણાવે છે કે, ‘વિદ્યાર્થીઓ ચેટજીપીટીમાં પ્રશ્નો નાંખે તો તેના રેડીમેડ જવાબ મળી જાય છે. તેને ધ્યાને રાખી અમે એવા ટોપિક પસંદ કર્યા છે અને એવા એસાઇનમેન્ટ બનાવ્યાં છે કે, તેનાથી વિદ્યાર્થીઓને કંઈક નવું શીખવા મળે અને તેઓ જાતે મહેનત કરી શકે. કારણ કે, પહેલાં અમે જે એસાઇનમેન્ટ આપતા હતા તેમાં વિદ્યાર્થીઓને રેડીમેડ જવાબ મળી જતા હતા અને પોતે મહેનત કરવી પડતી નહોતી. તેમાં લર્નિંગનો કોઈ ફાળો જ નહોતો. ત્યારે અમે જ અમારા એસાઇનમેન્ટ જાતે ડેવલપ કર્યા, તેની મેથડ અમે જાતે બનાવી અને પછી વિદ્યાર્થીઓને તેના જવાબ આપવા માટે જણાવ્યું. જેનાથી ચેટજીપીટી પાસેથી મદદની કોઈ અપેક્ષા જ ન રહે.’
News18 Gujarati: ChatGPTનો ઉપયોગ કેવી રીતે રોક્યો?
પ્રોફેસર રિતેષઃ અમારા એસાઇનમેન્ટમાં ડિસિઝન મેકિંગ રિપોર્ટ બનાવવાનું કહેવામાં આવે છે. તેના જવાબ ઓછામાં ઓછા સાતથી આઠ પેજ હોય છે. તેમાં ગ્રાફ હોય, ફાઇનાન્સિયલ ઇન્ફર્મેશન હોય, સ્ટેક હોલ્ડ ઇન્ફર્મેનશ હોય, પ્રોસેસ ઇન્ફોર્મેશન હોય, ઓર્ગેનાઇઝેશનલ ચાર્ટ હોય વગેરે હોય છે. તેને કારણે કોમ્પલેક્સ બની જાય છે. ત્યારબાદ અમે જ તેના જવાબનું સ્ટ્રક્ચર આપ્યું છે, જે બીજે ક્યાંય મળી શકે નહીં. જે લોકો ક્લાસ એટેન્ડ કરે છે તેમને જ સ્ટ્રક્ચર ખબર હોય છે. તેમાં કેવી રીતે લખવું તે ક્લાસરૂમમાં શીખવાડવામાં આવે છે. તેમાં ચેટજીપીટી કોઈ મદદ કરતું નથી. કારણ કે, અમારા બનાવેલા ફોર્મેટમાં જવાબ તો નહીં આપી શકે, તે પોતાની જાતે જ જવાબ લખે છે.
વધુમાં તેઓ જણાવે છે કે, ‘એસાઇનમેન્ટમાં મુખ્ય ત્રણ ભાગ હોય છે. કોન્ટેન્ટ, સ્ટ્રક્ચર અને ગ્રામર. જેમાંથી કોન્ટેન્ટમાં પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ, એનાલિસિસ, ઓપ્શન્સ, રેકમેન્ડેશન, કનક્લૂઝન વગેરે આવે છે. જે ક્લાસમાં જ ભણાવી દેવાય છે. ત્યારબાદ તેના પરથી ડિસિઝન મેકિંગ રિપોર્ટ બને છે, જે એક કેસ સ્ટડી પર આધારિત હોય છે. તે વિદ્યાર્થીઓએ જાતે બનાવવો પડે છે. તેમાં અમે આપેલા સ્ટ્રક્ચર પ્રમાણે જ જવાબ લખવાના હોવાથી તેમને કોન્ટેન્ટ વારંવાર વાંચવું પડે છે, ગ્રુપ ડિસ્કસન કરવું પડે છે કે સ્ટ્રક્ચર બરાબર છે કે નહીં, તે પ્રમાણે લખાઈ રહ્યું છે કે નહીં. હવે આવા સમયે જે લોકોને ખબર નહીં હોય તે લોકો ચેટજીપીટીમાં નાંખશે કે ‘ડિસિઝન મેકિંગ રિપોર્ટનું ફોર્મેટ બતાવો’ તો તે કોઈપણ ફોર્મેટ બતાવી દેશે. તે સોફ્ટવેર તેના ડેટા પ્રમાણે જવાબ આપશે, ક્લાસરૂમમાં ભણાવેલા સ્ટ્રક્ચર પ્રમાણે નહીં. તો આ રીતે આખી જે લર્નિંગ પ્રોસેસ હોય છે.’
પ્રોફેસર જણાવે છે કે, ‘ડિસિઝન મેકિંગ રિપોર્ટનો એક પેરેગ્રાફ પણ લખવો હોય તો આખો કેસ સ્ટડી વાંચવો પડે છે. કોઈપણ વિદ્યાર્થી આખો કેસ સ્ટડી ચેટજીપીટીમાં નાંખી શકવાનો નથી, કારણ કે તેનો કોઈ જ ફાયદો નથી. ચેટજીપીટીને ખ્યાલ નહીં આવે કે આ એક કેસ સ્ટડી છે. એમાંય દરેક કેસ સ્ટડીનું એક અલગ એનાલિસિસ પણ હોય છે. તેમાં કોઈપણ વિષય પર લખવું હોય તો મુખ્ય ત્રણ બાબત પર ધ્યાન આપવામાં આવે છે. પહેલું કેસની માહિતી, બીજું થિયરી અને ત્રીજું કરન્ટ અફેર્સ. હવે આમાંથી બે માહિતી તો કેસ સ્ટડીમાં જ આપેલી હોય છે, પણ કરન્ટ અફેયર્સ માટે વિદ્યાર્થીઓએ બહાર જવું પડે છે અને રિપોર્ટમાં મૂકવી પડે છે. આમ, ચેટજીપીટીનો ઉપયોગ બિલકુલ કરી શકાતો નથી. હા, ચેટજીપીટી તેમને ગ્રામરમાં મદદ કરી શકે છે. વિદ્યાર્થી પેરેગ્રાફ વાઇસ તેમાં નાંખે તો તે ચેક કરી આપશે કે ગ્રામર સાચું છે કે નહીં અને વિદ્યાર્થીઓ આવું કરે તેમાં અમને પણ વાંધો નથી.’
News18 Gujarati: તમારા તરફથી વિદ્યાર્થીઓ માટે કોઈ સંદેશ...?
પ્રોફેસર રિતેષઃ ચેટજીપીટી વાપરી શકાય. તેનો ફાયદો ઉઠાવી શકાય પણ તેને ગૂગલની જેમ ના વાપરવું જોઈએ. કારણ કે, તેનાથી લર્નિંગ નહીં રહે. હાલ તો તે ફ્રીમાં છે, પછી તે પેઇડ થશે. તેને લઈને તમારા અભ્યાસને અસર ના થવી જોઈએ. ટેક્નોલોજી છે તો તે વપરાશે અને વાપરવી જ જોઈએ. પરંતુ તેનો દુરુપયોગ ના કરવો જોઈએ.