Home /News /ahmedabad /અમદાવાદ: લૂંટેરી દુલ્હન લગ્ન કરી કાંકરિયા ફરવા ગઇ, પતિ બાઇક લેવા ગયો ને થઇ ગઇ રફૂચક્કર

અમદાવાદ: લૂંટેરી દુલ્હન લગ્ન કરી કાંકરિયા ફરવા ગઇ, પતિ બાઇક લેવા ગયો ને થઇ ગઇ રફૂચક્કર

લગ્ન થયા તે જ દિવસે પત્નીએ ફરવા જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી

અમદાવાદમાં વધુ એક લૂંટેરી દુલ્હનનો કિસ્સો પ્રકાશમાં આવ્યો. લગ્ન થયા તે જ દિવસે પત્નીએ ફરવા જવાની ઇચ્છા વ્યક્ત કરી અને યુવક તેને કાંકરિયા ફરવા લઇ ગયો પછી થયું આવું...

અમદાવાદઃ શહેરમાં વધુ એક લૂંટેરી દુલ્હનનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક યુવકના જે દિવસે લગ્ન થયા તે જ દિવસે પત્નીએ ફરવા જવાની ઇચ્છા વ્યક્ત કરી અને યુવક તેને કાંકરિયા ફરવા લઇ ગયો હતો. ફરીને આવ્યા બાદ યુવક બાઇક લેવા ગયો ત્યાં તે ત્યાંથી રફૂચક્કર થઇ ગઇ હતી. યુવકના લગ્ન થયાને ત્યાં કલાકોમાં જ યુવતીના કાકા અને મામા બનીને આવેલા શખ્સો 1.60 લાખ રૂપિયા પણ લઇ ગયા હતા. જેથી હવે આ મામલે યુવતીને મળાવનાર, યુવતી અને તેના કાકા તથા મામા બનીને આવેલા ચાર લોકો સામે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

યુવતીના કાકા અને મામાએ 1.60 લાખની માંગણી કરી હતી

મૂળ વિરમગામના અને હાલ શહેરના નારોલ વિસ્તારમાં રહેતો 29 વર્ષીય યુવક એક કંપનીમાં નોકરી કરે છે. તેના પ્રથમ લગ્ન થયા બાદ પાંચેક વર્ષ પહેલા મનમેળ ન રહેતા છૂટાછેડા લીધા હતા. તેને બીજા લગ્ન કરવાના હોવાથી તેણે તેના ઓળખીતાને કોઇ છોકરી હોય તો બતાવવા કહ્યું હતું. જેથી તેમણે તેમના ઓળખીતા મહેસાણાના એક મહિલા સાથે ફોન પર વાત કરાવી હતી. બાદમાં કડી ખાતે એક યુવતીને જોવા બોલાવતા યુવક તેના પિતા સાથે કડી ગયો હતો. ત્યાં આ મહિલા મળી હતી, જેણે એક મરાઠી યુવતી સાથે મુલાકાત કરાવી હતી. ત્યાં યુવતીના કાકા અને મામા પણ સાથે હતા. બાદમાં યુવક અને યુવતી એકબીજાને પસંદ કરતા યુવકના પિતાએ લગ્નની વાત કરતા યુવતીના કાકા અને મામા સહમત થયા હતા. તે બંનેએ લગ્નના ખર્ચ તથા દાગીના આપવા બાબતે વાત કરી 1.60 લાખની માંગણી કરતા યુવક અને તેના પિતા સહમત થયા હતા. બાદમાં નરોડા ખાતે આ યુવક અને યુવતીના લગ્નની વિધી યોજાઇ હતી.

આ પણ વાંચો: 8 મહિનાના બાળકને થયો કોરોના, સિવિલમાં ઓક્સિઝન પર

યુવક બાઇક લેવા ગયો અને પત્ની થઇ ગઇ રફૂચક્કર

લગ્ન બાદ તે મહિલા, યુવતીના કાકા અને મામા યુવકના ઘરે આવ્યા હતા અને અગાઉ નક્કી થયા મુજબ 1.60 લાખ રોકડા યુવતીના મામાએ લીધા હતા. ત્યાર બાદ યુવતીએ આ યુવક સમક્ષ ફરવા જવાની ઇચ્છા વ્યક્ત કરતા તેને બાઇક પર કાંકરિયા લઇ ગયો હતો. ત્યાં યુવતી તેના આ પતિ સાથે ફરી હતી. બાદમાં ગેટ નંબર 1 પર તેને ઉભી રાખી યુવક બાઇક લેવા ગયો હતો. બાઇક લઇને આવ્યા બાદ જોયુ તો ત્યાં તેની પત્ની હાજર નહોતી. જેથી તપાસ કરી અને યુવકે પત્નીના કાકા અને મામાને ફોન કરતા તેમનો ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો. જે મહિલાએ આ યુવતી બતાવી હતી તે પણ બહાના બતાવવા લાગી હતી. જેથી 1.60 લાખ લઇ આ તમામ લોકો ફરાર થઇ ગયા હોવાનું જણાતા યુવકે આ મામલે યુવતીને મળાવનાર જ્યોત્સનાબહેન, યુવતી રાજનંદિની ઢાલો અને કાકા તથા મામા એવા નાજુકરાવ રાઠોડ, કિશોર ઢાલે સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarat News