ભાજપે પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડ્યો
Gujarat Assembly Election 2022 Result: ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ લગભગ જાહેર થઈ ગયું છે. ત્યારે આ વખતે ભાજપે પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો 149 બેઠક જીત્યાનો રેકોર્ડ તોડી નાંખ્યો છે અને 150 કરતાં વધુ સીટ પર જીત હાંસલ કરી છે.
અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ લગભગ જાહેર થઈ ગયું છે. ત્યારે આ વખતે ભાજપે પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો 149 બેઠક જીત્યાનો રેકોર્ડ તોડી નાંખ્યો છે અને 150 કરતાં વધુ સીટ પર જીત હાંસલ કરી છે. મહત્ત્વનું છે કે, આ વખતે ભાજપે અમુક નવા ચહેરાને સ્થાન આપીને સાહસ કર્યુ હતુ તે પણ ફળીભૂત થયું છે. તો ઘણી બેઠક પર જૂનાજોગીને રિપિટ કરવામાં આવ્યા હતા.
ભાજપે રેકોર્ડ બ્રેક જીત મેળવી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ 1980માં 149 સીટો સાથે રેકોર્ડ બ્રેક બેઠકો મેળવીને ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. તેમનો રેકોર્ડ અત્યાર સુધી કોઈ તોડી શક્યું નહોતું, પરંતુ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં આ રેકોર્ડ તૂટ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી ઉમેદવાર રહ્યા હતા અને તેમણે જંગી બહુમતી સાથે વિજય મેળવ્યો છે. તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર ડૉ.અમી યાજ્ઞિકની હાર થઇ છે. CM ભૂપેન્દ્ર પટેલની ઘાટલોડિયા બેઠક પર રેકોર્ડ બ્રેક 1 લાખ 91 હજાર મતોથી જીત થઇ છે.
સરેરાશ મતદાન 64.33 ટકા
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં પ્રથમ તબક્કાનું સરેરાશ મતદાન 63.31 ટકા નોંધાયું હતુ અને બીજા તબક્કાનું સરેરાશ મતદાન 65.30 ટકા નોંધાયું છે. આ બંનેનું સરેરાશ મતદાન 64.33 ટકા થયું છે. 2007 બાદ ગુજરાતમાં આ સૌથી ઓછું મતદાન નોંધાયું છે. ગત વર્ષોની ગુજરાત ચૂંટણીના મતદાનની ટકાવારી જોઇએ તો, 2007માં 59.77%, 2012માં 72.02% અને 2017માં 69.01% મતદાન નોંધાયું હતુ.
આ વખતનાં ગુજરાત ચૂંટણીમાં મતદાનનાં આંકડા તપાસીએ તો, થરાદ અને ડેડિયાપાડા બે બેઠક પર 80 ટકાથી વધુ મતદાન થયું છે. જ્યારે 70 ટકાથી વધુ મતદાન થયું હોય તેવા માત્ર પાંચ જિલ્લા છે. જેમાં નર્મદા, તાપી, બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી જિલ્લાનો સમાવેશ થાય છે. 60થી 69 ટતા મતદાન નોંધાયું હોય તેવા 22 જિલ્લા છે. આ ઉપરાંત સૌથી વધુ મતદારો ધરાવતા અમદાવાદ જિલ્લામાં માત્ર 59.05 ટકા મતદાન નોંધાયું છે. આ મતદાનમાં બનાસકાંઠાના થરાદમાં સૌથી વધુ 86.91 ટકા મતદાન થયું છે. જ્યારે ગાંધીધામમાં સૌથી ઓછું 47.86 ટકા મતદાન થયું છે.