Home /News /ahmedabad /અમદાવાદની બે કોલેજો થશે બંધ! જાણો કેમ સરકારી શૈક્ષણિક સંસ્થાઓનો મૃત્યુઘંટ વાગી રહ્યો છે
અમદાવાદની બે કોલેજો થશે બંધ! જાણો કેમ સરકારી શૈક્ષણિક સંસ્થાઓનો મૃત્યુઘંટ વાગી રહ્યો છે
રાજ્યની ગ્રાન્ટેડ કોલેજો બંધ થતા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને સૌથી વધુ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
શિક્ષણ વિભાગની નિતીને કારણે શૈક્ષણીક સંસ્થાઓમાં મૃત્યુઘંટ વાગી રહ્યો છે ત્યારે આ સંસ્થાઓને બચાવવા માટે ગુજરાત યુનિવર્સીટી અને સરકારે પ્રયાસ કરવો જોઇએ. જેથી આગામી સમયમાં ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ નજીવી ફીમાં અભ્યાસ કરીને જીવનઘડતર કરી શકે.
અમદાવાદ: અત્યાર સુધી ગ્રાન્ટેડ શાળાઓ તો બંધ થવાના સમાચાર સામે આવતા હતા પણ હવે સરકારી કોલેજો (Govt College) પણ સરકારી નીતિઓ સામે હારી ગઈ છે. ગ્રાન્ટેડ કોલેજો પણ હવે સરકારની નીતિથી કંટાળીને બંધ કરવા અરજી કરી રહી છે. અમદાવાદ (Ahmedabad)ની બે કોલેજો સરકારની ગ્રાન્ટ અને સ્ટાફના અભાવે બંધ કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તો અન્ય ગ્રાન્ટેડ કોલેજો પણ આગામી સમયમાં પોતાની કોલેજ બંધ કરવા માટે અરજી કરી શકે છે.
એક સમય એવો હતો કે જ્યારે ગ્રાન્ટેડ કોલેજોમાં એડમિશન લેવા માટે વિદ્યાર્થીઓ લાઈન લગાવતા હતા પરંતુ આજે પરિસ્થિતિ એવી છે કે ગ્રાન્ટેડ કોલેજના સંચાલકો પોતાની કોલેજ બંધ કરવા ઇચ્છે છે. ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ગ્રાન્ટેડ કોલેજોને નજીવી ગ્રાન્ટ અપાતી હોવાથી કોલેજના સંચાલકો ઘણા સમયથી આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યો છે. શહેરમાં 50થી વધુ વર્ષ જૂની બે કોલેજ બંધ કરવા મેનેજમેન્ટે સામેથી અરજી કરી છે. જેમાં પાલડી વિસ્તારની પ્રભુદાસ ઠક્કર કોમર્સ કોલેજ અને સાબરમતીમાં આવેલી સાબરમતી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ આગામી સમયમાં બંધ થઇ જાય તો નવાઇ નહી.
આ બંને કોલેજોમાં આશરે 1300 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. કોલેજના ટ્રસ્ટીઓએ જણાવ્યુ કે, સરકાર દ્વારા સ્ટાફની એનઓસી આપવામા આવતી નથી. ઉપરાંત ગ્રાન્ટ પણ નજીવી મળી રહી છે. અને તેને કારણે કોલેજ બંધ કરવા માટે અરજી કરવામા આવી છે. આ ઉપરાંત પાંજરાપોળ વિસ્તારમાં આવેલી સહજાનંદ કોલેજ, આશ્રમ રોડ સ્થિત એચ.કે. કોલેજના સંચાલકો પણ પોતાની કોલેજ બંધ કરવા ઇચ્છે છે. કોલેજના ટ્ર્સ્ટીઓનુ કહેવુ છે કે, શિક્ષણ વિભાગ દ્વારા ખર્ચ પેટે ફક્ત 30 થી 40 હજાર રૂપિયા જેટલી ગ્રાન્ટ આપવામા આવે છે. જેની સામે કોલેજ ચલાવવા માટે વાર્ષીક 60 લાખથી એક કરોડ રૂપિયાની જરૂર પડે છે.
રાજ્યની ગ્રાન્ટેડ કોલેજો બંધ થતા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને સૌથી વધુ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ગ્રાન્ટેડ કોલેજોમાં જ્યા વિદ્યાર્થી 1500 રૂપિયા સુધીમાં અભ્યાસ કરી શકે છે જો આ કોલેજો બંધ થશે વિદ્યાર્થીઓએ વાર્ષીક 15 થી 20 હજાર રૂપિયા ફી ભરીને સેલ્ફ ફાઇનાન્સમાં અભ્યાસ કરવો પડશે.. જેને લઇને હવે વિદ્યાર્થી સંગઠન પણ મેદાને છે. અને આગામી સમયમાં સરકાર સામે પણ સંગઠનો લડી લેવાના મુડમાં છે.
હાલ તો શિક્ષણ વિભાગની નિતીને કારણે શૈક્ષણીક સંસ્થાઓમાં મૃત્યુઘંટ વાગી રહ્યો છે ત્યારે આ સંસ્થાઓને બચાવવા માટે ગુજરાત યુનિવર્સીટી અને સરકારે પ્રયાસ કરવો જોઇએ. જેથી આગામી સમયમાં ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ નજીવી ફીમાં અભ્યાસ કરીને જીવનઘડતર કરી શકે.