અમદાવાદ: ધોરણ 10 અને 12ની ગુજરાત બોર્ડની પરીક્ષા આગામી 14 માર્ચથી શરુ થવાની છે. આમ તો પરીક્ષામાં ગેરરીતી કે ચોરી પકડી પાડવા અલગ અલગ લેયરમાં પ્લાનિંગ કરવામાં આવ્યું છે. સાથે જ જે પરીક્ષા ખંડમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યાં છે તે પરીક્ષા ખંડના સીસીટીવી કેમેરાની પણ પરિક્ષાર્થીઓ પર નજર રહેશે. આ પરીક્ષા કેન્દ્રોના સીસીટીવી જોવા માટે અલગથી સેન્ટર તૈયાર કરાયા છે.
જાણો કેવું છે આ સેન્ટરો પર સીસીટીવી તપાસવાનું આયોજન
ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં આ વર્ષે રાજ્યભરમાંથી 16 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં કુલ મળીને અંદાજે 2 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. અમદાવાદમાં અંદાજે 300 બિલ્ડિગમાં બોર્ડની પરીક્ષા યોજવાની છે. દરેક બિલ્ડિંગના પરીક્ષા ખંડમાં સીસીટીવી લગાવવામાં આવ્યા છે. એટલે પરીક્ષાને લઈને અલગ અલગ લેયરમાં વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે, તેમ છતાં પરીક્ષામાં વિદ્યાર્થીઓ ચોરી કરતા કે કાપલી કરતા પકડી પાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના અધિકારીઓના જણાવ્યા અનુસાર, જે બોર્ડની પરીક્ષાને લઈ જે તે પરીક્ષા સ્થળ આસપાસ પોલીસ કમિશનરના જાહેરનામા અનુસાર 144ની કલમ તો લાગુ કરવામાં આવતી જ હોય છે. સાથે જ ચોરી કે ગેરરીતીને અટકાવવા પરીક્ષા સ્થળની આસપાસની ઝેરોક્ષની દુકાનો પણ બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જે બિલ્ડિંગમાં પરીક્ષા યોજાઈ રહી છે તે બિલ્ડિંગમાં પણ જો ઝેરોક્ષ મશીન અલગથી હોય તો તેને પણ એક રુમમાં બંધ કરી તે રુમ સીલ કરવાનું જણાવાયું છે.
આ ઉપરાંત પરીક્ષા યોજાઈ રહી છે તે બિલ્ડિંગમાં પરીક્ષાના બ્લોક સિવાય વધારાના રુમો કે જેનો કોઈ ઉપયોગ નથી થવાનો તે રુમ પણ સીલ કરી દેવાની સુચના સ્થળ સંચાલકોને આપવામાં આવી છે. આટ આટલી વ્યવસ્થા છતાં પણ જો વિદ્યાર્થી પરીક્ષામાં ચોરી કરે કે કાપલી કે ગેરરીતી કરે તો તે દ્રશ્યો પણ પરીક્ષા ખંડની અંદર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જશે. આ પરીક્ષા શરુ થયાના એકાદ બે દિવસ બાદ આ પરીક્ષા કેન્દ્રો પરથી આવતા સીસીટીવી તપાસવા માટે બેથી ત્રણ અલગ અલગ સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે.