યુવતીએ પોતાની કલા સંગ્રહ પહેલા જ આર્ટ ગેલેરીમાં એડવાન્સમાં બુકિંગ કરાવી દીધું હતું. બાદમાં તેણે જુદા જુદા માધ્યમમાં પેઈન્ટિંગ બનાવવાના શરૂ કર્યા હતા. તો આવો આપણે પણ જાણીએ ધ્રુવી રાવલની કલા વિશે.
અમદાવાદ: અમદાવાદની ગુફા ખાતે એક આર્ટ ગેલેરી આવેલી છે. જેમાં દર અઠવાડિયે કલાકારો દ્વારા જુદી જુદી આર્ટ કલાનું પ્રદર્શન રાખવામાં આવે છે. ત્યારે આ વખતે અમદાવાદમાં રહેતી એક નવયુવતીએ પોતાની કલાના માધ્યમથી જુદા-જુદા વિષયોને આવરી લેતા પેઈન્ટિંગ રજૂ કર્યા છે.
નવાઈની વાત તો એ છે કે કલાકારો પોતાની કલા રજૂ કરતા પહેલા પોતાની કલાને સંગ્રહિત કરતા હોય છે. પછી તેને લોકો સમક્ષ રજૂ કરતા હોય છે. પરંતુ આ યુવતીએ પોતાની કલા સંગ્રહ પહેલા જ આર્ટ ગેલેરીમાં એડવાન્સમાં બુકિંગ કરાવી દીધું હતું. બાદમાં તેણે જુદા જુદા માધ્યમમાં પેઈન્ટિંગ બનાવવાના શરૂ કર્યા હતા. તો આવો આપણે પણ જાણીએ ધ્રુવી રાવલની કલા વિશે.
કલાકૃતિઓ બનાવવી એ મારો શોખ હતો
ધ્રુવી રાવલ સાથે વાત કરતા જણાવ્યું કે હું એક ઇન્ટિરિયર ડિઝાઇનર છું. મેં અનંત નેશનલ યુનિવર્સિટી, અમદાવાદમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. મારા પિતા સરકારી ઓફિસર છે અને મારી માતા ગૃહિણી છે. બાળપણથી જ કલામાં ખૂબ જ રસ હતો. હું પહેલેથી જ વિવિધ કલાકૃતિઓને શોધવા માટે ખૂબ જ ઉત્સુક હતી. પરંતુ કલાકૃતિઓ બનાવવી એ મારો શોખ હતો. તેથી મેં તેને લોકો સમક્ષ રજૂ કરવાનું નક્કી કર્યું.
આ માટે હું વિવિધ આર્ટ ગેલેરીઓની વારંવાર મુલાકાત લેતી અને તેમાં પ્રદર્શિત કરેલી કલાકારોની કલાકૃતિઓ વિશે માર્ગદર્શન અને પ્રેરણા મેળવતી. અચાનક એક દિવસ વિચાર્યું કે મારે પણ આવું એક કલા પ્રદર્શન કરવું છે. તેથી મેં પહેલા આર્ટ ગેલેરીમાં મારી કલા પ્રદર્શિત કરવા એડવાન્સમાં બુકિંગ કરાવી દીધું. ત્યારપછી મેં સંપૂર્ણ સમર્પણ સાથે મારું આર્ટ વર્ક કરવાનું શરૂ કર્યું.
ટિની પેઈન્ટિંગ્સમાં વોટર કલર, એક્રેલિક કલર, ઓઈલ પેઈન્ટિંગ્સ જેવા માધ્યમોનો ઉપયોગ કર્યો
વધુમાં જણાવતા કહ્યું કે હાલમાં મેં 26 જેટલા ટિની પેઈન્ટિંગ્સ રજૂ કર્યા છે. જેમાં વોટર કલર, એક્રેલિક કલર, ઓઈલ પેઈન્ટિંગ્સ વગેરે જેવા વિવિધ માધ્યમોનો ઉપયોગ કર્યો છે. વિવિધ માધ્યમમાં રજૂ કરેલી કલામાં પ્રકૃતિ, એબસ્ટ્રેક્ટ, લેન્ડસ્કેપ્સ, પક્ષીઓ, એબસ્ટ્રેક્ટ ફ્લાવર્સ, સુવર્ણ મંદિર અને વારાણસી લેન્ડસ્કેપ બનાવ્યા છે.
આ ટિની પેઈન્ટિંગના કિંમતની વાત કરીએ તો તેની કિંમત 2000 રૂપિયાથી લઈને 14,000 રૂપિયા સુધીની છે. સાથે તમે તમારા નાના ઘરમાં, બેડરૂમમાં, લિવિંગ રૂમમાં નાની જગ્યામાં પણ લગાવી શકો તેટલી સાઈઝમાં પણ જોવા મળે છે. હું મારા પરિવાર, મિત્રો અને માર્ગદર્શકોનો પ્રેમ અને સમર્થન માટે ખૂબ આભાર માનું છું.
શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ p22.parth@gmail.comપર સંપર્ક કરો.