અમદાવાદ: બદલાતા જમાનાની સાથે અને સમાજ (Rabari Community)માં ગરીબ અને મધ્યમ વર્ગને ન પોસાતા ખોટા ખર્ચ અને કુરિવાજો દૂર કરવા હવે એક પછી એક સમાજ આગળ આવી રહ્યા છે અને તેમાં હવે રબારી સમાજ (Rabari Samaj) પણ સમાજના ઉત્કર્ષ માટે આગળ આવ્યો છે. અમદાવાદ (Ahmedabad) માં રબારી સમાજની સામાજિક રીત રિવાજ સુધારણા પરિષદ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં સમાજના યુવાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આજે રબારી સમાજની સામાજિક રીત રિવાજ સુધારણા પરિષદ અમદાવાદમાં મળી હતી. આ બેઠકની અંદર સમાજમાં વર્ષોથી ચાલ્યા આવતા અનેક પ્રકારના રિવાજો બદલવાનું નક્કી કરાયું છે અને આગામી દિવસોમાં હવે નવા નીતિ નિયમ અને રિવાજો પ્રમાણે દરેક પ્રસંગ રબારી સમાજમાં કરવામાં આવશે આર્થિક ભારણ ઘટાડવા માટે સમયની બચત કરવા માટે અને રબારી સમાજના ઉત્થાન માટે કુરિવાજો અને જૂની પરંપરામાં સુધારા આજની બેઠકમાં કરવામાં આવ્યા છે.
આજે કરાયેલા સુધારાઓ પૈકી મુખ્ય સુધારાની વાત કરીએ તો નાના પ્રસંગો ઘર મેળે જ કરવાનો સુધારો કરવામાં આવ્યો છે, લગ્ન પ્રસંગ કે શ્રીમંત પ્રસંગની અંદર જે સોનાના દાગીના આપવામાં આવે છે તેમાં સોનાનું પ્રમાણ ભૂતકાળમાં વધારે હતું. તે ઘટાડી અને હવે દસ તોલા સોનું આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે તે પ્રસંગમાં અપાતી પહેરામણી પણ બંધ કરવાનું આજની રબારી સમાજની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે.
સગાઇનો રૂપિયો અને ગોળ ખાવાની વિધિ ઘરે જ રાખવી. હોટલમાં રાખવી નહી. સગાઇ વિધિમાં પાંચ માણસોની મર્યાદામાં જવુ. સગાઇમાં સાદો રૂપિયો આપવો. સગાઇમાં દાગીનો લાવવો નહીં. બે જોડ કપડાં સિવાય કોઇ પણ વસ્તુ લાવવી નહી . ઘરધણીએ વેવાઇને રૂા .2100 / - પહેરામણી કરવી. સાથે હોય તેને રૂા .500 / - પહેરામણી આપવી. સગાભાઇએ વેવાઇને જ રૂ।.500 / - આપવા. અન્ય કુટુંબીજનોએ પહેરામણી કરવી નહી. સગાઇમાં મોબાઇલની આપ - લે બંધ.
સોનું :
પલ્લામાં 10 તોલાની મર્યાદામાં સોનાના દાગીના આપવા. સગાઇ વખતે સોનાનો દાગીનો આપવો નહીં .
લગ્ન : સમય અને ખોટા ખર્ચના બચાવ માટે ડી.જે.રાસગરબા કલાકાર લાવવા નહીં. કંકોત્રી સાથે કવર, કપડા આપવા નહીં. કંકોત્રી આપતી વખતે પહેરામણી આપવી કે લેવી નહીં. પડો ખરીદવા કુટુંબના પાંચ જણાએ જવું. રીંગસેરેમની કે પ્રિવેડીંગ ફોટોશૂટ જેવા તાજેતરમાં આવી પડેલા કુરિવાજો બંધ કરવા. દરેક પ્રસંગમાં પેકિંગ સિસ્ટમ બંધ કરવા.
પુનઃલગ્ન ( આણુ ) માં 10 તોલાની મર્યાદામાં દાગીનો લઇ જવો. આણામાં ભાઇઓએ મર્યાદીત સંખ્યામાં જવુ અને સંયુકત પહેરામણી રૂા .5100 / જ લેવી. લગ્ન પ્રસંગે મહેંદી રસમ જેવા નવા રિવાજો બંધ રાખવામાં આવે છે.
ચાંલ્લો : - લગ્ન પહેલા બોલાવવામાં આવતી ચાંલ્લા પ્રથા સદંતર બંધ રાખવામાં આવે છે.
શ્રીમંત : શ્રીમંત ઘરમેળે જ સાદાઇથી કરવું. શ્રીમંતમાં દાગીનો આપવો નહીં રાવણું, શ્રીમંત પછી ખર - ખબર લેવા જઇએ કે પાછળથી રમાડવા જાય તો 11 માણસોની મર્યાદામાં જવુ. કોઇ દાગીનો લઇ જવો નહીં માત્ર પાંચ જોડ કપડાં લઇ જવા . સંયુક્ત પહેરામપણી રૂા .5100 / - કરવી. આ સિવાય બીજા કોઇ પ્રસંગોમાં રાવણા રૂપે જવુ નહી.
દવાખાના બાબત : દવાખાને ખબર લેવા જઇએ ત્યાં દર્દીના પરિવાર તરફથી જમવા બેસવુ નહીં. દર્દીને રજા મળ્યા પછી ઘરે બોલાવવા જઇએ ત્યારે તેના ઘરેથી કે કુટુંબીજનો પેરામણી લેવી કે આપવી નહી .
રમેલ : રમેલ જુની પરંપરા મુજબ સાદાઇથી કરવી. રમેલમાં ડીજે અને કલાકારનો ઉપયોગ કરવો નહીં.
બેસણું : બેસણું કોઇ પણ વાર કે દીવસ અને કોઇ પણ સમયે ( સવાર , બપોર કે સાંજે ) રાખી શકાશે. બેસણું સોશિયલ મડીયામાં આપીએ છીએ તે યોગ્ય છે . તેથી કોઇ પણ દૈનિક પેપરમાં બેસણુ કે શ્રધ્ધાંજલી આપવી નહીં. કુદરતી નિધન વખતે સમય મર્યાદામાં વિધિ કરી દેવી રાહ જોવી નહીં.
જન્મ દિવસ : બર્થ ડે ની ઉજવણી ઘરમેળે ઘરે જ કરવી હોટલમાં કરવી નહીં. બાળકના જન્મ વખતે બે જોડ કપડાં લઇ જવા દાગીનો લઇ જવો નહીં. કોઇ પણ સામાજિક કે ધાર્મિક પ્રસંગોમાં જમીન પર ફૂલો પાથરવા કે વેરવા નહીં. ફુલ જેવી પવિત્ર વસ્તુનું અપમાન કરી પાપમાં પડવુ નહી. કોઇ પણ સંજોગોમાં આડા દિવસે પહેરામણી લેવી નહીં. કોઇપણ સામાજિક પ્રસંગમાં ઘરધણી સિવાય કુટુંબીજનો કે સંબંધીઓએ પહેરામણી કરવી નહીં. માંમેરામાં વળતી શીખની પહેરામણી પુરૂષો અને મહીલાઓમાં રૂા .1100 / સંયુકત પણે કરવી અલગ કરવી નહીં .
મહત્વનુ છે કે આ બેઠકમાં જે સુધારણા કરવામાં આવ્યા છે તેનો અમલ આગામી રક્ષાબંધનના તહેવારથી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.