Home /News /ahmedabad /અમદાવાદમાં ફરી એક વાર પોલીસનું નહીં પણ દાદાઓનું રાજ વધ્યુ, ખંજર બતાવી કુખ્યાત હાપુએ લૂંટ કરી
અમદાવાદમાં ફરી એક વાર પોલીસનું નહીં પણ દાદાઓનું રાજ વધ્યુ, ખંજર બતાવી કુખ્યાત હાપુએ લૂંટ કરી
મેઘાણીનગરમાં આરોપીઓએ ખંજર બતાવી લૂંટ કરી.
Ahmedabad Crime News: એક કારખાનામાં કુખ્યાત હાપુ અને રવિ ઉર્ફે લલ્લો નામના શખ્સોએ ખંજર બતાવી લોકોને ડરાવી ધમકાવી લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. આરોપીઓ ખુદ પોતે આ વિસ્તારના દાદા હોવાનું કહી આતંક મચાવતા હતા.
અમદાવાદઃ શહેરનો મેઘાણીનગર વિસ્તાર ઘણા સમયથી અસામાજીક તત્વો અને લુખ્ખા લોકોના હવાલે હોય તેવી એક બાદ એક ઘટના બનતી રહે છે. અહીં ક્યારેક ક્યારેક કડક અધિકારીઓ આવતા ગુનેગારો ભુગર્ભમાં ઉતરી જતા હોય છે. પણ અધિકારીઓ બદલાતા નવા અધિકારીની પકડ ન રહેતા ફરી એક વાર કુખ્યાત માથાભારે ગુનેગારોએ માથુ ઉચક્યુ હોય તેવી ઘટના સામે આવી છે.
એક કારખાનામાં કુખ્યાત હાપુ અને રવિ ઉર્ફે લલ્લો નામના શખ્સોએ ખંજર બતાવી લોકોને ડરાવી ધમકાવી લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. આરોપીઓ ખુદ પોતે આ વિસ્તારના દાદા હોવાનું કહી આતંક મચાવતા હતા. જો કે શહેરકોટડામાં કાઉન્સીલરના પતિની ઓફિસે આ જ આરોપીએ તોડફોડ કરી હપ્તો માંગી આતંક મચાવતા પોલીસે આરોપીની શાન ઠેકાણે લાવી ધરપકડ કરી હતી. ત્યારબાદ મેઘાણીગર પોલીસે જુના કેસમાં હવે મોડી ફરિયાદ નોંધી આરોપીઓને છાવર્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
શહેરના મેઘાણીનગર વિસ્તારમાં રહેતા જશવંતસિંહ ઝાલા ચીકી બનાવવાના કારખાનામાં ચીકી બનાવવાનો તથા વહીવટી કામકાજ સંભાળવાની નોકરી કરે છે. ગત 2જી ડિસેમ્બરના રોજ તેઓ તેમના સાથી કર્મચારીઓ સાથે નોકરી ઉપર હાજર હતા. ત્યારે બપોરના સમયે ભાર્ગવ એરિયાના કહેવાતા દાદા રવિ ઉર્ફે લલ્લો ભદોરીયા તથા મોતી સિંહ ઉર્ફે હાપુ કુશવાહ તથા અન્ય એક શખ્સ ભેગા મળી કારખાનામાં ગેરકાયદે ઘૂસી આવ્યા હતા. બાદમાં આ શખ્સોએ ત્યાં હાજર સ્ટાફના લોકોને બહાર જતા રહેવાનું કહી ખંજર જાહેરમાં બતાવી "તુમ્હારે પાસ જો પેસા હે વો નિકાલો" તેમ કહી ધમકાવ્યા હતા. બાદમાં જશવંતસિંહ એ અમારી પાસે કંઈ પણ નથી શેઠ આવે ત્યારે આવજો તેમ કહેતા આ ત્રણેય શખ્સો ગુસ્સે થઈ ગયા હતા અને બાદમાં ગાળો બોલી ફેટ પકડી પેસે નિકાલો નહિતર અતડિયા નિકાલ દુંગા તેવું કહી ધમકાવવા લાગ્યા હતા. બાદમાં હાપુ નામના શખશે જશવંતસિંહ ના શેઠના ડ્રોવર માંથી રૂ. 5000 લૂંટી લીધા હતા.
બાદમાં આરોપીઓએ ખંજર બતાવી કહ્યું હતું કે,'બોલ દેના તુમ્હારે શેઠ કો કે ભાઈ આયે થે ઓર પૈસે લે ગયે હૈ ઓર પુલીસ કો બતાયા તો તુમ સબકો જાન સે માર ડાલેંગે' તેમ કહી આ શખશો ફરાર થઈ ગયા હતા. ગત 2જી તારીખે બનેલા આ બનાવ બાદ મેઘાણીનગર પોલીસ મૂકપ્રેક્ષક બની ગુનેગારોને છાવરતી રહી હતી અથવા તો ગુનેગારોથી ડરી ગઇ હોય તેમ ફરિયાદ નોંધી નહોતી. પણ શહેરકોટડામાં આરોપીઓએ હપ્તો માંગી ખુલ્લેઆમ આતંક મચાવ્યા બાદ હવે મેઘાણીનગર પોલીસે આ આરોપીઓ કે જે જેલમાં છે તેઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.