અમદાવાદઃ શહેરના ચાણક્યપુરી રેલવે ફાટક પાસેથી મળી આવેલ યુવકના મૃતદેહ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. યુવકની હત્યા થઈ હોવાનું સામે આવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જેમની પૂછપરછમાં સામે આવ્યું છે કે, પ્રેમ સંબંધમાં યુવકને માર મારવા માટે સોપારી આપવામાં આવી હતી.
શહેરના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેલ્વે ટ્રેક પર લોહીથી લથપથ હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી હતી. જોકે, તપાસ દરમિયાન જ્યાં મૃતદેહ મળી આવ્યો હતો. તેની નજીકમાં યુવકનું જેકેટ અને લોહીના નિશાનો મળી આવ્યા હતાં. જેથી પરિવારજનોએ આ અકસ્માત નહીં પરંતુ હત્યા હોવાની આશંકા વ્યક્ત કરી હતી. એવામાં પોલીસને એક સીસીટીવી ફુટેજ પણ હાથ લાગ્યા હતાં.
મૃતકની તસવીર
જેમાં ત્રણ યુવાનો મૃતક રાજેન્દ્ર નવલને ચાણક્યપુરી સેક્ટર 3 ફેશન કીંગ નામની દુકાન પાસે માર મારી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે આ ત્રણેય યુવાનોની પૂછપરછ કરતાં સમગ્ર હત્યાનો મામલો મામલો બહાર આવ્યો હોવાનું ઝોન 1 ડીસીપી લવિના સિન્હાએ જણાવ્યું હતું.
જે હત્યાના ગુનામાં સોલા પોલીસે સીસીટીવી ફુટેજ આધારે વિજય ભરવાડ, અનમોલ યાદવ અને પ્રવિણ પુરબીયા નામના આરોપીની ધરપકડ કરી છે. જેની પૂછપરછમાં સામે આવ્યું છે કે, પ્રેમ સંબંધમાં આ ત્રણેય આરોપીઓને મૃતક રાજેન્દ્ર નવલને માર મારવાની સોપારી આપવામાં આવી હતી. જેના બદલામાં તેઓને રૂપિયા 50 હજાર મળવાના હતાં. જેથી તેઓએ રાજેન્દ્રને ચાણક્યપુરી ખાતે માર માર્યો હતો. બાદમાં તેને સાયન્સ સિટિથી હેબતપુર તરફ જતાં બ્રિજ પાસે લઇ ગયાં હતાં. જ્યાં તેને માર મારતા માથાના ભાગે ગંભીર ઇજા પહોચતાં આરોપીઓએ મૃતદેહ રેલ્વે ટ્રેક પણ ફેંકીને ફરાર થઇ ગયાં હતાં. જોકે, સીસીટીવી ફુટેજે સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મૃતકને જે યુવતી સાથે પ્રેમસંબંધ હતો તેના ભાઇએ આ સોપારી આપી હતી. આરોપીઓએ રાજેન્દ્રને માર મારવાનો હતો. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે આરોપીઓની પૂછપરછ શરૂ કરીને આ સિવાય આ ગુનામાં અન્ય કોણ કોણ સામેલ છે, યુવતીના ભાઇનો સંપર્ક આરોપીઓ સાથે કોણે કરાવ્યો હતો અને હકીકતમાં કોઇ રૂપિયાની લેવડ દેવડ થઇ છે કે કેમ તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.