અમદાવાદ: હવે 15 મી ઓગસ્ટ આવી રહી છે ત્યારે દેશભરમાં સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક પોલીસ (Gujarat Police) અને સ્થાનિક એજન્સીઓ સક્રિય બની છે. કોઈ અનિચ્છનીય ઘટનાઓ ન બને તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તાજેતરમાં જ NIA અને ગુજરાત ATS દ્વારા દેશ વિરોધી પ્રવૃત્તિ કરનાર લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. રાજ્યના અલગ-અલગ શહેરોમાં આ ટીમોએ ધામા નાખી કેટલાક શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી. ત્યારે વધુ એક વખત અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 15 ઓગસ્ટ પહેલા હથિયાર સાથે આરોપીઓની ધરપકડ કરી છે.
આ આરોપીઓ સોશિયલ મીડિયા થકી હથિયાર વેચતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આરોપીઓ પાસેથી કેટલાક હથિયાર પણ કબજે કરવામાં આવ્યા છે. ત્યારે ખરેખર મૂળ જામનગરના આ આરોપીઓ આ હથિયાર વેચવા માટે જ લાવ્યા હતા કે કોઈ ઈરાદો પાર પાડવા માટે થઈને અમદાવાદમાં આવ્યા હતા જે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સોશિયલ મીડિયામાં હથિયાર વેચતા 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી 3 પીસ્ટલ અને 16 જીવતા કારતુસ કબ્જે કરવામાં આવ્યા છે. આ ત્રણેય આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે સરખેજ પાસેથી બાતમીના આધારે પકડી પાડયા છે. આ આરોપીઓ સોશિયલ મીડિયાના મારફતે ગ્રાહકો શોધી હથિયાર વેચવા માટે આવ્યા હતા. આરોપી લતીફ સમા, નાસીર ખફી, અને ઈરફાન શેખ ને ઝડપી પાડવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. આ આરોપીઓ મધ્યપ્રદેશથી આ હથિયાર લાવ્યા હોવાનું સામે આવ્યું છે. તમામ આરોપીઓ મૂળ જામનગરના હોવાનું સામે આવ્યું છે.
ત્રણેય આરોપીઓ મધ્યપ્રદેશથી હથિયાર લાવી સોશિયલ મીડિયામાં ગ્રાહકનો સંપર્ક કરી અમદાવાદના સરખેજ વિસ્તારમાં વેચવા આવ્યા હતા. આરોપીઓ 15,000 માં એક હથિયાર લાવ્યા હતા અને 35,000 માં વેચવાના હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ત્યારે આ આરોપીઓ અમદાવાદમાં કોને આ હથિયાર વેચવાના હતા અને અન્ય કોઈ ઉપયોગ કરવાના હતા કે કાવતરાને અંજામ આપવાના હતા. તે બાબતે વધુ તપાસ શરૂ કરાઇ છે.