Home /News /ahmedabad /અમદાવાદ: 'દિવાળીનું શું છે? ધંધો કરવો હોય તો પૈસા આપવા પડશે,' યુવતી સહિત બે નકલી પત્રકારો ઝડપાયા

અમદાવાદ: 'દિવાળીનું શું છે? ધંધો કરવો હોય તો પૈસા આપવા પડશે,' યુવતી સહિત બે નકલી પત્રકારો ઝડપાયા

આરોપી.

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં તોડ કરવા નીકળેલી નકલી પત્રકારોની ટોળકીને લોકોએ ઘેરી લીધી, ખોખરા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તમામની ધરપકડ કરી.

અમદાવાદ: દિવાળીનું શું છે? આવું વાક્ય દિવાળી પહેલા દુકાનોમાં કામ કરતા કર્મચારીથી માંડી અનેક લોકોના મોઢે સાંભળવા મળતું હોય છે. પૂર્વ વિસ્તારમાં કેટલાક નકલી પત્રકારો (Bogus journalist)ની ટોળકી પણ આ રીતે લોકો પાસે પૈસા ઉઘરાવતી હોય છે. ત્યારે ખોખરા (Khokhra area)માં એક દુકાનમાં દિવાળીના પાંચ હજાર માંગવા નીકળેલી પત્રકારની ટોળકીને લોકોએ ઘેરી વળતા આખરે ખોખરા પોલીસ (Khokhra police)ને જાણ કરાતા પોલીસે કાર્યવાહી કરી છે. ઉલ્લેખનીય છે કે આ ટોળકી પાસેથી સંયમ વિકલી પ્રેસ અને તથ્ય ન્યૂઝના આઈકાર્ડ પણ મળી આવ્યા હતા.

રામોલમાં રહેતા જોગેન્દ્રસિંહ ચૌહાણ ખોખરામાં પંડિત દિન દયાલ ગ્રાહક ભંડારની સસ્તા અનાજની દુકાન ધરાવે છે. શનિવારે તેઓ દુકાને હાજર હતા ત્યારે એક મહિલા અને બે પુરુષો તેમની દુકાને પત્રકારની ઓળખ આપીને આવ્યા હતા. એમાંથી એક શખ્સે કહ્યું કે દિવાળીનું શુ છે? એટલે જોગેન્દ્રસિંહએ કહ્યું દિવાળી છે તો શું છે? તો આ શખ્સોએ કહ્યું કે, તમારું દિવાળીનું બાકી છે. દિવાળીના 5 હજાર આપજો કહેતા જ જોગેન્દ્રસિંહે કહ્યું હતુ કે તેઓ ખોટું કરતા નથી તો પૈસા શેના? સાથે જોગેન્દ્રસિંહએ કહ્યું કે, હાલ તેઓ પાસે પૈસા પણ નથી. જોકે, ટોળકીએ રોકડા રૂપિયા ન હોય તો ગૂગલ પે કરવાનું કહ્યું હતું.

આ પણ વાંચો: CA પતિએ 1.2 કરોડનો વીમો અને પ્રેમિકાને પામવા માટે મિત્રના હાથે પત્નીની હત્યા કરાવી નાખી

જોગેન્દ્રસિંહ પાસે પૈસા ન હોવાથી આ ટોળકીએ કહ્યું કે, આજે પૈસા નથી તો કાલે લેવા આવીશું. ધંધો કરવો હોય તો પૈસા તો આપવા જ પડશે. આટલું કહીને આ શખ્સો ત્યાંથી નીકળી ગયા હતા. બાદમાં રવિ નામના શખ્સે થોડીવાર બાદ ફોન કરી પૈસા માંગ્યા હતા. બાદમાં રવિવારના રોજ આ ટોળકી ફરી આવી હતી અને પૈસાનું શું કર્યું તેમ કહી જોગેન્દ્રસિંહ સાથે માથાકૂટ કરવા લાગ્યા હતા. જોગેન્દ્રસિંહે પ્રેસના આઇકાર્ડ માંગતા આ શખ્સોએ સંયમ વિકલી પ્રેસનું આઈકાર્ડ બતાવ્યું હતું.

આ ટોળકીમાં જૂના વાડજ ખાતે રહેતા રવિ પરમારે સંયમ વિકલી પ્રેસ, તથ્ય ન્યૂઝનું આઈકાર્ડ બતાવનાર અંકિતા ગોહિલ અને શૈલેષ બોડાણા નામના શખ્સો હતા. આ શખ્સોએ જોગેન્દ્રસિંહને કહ્યું કે, તમામ લોકો પૈસા આપે છે. તમારે પણ આપવા પડશે નહીં તો તમારું બધું છાપામાં છપાવી દઈશ. જોકે, આ દરમિયાન આસપાસના લોકો ભેગા થઈ જતા પોલીસને બોલાવાઈ હતી. ખોખરા પોલીસે સ્થળ પર પહોંચીને તોડ કરવા નીકળેલી પત્રકાર ટોળકીના સભ્યોની અટકાયત કરી લીધી હતી. જે બાદમાં પોલીસે તમામના કોરોના ટેસ્ટ કરાવી કાયદેસરરની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.
First published:

Tags: Ransom, અમદાવાદ, ગુનો, જર્નાલિસ્ટ, પોલીસ