Mobile Theft Incident: શહેરમાં ભીડભાડ વાળી જગ્યા પર મોબાઇલ ચોરી કરતી અનેક ટોળકીઓ સક્રિય થઇ છે જે તમારી નજર ચુકીને ગણતરીની મિનિટોમાં મોબાઇલ ચોરી કરીને નાસી જાય છે. શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં મોબાઇલ ચોરીના 20થી વધુ ગુના ગઇકાલે દાખલ થયા છે.
અમદાવાદ: શહેરમાં ભીડભાડ વાળી જગ્યા પર મોબાઇલ ચોરી કરતી અનેક ટોળકીઓ સક્રિય થઇ છે જે તમારી નજર ચુકીને ગણતરીની મિનિટોમાં મોબાઇલ ચોરી કરીને નાસી જાય છે. શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં મોબાઇલ ચોરીના 20થી વધુ ગુના ગઇકાલે દાખલ થયા છે જેમાં પોલીસે મોબાઇલ ચોરને પકડી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા છે. રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ તેમજ જાહેર જગ્યા પરથી મોબાઇલ ફોન ચોરી થઇ હોવાની ફરિયાદો નોંધાઇ છે. મોબાઇલ ચોરી કરતી ગેંગ એક સાથે ચોરેલા મોબાઇલ ફોન ભેગા કરે છે અને બાદમાં ગુજરાતના અંતર્યાળ ગામડા તેમજ અન્ય રાજ્યોમાં વેચી દેતા હોય છે.
બાપુનગર પોલીસ સ્ટેશનમાં પણ નોંધાઈ ફરિયાદ
વેજલપુરમાં રહેતા મયુર કડીયા વાંકાનેરથી અમદાવાદ ટ્રેનમાં આવ્યા હતા. મયુર કડીયા પ્લેટફોર્મ નંબર 6 પરથી પસાર થતા હતા ત્યારે ગઠીયાએ તેમનો મોબાઇલ ફોન ચોરી લીધો હતો. કાલુપુર રેલવે પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. આ સિવાય બાપુનગરમાં પ્રેમજી ચૌહાણ નામના વ્યકિત એએમટીએસ બસમાં ચઢતા હતા ત્યારે શખ્સે તેમનો મોબાઇલ ચોરી લીધો હતો. તો બીજી તરફ બાપુનગર બસ સ્ટેન્ડ પાસે રિક્ષા ચાલક સુનિલ શિવહરેનો મોબાઇલ પણ કોઇ શખ્સે ચોરી લીધો. મોબાઇલ ચોરીની બન્ને ફરિયાદ બાપુનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે જેમાં પોલીસે તપાસ શરૂ કરી છે.
શાહપુર વિસ્તારમાં રહેતા રશ્મીબેન તેમના ઘરે રસોઇ બનાવતા હતા ત્યારે તેમનો મોબાઇલ ફોન ઘરની બહાર મુક્યો હતો જેથી કોઇ ગઠીયાએ તકનો લાભ લઇને મોબાઇલની ચોરી કરી લીધી હતી. દરિયાપુર પોલીસે રશ્મીબેનની ફરિયાદના આધેર ગુનો દાખલ કર્યો છે. રમઝાન મહિનો ચાલી રહ્યો છે ત્યારે ગોમતીપુર વિસ્તારમાં રહેતા શાહનવાઝ ખાન ખરીદી કરવા માટે ગયા હતા ત્યારે ભીડનો લાભ લઇને ગઠીયો તેમના મોબાઇલ ફોનની ચોરી કરી લીધી હતી. ગોમતીપુર પોલીસે આ મામલે ગુનો દાખલ કર્યો છે. ચાલુ વાહન ઉપર પણ નજર ચુકવીને મોબાઇલ ચોરી કરતી ગેંગ સક્રિય થઇ છે.
દિપક તલાટી નામનો યુવક કાંકરીયા ગેટ પાસેથી પોતના વાહન પર પસાર થતો હતો ત્યારે અજાણ્યા શખ્સોએ તેના ખીસામાં થયો હતો જેમાં તેણે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાઇ હતી. આ સિવાય પણ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં મોબાઇલ ચોરીની વીસથી વધુ ફરિયાદો નોંધાઇ છે. મોબાઇલની ચોરી છેલ્લા ઘણા સમયથી વધી રહી છે જેમાં કેટલાક લોકો ઇ-એફઆઇઆર કરી રહ્યા છે તો કેટલાક લોકો પોલીસ સ્ટેશનમાં જઇને ફરિયાદ કરી રહ્યા છે. આ સિવાય ઘણી ફરિયાદો એવી છે કે જે હજુ સુધી પોલીસ સ્ટેશનમાં નોંઘાઇ નથી. મોબાઇલ ચોરી કરતી ગેંગ એક સાથે મોબાઇલ ફોન ભેગા કરીને વેચી દેતા હોય છે.