અમદાવાદ: શહેરના અમરાઇવાડી વિસ્તારમાં આવેલા શિવાનંદનગરમાં સમોસાની લારી આવતા પડોશીઓ વચ્ચે માથાકુટ થઇ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મહિલા સમોસા ખરીદતી હતી ત્યારે પડોશમાં રહેતા પતિ પત્ની આવ્યા હતા અને મનફાવે તેમ બોલવા લાગ્યા હતા. જોતજોતામાં મામલો એટલો ઉગ્ર બન્યો કે પતિ પત્ની સહિત ત્રણ જણાએ મહિલાની વૃદ્ધ સાસુ પર હુમલો કરીને ફ્રેક્ચર કરી દીધુ હતું.
આટલી સામાન્ય બાબતે થઇ બબાલ
અમરાઇવાડી વિસ્તારમાં આવેલા શિવાનંદનગરમાં રહેતા 69 વર્ષીય કમલાબેન કલાલ નામની મહિલાએ અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા કનૈયાલાલ ચૌબે, દિનીતાબેન ચૌબે અને બિંદીયાબેન વિરૂદ્ધ મારમારીની ફરિયાદ કરી છે. ગઇકાલે કમલાબેન પોતાના ઘરે હાજર હતા ત્યારે સમોસા વેચવાવાળો આવ્યો હતો અને સમોસા-સમોસા તેવી બુમો પાડવા લાગ્યો હતો. કમલાબેનની પુત્રવધુ ગીતાબેન સમોસા લેવા માટે ગઇ હતી. ગીતાબેન સમોસા લઇ રહી હતી ત્યારે પડોશમાં રહેતા કનૈયાલાલ તથા તેમની પત્ની દિનીતાબેન ચૌબે સમોસાની લારી પાસે આવ્યા હતા અને કહેવા લાગ્યા હતા કે, સમોસાવાળાને તારા ઘરમાં બોલાવીને સમોસાની બૂમો પડાવ. કનૈયાલાલ ગાળો બોલતા હતા ત્યારે ગીતાબેનનો પતિ તેમજ કમલાબેન બહાર આવ્યા હતા અને શાંતિથી વાત કરવાનું કહ્યુ હતું.
આ દરમિયાનમાં કનૈયાલાલની સાળી બીંદીયા પણ બહાર આવીને મનફાવે તેમ બોલવા લાગી હતી. કનૈયાલાલ અને તેની પત્ની તેમજ સાળીએ કમલાબેનને મારમારીને ધક્કો મારી દેતા મામલો ઉગ્ર બન્યો હતો. ઇજાગ્રસ્ત કમલાબેનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તેમના હાથ પર ફ્રેક્ચર આવ્યું હતું. અમરાઇવાડી પોલીસ કનૈયાલાલ, દિનીતાબેન અને બિંદીયાબેન વિરૂદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
મહત્વનું છે કે, છેલ્લા થોડા સમયમાં અમદાવાદમાં સામાન્ય બાબતે મારામારી, ફાયરિંગ સહિત અનેક ઘટનાઓ સામે આવી રહી છે. જે ખરેખર ચિંતાજનક વાત છે. સોમવારે પણ સામાન્ય બાબતે કાલુપુરમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે.