પ્રવિણ પ્રજાપતિ, અમદાવાદ: ઓલ ઇન્ડિયા મજલિસ એ ઈત્તેહાદ ઉલ મુસ્લિમીનના (AIMIM) રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) અમદાવાદની એક દિવસની મુલાકાતે છે. ઓવૈસી અમદાવાદ (Ahmedabad) સાબરમતી જેલમાં (Sabarmati Jail) બંધ યુપીના પૂર્વ સાંસદ અતિક અહેમદને (Atiq Ahmed) મળવાના હતા પરંતુ તેમને મંજૂરી મળી નથી. પરંતુ આ સમાચારથી ગુજરાત અને ઉત્તરપ્રેદશનું રાજકારણ ગરમાયુ છે. જેના પર 103 ગુનાનો આરોપ છે. તે ઉત્તરપ્રદેશના બાહુબલી પૂર્વ નેતા અતિક અહેમદ હાલ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. દબંગ નેતા તરીકે જાણીતા અને યુપીના રાજકારણમાં પોતાની ધાક ધરાવતા અતિક અહેમદ રાજકારણમાં દબંગાઈ માટે જાણીતા છે. AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવેસી આ કુખ્યાત ગુનેગારને મળવા માગે છે. જોકે, મુસ્લિમ હિતો થકી પોતાની રાજકીય રોટલી શેકનાર ઓવૈસીને અતિકની યાદ કેમ આવી. આખરે ઓવૈસીને કેમ મળવું છે અતિક અહેમદને, આ સવાલ સૌ કોઇના મનમાં છે.
મુલાકાત પર રહસ્ય ?
AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવેસીની મુલાકાત પાછળ અનેક તર્ક લગાવાઈ રહ્યા છે. જેની પાછળનું સૌથી મોટું કારણ આગામી સમયમાં આવી રહેલી ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી છે. વર્ષ 2004માં અતિકે એસપીની ટિકિટ પર ચૂંટણીમાં જીત મેળવી હતી. અલ્હાબાદ પશ્ચિમ બેઠક પર અતિકનો દબદબો હતો અને તે વિસ્તારનો ફાયદો મેળવવા માટે ઓવૈસી મુલાકાત પાછળનું પણ કારણ મનાય છે.સાથે જ અતિક સાથે મુલાકાત થકી મુસ્લિમ સમૂદાયને અતિક સાથે હોવાનો સંદેશ પણ આપવાનો પ્રયાસ છે. જોકે, આ મુલાકાતનો હેતુ વ્યક્તિગત ઓછો અને રાજકીય વધુ હોય તેવું લાગે છે. જેલ તંત્રેએ ઓવૈસીને મળવાની પરવાનગી નથી આપી.
અતિક કેવી રીતે આવ્યો ગુજરાતની જેલમાં ?
ખુંખાર ગુનેગાર અતિકને ઉત્તરપ્રદેશની કોઈ જેલ રાખવા તૈયાર ન હતી. 2019માં ચૂંટણી પંચે અતિકને દેવરિયા જેલથી નૈની જેલ ટ્રાન્સફર કર્યો. બરેલી જેલ પણ તેને રાખવા તૈયાર ન હતી, આખરે 3 જુન 2019માં સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ અતિકને ગુજરાતની જેલમાં મોકલામાં આવ્યો. ત્યારથી તે ગુજરાતની જેલમાં બંધ છે.
ડોન કેવી રીતે બન્યો નેતા ?
ગુનાની દુનિયામાં પગ મજબૂત કરવા હશે તો રાજકારણમાં મજબૂતી જરૂરી છે. અતિક સમજી ચૂક્યો હતો કે, તે સત્તાની તાકાતથી શું શું કરી શકે છે.ગુનાની દુનિયામાં પોતાનો સિક્કો જમાવનાર અતિક 1989માં અલાહાબાદ પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી લડ્યો અને ધારાસભ્ય બની ગયો. ઉત્તરપ્રદેશમાં ચાંદબાબા ગેંગના ખાત્મા બાદ અતિકનો ખૌફ એટલો ખતરનાક હતો કે, તેની સામે ચૂંટણી લડવા પણ કોઈ તૈયાર ન હતુ. અતિક ફરી એકવાર 1991માં અલાહાબાદ પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીતી ગયો. પણ 1992માં શરૂ થઈ અતિકના અતિતની કહાણી.
પોલીસે અતિકની કુંડળી ખોલી. ઉત્તરપ્રદેશના અનેક જિલ્લાઓમાં અતિક સામે કેસ દાખલ હતા.અલાહાબાદમાં અતિક સામે સૌથી વધુ કેસ દાખલ થયા. યુપીની સાથે બિહારમાં પણ અતિક સામે હત્યા, ખંડણી અને ધાકધમકીના અનેક કેસ ખુલ્યા. 1996માં અતિક સમાજવાદી પાર્ટીમાં સામેલ થયો અને ચૂંટણી જીત્યો. 1999માં અતિકે સમાજવાદી પાર્ટી સાથે છેડો ફાડ્યો અને અપનાદલમાં સામેલ થઈ ગયો અને તે પાંચમી વખત ધારાસભ્ય બન્યો.
માયાવતીની સરકાર આવતાં અતિકના ખરાબ દિવસ શરૂ થયા
2004માં અતિક ફુલપુર લોકસભા બેઠક પરથી ચૂંટણી જીતી સંસદ પહોચ્યો. 2005માં BSPના ધારાસભ્ય રાજુ પાલની હત્યામાં અતિકનું નામ સામે આવ્યું. રાજુપાલે જ અતિકના ભાઈને ચૂંટણીમાં હાર આપી હતી. જેનો બદલો લેવા અતિકે રાજુપાલની હત્યા કરી. 2007માં માયાવતીની સરકાર આવતાં અતિકના ખરાબ દિવસ શરૂ થયા અને માયાવતીએ શરૂ કર્યુ ઓપરેશન અતિક.
અતિક ગેંગના 227 લોકોની યાદી તૈયાર કરાઈ અને એક એક કરીને તમામને પકડવાની શરૂઆત થઈ. અતિક સામે ગાળિયો કસાતાની સાથે જ તેના પર 20 હજારનુ ઇનામ પણ જાહેર કરાયુ. કરોડોની સંપત્તિ સિઝ કરાઈ. તેના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યું. સાંસદ હોવા છતાં અતિક સામે સમગ્ર દેશમાં લુકઆઉટ નોટિસ જાહેર કરાઈ. અતિકની દિલ્હીમાંથી ધરપકડ કરાઈ અને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયો. 2012માં અતિકે અપનાદલથી ચૂંટણી લડવાની તૈયારી શરૂ કરી અને જામીન માટે અલ્હાબાદ કોર્ટમાં અરજી કરી જો કે 10 જજોએ તેની અરજી સાંભળવાનો જ ઇન્કાર કરી દીધો. 11માં જજ તૈયાર થયા અને અતિકને જામીન મળી ગયા.
અતિક અલ્હાબાદ પશ્ચિમથી ચૂંટણી મેદાને ઉતર્યો પણ હારી ગયો પણ અતિકનું અતિત તેની પાછળ જ હતું. 2017માં યોગી સરકાર આવી અને અતિકની ઊંધી ગણતરી શરૂ થઈ. અતિકના ગુનાની તમામ ફાઈલો ખુલી. અતિક સામેના ઘણા કેસોની તપાસ CBIને સોંપી દેવાઈ. 2017માં અલ્હાબાદ હાઈકોર્ટે અતિકના જામીન રદ કર્યા અને ત્યારથી લઈને અત્યાર સુધી જેલના સળિયા પાછળ બંધ છે.