અમદાવાદ: ગુજરાત પ્રદેશ ભાજપ (Gujarat BJP) તરફથી 32 જિલ્લા અને 7 મહાનગરોના શહેર પ્રમુખના નામ બહુ સમય પહેલા જ જાહેર કરી દેવામાં આવ્યા છે. હજુ સુધી ગાંધીનગર જિલ્લા (Gandhinagar District) અને અમદાવાદ શહેર (Ahmedabad City) પ્રમુખની નિમણૂક બાકી છે. ગાંધીનગર જિલ્લો અને અમદાવાદ શહેર એ કેન્દ્રીય મંત્રી અમિત શાહ (Amit Shah)નો મત વિસ્તાર છે. પાર્ટી સૂત્રો જણાવી રહ્યા છે કે ગાંધીનગર જિલ્લા અને અમદાવાદ શહેર પ્રમુખ નિમણૂક આ કારણે બાકી રહી ગઈ છે.
આથી આગામી દિવસોમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ જે પણ વ્યક્તિના નામ પર મહોર મારશે તેમને ગાંધીનગર જિલ્લા અને અમદાવાદ શહેર પ્રમુખ બનાવમાં આવશે. જે રીતે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે 32 જિલ્લા અને 7 મહાનગરોના પ્રમુખોમાં માત્ર 6 લોકોને રિપીટ કર્યા છે તેને જોતા અમદાવાદ શહેર પ્રમુખ જગદીશ પંચાલ અને ગાંધીનગર જિલ્લા પ્રમુખ નૈલેશ શાહની વિદાય પણ નિશ્ચિત છે.
અમદાવાદ શહેર પ્રમુખ માટે હર્ષદ પટેલ, પ્રવીણ પટેલ, હસમુખ પટેલ, જગદીશ પટેલ અને સુરેશ પટેલના નામ ચર્ચાઈ રહ્યા છે. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે અગાઉ સ્પષ્ટ કર્યું છે તેમ 'એક વ્યક્તિ એક હોદ્દા'ના નિયમને જોતા અમદાવાદના સાંસદ હસમુખ પટેલ અને અમરાઈવાડીના ધારાસભ્ય જગદીશ પટેલની દાવેદારી નબળી જણાઈ રહી છે. ત્યારે હર્ષદ પટેલ અને પ્રવિણ પટેલની દાવેદારી મજબૂત માનવામાં આવી રહી છે. હર્ષદ પટેલે વર્તમાન સમયમાં અમિત શાહની લોકસભાના પ્રભારી છે. તો પ્રવીણ પટેલ પૂર્વે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે.
આ જ રીતે ગાંધીનગર જિલ્લા પ્રમુખ નૈલેશ શાહની વિદાય પણ નિશ્ચિત માનવામાં આવે છે. ગાંધીનગર જિલ્લા પ્રમુખ તરીકે અનિલ પટેલ, હિતેન્દ્ર પટેલ, સુમિર ભાઈ અમીન, બિમલ અમીન, નાથુભાઈ ચૌધરી અને કલોલ નગરપાલિકાના પ્રમુખ ગોવિદભાઈની દાવેદારી મજબૂત માનવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે ભારતીય સી.આર. પાટીલ તરફથી તાજેતરમાં જ 32 જિલ્લા અને સાત શહેર માટે પ્રમુખોની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં રાજકોટ શહેર, જૂનાગઢ જિલ્લા, સાબરકાંઠા, કચ્છ, તાપી અને નર્મદા એમ છ પ્રમુખોને રિપીટ કરવામાં આવ્યા છે. સાથે 33 નવા ચહેરાને પણ સ્થાન આપવામાં આવ્યું છે.
આ પણ જુઓ-
આ લિસ્ટમાં 90 ટકા ચહેરાઓ બદલાયા છે. આ પ્રમુખોમાં અમદાવાદ જિલ્લા, સુરત, વડોદરા રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, વગેરે જેવા શહેરોની સાથે જિલ્લાનાં પ્રમુખો પણ બદલાવવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણીના પરિણામ પહેલાં 39 નવા પ્રમુખના નામોની જાહેરાત કરવામાં આવી હતી.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર