અમદાવાદ: ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના કેસ છાશવારે સામે આવતા હોય છે અને તેના કારણે અકસ્માતની ઘટનાઓ પણ બનતી હોય છે. ત્યારે બીએસસીના વિદ્યાર્થીઓએ આવી ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ અને તેના કારણે બનતી અકસ્માતની ઘટનાઓનું નિવારણ શોધી કાઢ્યું છે. ત્યારે કડી સર્વ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ બનાવેલો પ્રોજેક્ટ કેવી રીતે કામ કરે છે અને કેવી રીતે આવી ઘટનાઓને અટકાવી શકે તે જાણવાનો પ્રયાસ ન્યુઝ 18 ગુજરાતીની ટીમે કર્યો. જાણો કેવી રીતે તંત્રને કામમાં આવી શકે છે આ પ્રોજેક્ટ.
દિવસે અને દિવસે સતત ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના તેમજ તેના કારણે અકસ્માતની ઘટના કે પછી કારમાં ગેસ લીકેજના કિસ્સાના કારણે અકસ્માતની ઘટના બનતી હોય છે. પરંતુ આવી ઘટનાઓ તંત્ર માટે પણ માથાનો દુઃખાવો બનતી રહી છે. ત્યારે તેને કેવી રીતે રોકી શકાય તેનુ સોલ્યુશન કડી સર્વ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ શોધી કાઢ્યુ છે. આ પ્રોજેક્ટ સાયન્સ સિટીમાં ચાલી રહેલા સાયન્સ કાર્નિવલમાં પણ પ્રદર્શનમાં મુકવામાં આવ્યો છે.
બીસીએના વિદ્યાર્થીએ બનાવ્યો પ્રોજેક્ટ
કડી સર્વ વિદ્યાલયના બીસીએના વિદ્યાર્થી હિતેશ પટેલએ ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, અહીં મે સ્માર્ટ કાર્ડનો પ્રોજેક્ટ બનાવ્યો છે. ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના કેસ હમણા કેટલાય બની રહ્યાં છે. તેના માટે આ પ્રોજેક્ટ બનાવ્યો છે. જે માટે જે ડિવાઈઝસ બનાવ્યું છે તેમાં ગેસ સેન્સરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
જેથી જો કોઈ વ્યક્તિ કારમાં ડ્રિન્ક કરીને બેસે કે ડ્રાઈવ કરે તો તે કાર ઓટોમેટિક બંધ થઈ જશે. એવી જ રીતે જો કારમાં કોઈ ગેસ લીકેજ થાય તો પણ કાર ઓટોમેટિક બંધ થઈ જાય છે. જેથી અકસ્માત થતો ટાળી શકાય.
બીસીએના વિદ્યાર્થીએ બનાવ્યો અસરદાર પ્રોજેક્ટ
ગેસ લિકેજનું સેન્સર કેવી રીતે કામ કરે છે તે જોઈએ તો કારના સેન્સર પર આલ્કોહોલની સ્મેલ આવશે કે તરત જ કાર બંધ થઈ જશે. આ પ્રોજેક્ટ પાછળ 15 દિવસની મહેનત છે. આ પ્રોજેકટના ભવિષ્યની વાત કરવામાં આવે તો કાર બનાવતી મેન્યુફેક્ચરીંગ કંપનીઓને જો આ પ્રોજેક્ટ કે આઈડિયા આપવામાં આવે અને તેઓ આ પ્રકારનું સેન્સર પહેલાથી જ કારમાં લગાવે તો તે આવી આકસ્મિક ઘટનાઓને નિવારી શકાય છે.
આ ગેસ સેન્સરનો પ્રોજેક્ટ કોઈ ગેસ બનાવતી કંપનીઓને પણ ઉપયોગી થઈ શકે તેમ છે. જેથી કરીને અમે આ પ્રોજેક્ટ ગેસ બનાવતી કંપનીઓને પણ પહોંચાડવામાં માંગીએ છીએ.