Home /News /ahmedabad /અમદાવાદ : એ શું મરતો હતો હું જ મરી જઉ, એ.એસ.આઈની ગુમ પુત્રીની ઓડિયો ક્લિપ આવી સામે
અમદાવાદ : એ શું મરતો હતો હું જ મરી જઉ, એ.એસ.આઈની ગુમ પુત્રીની ઓડિયો ક્લિપ આવી સામે
પ્રતિકાત્મક તસવીર
પતિ ધર્મેન્દ્રદાન મોબાઈલમાં ગંદી ક્લિપ જોઈ શ્રુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાવતો હતો, એ.એસ.આઈની પુત્રીનો હજુ પતો નથી લાગ્યો, ભરૂચના પીઆઇ પ્રતાપદાન ગઢવી એવા સસરા અને પુત્ર સહિતના લોકો સામે ગુનો નોંધાયો
અમદાવાદ : શહેરના (Ahmedabad) નવા નરોડામાં રહેતા અને સાબરમતી રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.એસ.આઈની પુત્રીની (ASI missing daughter) હજુ સુધી કોઈ ભાળ મળી નથી. પુત્રી સોનલ ગઢવીએ બે પાનાની સ્યુસાઇડ નોટ અને પરિવારને સાસરિયાના ત્રાસથી કેનાલમાં પડી આત્મહત્યા કરવા જવાની ઓડીયો ક્લિપ પરિવારને મોકલી હતી. પાંચ દિવસથી શોધખોળ છતાં સોનલ મળી ન આવતા પિતાએ તેના પતિ અને પીઆઇ એવા સસરા પ્રતાપદાન ગઢવી સહિતના સાસરિયાઓ સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં મૃતકના સાસરિયાઓ સોનલને અવારનવાર માનસિક ત્રાસ આપતા હતા. પતિ મોબાઈલમાં બીભત્સ ક્લિપ જોઈ શ્રુષ્ટિ વિરુદ્ધ નું કૃત્ય કરવા મજબુર કરતો હોવાનો આક્ષેપ કરાયો છે. મકાન નામે કરવા બાબતે પણ ત્રાસ આપી સસરા પોતે પીઆઇ હોવાથી બધા દાવપેચ જાણે છે અને એવો નિકાલ કરીશું કે અમારા નામ નહીં આવે તેવી રીતે ત્રાસ આપ્યો હતો.
કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ અમદાવાદના નવા નરોડામાં કર્મશક્તિ પાર્ક સોસાયટીમાં રહેતા અને સાબરમતી રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI નરેન્દ્રદાન ગઢવીની પુત્રી સોનલ ગઢવીના વર્ષ 2007માં ધર્મેન્દ્રદાન ગઢવી સાથે લગ્ન કર્યા હતા. લગ્નમાં રીતરિવાજ મુજબ સોનુ અને રોકડા રૂપિયા આપ્યા હતા. સોનલ તેના પતિ, સસરા પ્રતાપદાન, સાસુ કૈલાશબેન, દિયર શૈલેષ, નણંદ મુન્ની ઉર્ફે મીનાક્ષી સહિત લોકો સાથે સયુંકત કુટુંબમાં રહેતી હતી. બે વર્ષ સુધી લગ્નજીવન સારું ચાલ્યું હતું. પ્રથમવાર ગર્ભવતી થતા મિસકેરેજ થયું હતું. જેથી સાસરિયાને ગમ્યું ન હતું. 2011માં ફરી ગર્ભવતી થતા દીકરીનો જન્મ થયો હતો જે સાસરિયાને ગમ્યું ન હતું. અને સાસુ- સસરા પહેલા ખોળે દીકરો જોઈતો હતો કહી મેણા ટોણા મારતા હતા. બીજી વાર દીકરાનો જન્મ થયા બાદ તેઓ કલોલ ખાતે રહેવા ગયા હતા. જ્યાં અવારનવાર તેની પાસે દહેજમાં સામાન માગવામાં આવતો હતો.
સોનલના નણંદ અને નણદોઈ તેમજ બીજી નણંદ પણ તેઓ સાથે ત્યાં રહેવા ગયા હતા અને તેની પાસે નોકરાણીની જેમ કામ કરાવતાં હતા. તમામ ભેગા મળી માનસિક ત્રાસ આપતા હતા. બાદમાં તેઓ અમદાવાદ રામોલ ખાતે રહેવા આવ્યા હતાં. સોનલના પતિ ધર્મેન્દ્રએ ધંધો શરૂ કર્યો હતો જેમાં લાઇટબીલના રૂપિયા સોનલને લાવવાનું કહેતા, તેને મારુઝૂડ કરી કાઢી મુકતા બંને બાળકોને લઈ સોનલ પિયર જતી રહી હતી. થોડા દિવસ બાદ પતિ તેની બહેનને લઈ ઘરે આવ્યો હતો અને દીકરાને જબરજસ્તી લઈને જતો રહ્યો હતો. પાડોશીએ તેમને જાણ કરી હતી કે તમારો દીકરો તમારા વગર રહેતો નથી અને રડે છે જેથી દીકરા માટે રૂપિયા લઈ સાસરીમાં રહેવા ગઈ હતી.
સાસરિયાં દ્વારા અવારનવાર ત્રાસ આપવામાં આવતો હતો. તેની દેરાણીને પણ માર મારી ત્રાસ આપતા હતા જેનો વિરોધ કરતા તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. સાસુ અને સસરાએ કહ્યું હતું કે તમે તમારી દીકરીના નામે મકાન લઈ આપો તો અમે તેને હેરાન નહીં કરીએ તેવો વિશ્વાસ અપાવતા ફરી સાસરીમાં મોકલી અને સૂર્યમ પ્રાઇડમાં રહેવા મોકલ્યા હતા પરંતુ તેઓએ માનસિક અને શારીરિક ત્રાસ ચાલુ રાખ્યો હતો. સમાજમાં ઈજ્જત રહે માટે તારા નામે મકાન લીધું છે અને મુન્નીના નામે મકાન કરવાનું છે તેવું સાસરિયાઓ કહેતા હતા. મારા પિતા પીઆઇ છે અને એક ભાઈના છૂટાછેડા થયા છે અને બીજા ભાઈના છૂટાછેડા ન થાય માટે તારા નામે મકાન લીધું છે તેમ નણંદ મુન્ની અને મનીષા સોનલને કહેતી હતી. પીઆઇ હોવાથી બધા દાવપેચ જાણે છે અને એવો નિકાલ કરીશું કે અમારા નામ નહીં આવે તેવી રીતે કહેતા હતા.
સસરા પ્રતાપદાન પીઆઇ કડીમાં હતા ત્યારે તેઓ એસીબી ટ્રેપમાં પકડાયા હતા. જેથી તું અભાગણ છે અને તારા પગલાં સારા નથી કહી મેણા ટોણા મારતા હતા. ભાણીના ભણવાનો ખર્ચ પણ તેઓની પાસેથી લેતા હતા. ધર્મેન્દ્રદાનને કોરોના થતા તેને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો જ્યાં સોનલને કોરોના વોર્ડમાં મોકલતા અને ધર્મેન્દ્રને કઈ થયું તો ઘરમાંથી કાઢી મુકીશ તેવી ધમકી આપતા હતા. સાજા થવા માટે વાસણીયા મહાદેવ ખાતે ઉઘાડા પગે ચાલીને જવાની બાધા પણ રાખી હતી. સસરા પ્રતાપદાન પોતે હું પોલીસ સ્ટેશનનો રાજા છું અને હું કહું તેમ આખું પોલીસ સ્ટેશન કરે છે તો તારી શું હેસિયત છે તું તો નોકરાણી છે કહી ગાળો આપતા હતા. પતિ ધર્મેનદ્રદાન મોબાઈલમાં ગંદી ક્લિપ જોઈ શ્રુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાવતો હતો.
ધર્મેન્દ્રએ ઘર છોડી જતા રહેતા સાસુ અને સસરાએ ધમકી પણ આપી હતી કે જો તેને કઈ થયું તો તેને છોડીશ નહીં. આ રીતે ત્રાસ આપતા છેવટે કંટાળીને સોનલ પિયરમાં આવી ગઈ હતી. 15 જુલાઈના રોજ ઘર છોડી જતી રહી હતી. ઘરમાંથી બે પાનાની સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી. બાદમાં ઓડિયો ક્લિપ મોકલી સાસરિયાના ત્રાસથી આપઘાત કરવા કેનાલ પડું છું તેમ જાણ થતાં દૂધરેજ કેનાલ લોકેશન મળ્યું હતું. આજ દિન સુધી સોનલ ગઢવીની ભાળ ન મળતા તેના પિતાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં તમામ સામે ફરિયાદ નોંધાવી છે. કૃષ્ણનગર પીઆઇ એ જે ચૌહાણ એ જણાવ્યું કે સોનલના સસરા ભરૂચમાં પીઆઇ તરીકે ફરજ બજાવે છે અને નોટ તથા ઓડિયો કલીપ આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે જોકે હજુ સોનલની ભાળ મળી નથી. શુ કહ્યું ઓડિયો ક્લિપમાં?
પપ્પા મને માફ કરજો જીવનથી હું બહુ કંટાળી ગઈ છું. કંટાળ્યા પછી મેં આ ડિસિસન લીધું છે. મારા પર કોઈ બ્લેમ ના નાખતા હંમેશા મેં તમારી ઈજ્જત સાચવવાની કોશિશ કરી છે એટલે મારે મોતનો સહારો લેવો પડ્યો છે. બધા મને બ્લેમ કરે તો? એટલે મને ટેન્શન થાય છે કે આજે હું નહીં જવું તો બહુ ધમ પછાડા થશે. એ પરિસ્થિતિથી પહેલી વાર ભાગુ છું. એટલે હું મરવા જવું છું. આ કલીપ મળશે પછી છેલ્લી હાજરી ગણજો. મને ગોતવાની કોશિશ ન કરતા કેનાલમાં પડીને મરી જઈશ. બહુ ટેન્શન ના લેતા, બહુ થાકી કંટાળી છું. મને માફ કરજો પેલામાં ભલીવાર નથી બાળકોને સાચવજો. એ હું મરી જઈશ મરી જઈશ કહેતો હતો એ શું મરતો હતો હું જ મરી જવું. એક ચિઠ્ઠી બધા માટે લખી છે. હું કાયર છું એવો બ્લેમ ના કરતા. હું અહી રહેવા આવી હતી પણ થાકીને મરૂ છું મને જીવવાની બહુ ઈચ્છા હતી. ભોળાનાથ તમને બધાને શક્તિ આપે અને ખુશ રાખે મને માફ કરજો.