Home /News /ahmedabad /સૌથી મોટા ક્રિકેટ બુકીની વ્યાજખોરીના કેસમાં ધરપકડ, ફરિયાદીનો પણ ગુનાહિત ઇતિહાસ
સૌથી મોટા ક્રિકેટ બુકીની વ્યાજખોરીના કેસમાં ધરપકડ, ફરિયાદીનો પણ ગુનાહિત ઇતિહાસ
વ્યાજખોરો સામે મોટી કાર્યવાહી
વ્યાજખોરોએ મકાન પડાવવા સાથે, ફરિયાદી પાસેથી 3 ટકાનું વ્યાજ પણ વસુલ કર્યુ છે. જેને લઈને ઓઢવ પોલીસે ગુનો નોંધી નિકોલ પોલીસ મથકના PIને તપાસ સોંપવામાં આવી હતી. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા બે આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે.
અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરો સામે ઝુંબેશ શરૂ કરી છે. સરકાર દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરાતા એક બાદ એક ગંભીર ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. આ અંતર્ગત, વધુ એક ફરિયાદ સૌથી મોટા ક્રિકેટ બુકી અને ભંગારના વેપારી વિરુદ્ધ નોંધાઈ છે. જેમણે કાવતરું રચીને ફરિયાદીનું મકાન પડાવી લેવાની કોશિશ કરી હોવાની વાત સામે આવી છે.
વ્યાજખોરોએ મકાન પડાવવા સાથે, ફરિયાદી પાસેથી 3 ટકાનું વ્યાજ પણ વસુલ કર્યુ છે. જેને લઈને ઓઢવ પોલીસે ગુનો નોંધી નિકોલ પોલીસ મથકના PIને તપાસ સોંપવામાં આવી હતી. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા બે આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે. જણાવી દઈએ કે, ગુજરાતના સૌથી મોટા ક્રિકેટ બુકી જીતેન્દ્ર જૈન ઉર્ફે જીતુ થરાદ, તેની પત્ની સંગીતા જૈન, દિપક જૈન, સંદીપ ગુપ્તા, ભંગારના વેપારી કમલેશ જૈન અને પોલીસના બાતમીદાર વિક્કી ગુપ્તા ઉર્ફે વિક્કી કિડની વિરુદ્ધ ફરિયાદ નોંધાવામાં આવી છે.
ફરિયાદી વિષ્ણુ વ્યાસને ધંધામાં રોકાણના બહાને 4 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. બાદમાં ભંગારના વેપારી કમલેશ જૈનને તે રૂપિયા ન ચુકવી શકતા, તેણે ફરિયાદીનો આણંદનો બંગલો ગીરવે મુકી રૂપિયા મેળવ્યા હતા. આમ છતા, જ્યારે સમગ્ર રૂપિયા ન ચૂકવી શકાતા, મકાન વેચી દેવા ઉપરાંત મૂડીના 3 ટકાના વ્યાજની ઉઘરાણી કરવામાં આવી હતી. બુકી જીતુ થરાદ, કમલેશ જૈન અને વિક્કી કિડનીથી કંટાળી ફરિયાદીએ બે દિવસ પહેલા નહેરુ બ્રિજ પરથી આત્મહત્યાની કોશિશ કરી હતી.
જણાવી દઈએ કે, ફરિયાદી આત્મહત્યા કરે તે પહેલા જ વાહનચાલકોએ તેને બચાવી લેતા પોલીસને સોંપી દેવામાં આવ્યો, જે બાદ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જોકે વ્યાજખોરીની સાથે ગંભીર રજૂઆતો હોવાથી કેસની તપાસ નિકોલ પોલીસ મથકના PIને સોંપવામાં આવી છે. નિકોલ પોલીસે કમલેશ જૈન અને વિક્કી ગુપ્તા ઉર્ફે વિક્કી કિડનીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આ ગુનામાં આરોપી જીતુ થરાદ અને વિક્કી કિડની ગુનાઈત ઇતિહાસ ધરાવે છે. તો બીજી તરફ ફરિયાદી પણ 5 ગુનામાં સંડોવાયેલ છે. જેથી પોલીસ આ ગુનો નોંધાતા પહેલા તેની ખરાઈ કરવા આરોપીની પૂછપરછ કરશે.