Covid 19 Insurance claim: કંપનીએ દલીલ કરી હતી કે, એસિમ્પ્ટોમેટિક દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી અને તેમણે હોમ આઇસોલેશનમાં રહેવું જોઇતું હતું.
અમદાવાદ: કોરોના વાયરસના કારણે અનેક લોકોને હોસ્પિટલમાં સારવાર લેવાની જરૂર ઊભી થઈ હતી. હોસ્પિટલમાં સારવાર લેનાર ઘણા લોકોએ વીમા સુવિધાનો ઉપયોગ કરી ખર્ચમાં રાહત મેળવી હતી. પણ ઘણા કિસ્સા એવા પણ હતા જ્યાં વીમા કંપનીઓ દ્વારા દર્દીને વીમાની રકમ (Covid Insurance claim) ચૂકવાઈ નહોતી. આ દરમિયાન તાજેતરમાં ગ્રાહક કમિશને એસિમ્પ્ટોમેટિક દર્દીના ક્લેમને વીમા કંપની દ્વારા ફગાવી દેવાયો હોવાના કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે, રોગના લક્ષણો દેખાતા ન હોય તેવા દર્દીઓને એસિમ્પ્ટોમેટિક દર્દી કહેવામાં આવે છે.
શું છે આ કેસ?
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ પ્રમામે ઘાટલોડિયાના દિગંત બ્રહ્મભટ્ટને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું નિદાન થયું હતું. જેથી 2020ના નવેમ્બર મહિનામાં પાંચ દિવસ SGVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સારવાર આપવામાં આવી હતી. તેમણે પોતાની સારવાર માટે રૂ.1.34 લાખનો ખર્ચ કર્યો હતો. ત્યારબાદ તેમણે સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડને આ રકમનો ક્લેમ કર્યો હતો. પણ કંપનીએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની માર્ગદર્શિકાને ટાંકીને તેમના ક્લેમને ફગાવી દીધો હતો. કંપનીએ દલીલ કરી હતી કે, એસિમ્પ્ટોમેટિક દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી અને તેમણે હોમ આઇસોલેશનમાં રહેવું જોઇતું હતું.
ગ્રાહકે ફરિયાદ કરી
જેથી દિગંત બ્રહ્મભટ્ટે સારવારની રકમ માટે વીમાકંપની સામે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ, અમદાવાદ (શહેર)માં કેસ કર્યો હતો. જ્યાં વીમા કંપનીએ બચાવ કર્યો હતો કે બ્રહ્મભટ્ટ એસિમ્પ્ટોમેટિક છે અને તેમની હાલત સ્થિર હતી, માટે તેમને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નહોતી. જેથી તેમના દાવાને ફગાવી દેવામાં આવ્યો હતો.
કમિશને વીમાદાતાના આ બચાવને સ્વીકાર્યો ન હતો અને નિરીક્ષણ કર્યું હતું કે, કોરોના વાયરસ ખૂબ જ ગંભીર રોગ છે, ઘણા લોકોએ બેદરકાર રહીને અથવા તબીબી સહાય મળી નથી ત્યારે પોતાનો જીવ ગુમાવ્યો છે તે આપણે બધા જાણીએ છીએ. તે સમયગાળામાં આ રોગ જીવ માટે જોખમી હતો. તેથી, ચેપ લાગ્યો હોય તેવો દરેક વ્યક્તિ ડોક્ટર પાસે દોડી જતો અને જો ડોક્ટર હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપે, તો એક ક્ષણ માટે પણ વિચાર્યા વિના દર્દીને દાખલ કરવામાં આવતો.
" isDesktop="true" id="1223720" >
કમિશનનો વળતર ચૂકવવા આદેશ
કમિશને વધુમાં જણાવ્યું હતું કે, શરૂઆતમાં સારવાર અથવા દવાની લાઇન ડોકટરોને ખબર નહોતી. જેથી આ કેસમાં તબીબે ફરિયાદીને હોસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપી હતી. જેના કારણે ફરિયાદીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે કે નહીં તે વીમાદાતા નક્કી કરી શકે નહીં. દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવો પડશે કે નહીં તે સારવાર કરનાર ડોક્ટર નક્કી કરે છે. કમિશને બ્રહ્મભટ્ટના ક્લેમને યથાર્થ ગણાવ્યો હતો. પોલિસી ધારકને ડોક્ટરની સલાહથી દાખલ કરવામાં આવ્યા હતા જેથી ક્લેમને ત્યારે નકારી કાઢવો જોઈતો ન હતો.
આ કેસમા સારવાર અને હોસ્પિટલમાં દાખલ થવા માટે રૂ. 1.33 લાખથી વધુની ચુકવણી ઉપરાંત પોલિસી ધારકે સહન કરેલી માનસિક પીડા અને કાનૂની ખર્ચ માટે વળતર તરીકે વધારાના રૂ. 7000 ચૂકવવાનું પણ વીમાકંપનીને કહેવામાં આવ્યું છે.