અમદાવાદ નજીક કલ્યાણાપુર ગમમાં ભગવાન શિવનું પ્રાચિન મંદિર આવેલું છે. અહીં બે શિવલીંગ છે. એક 150 વર્ષ જુની અને બીજી 100 વર્ષ જૂની શિવલીંગ છે. કલ્યાણેશ્વર મહાદેવનાં દર્શનાર્થે ભાવિકો ઉમટી પડે છે.
Parth Patel, Ahmedabad: ભગવાન ભોળાનાથના યોગ અને તપથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેવા દેવોના દેવ મહાદેવનું પ્રસિદ્ધ મંદિર અમદાવાદથી થોડે દૂર કલ્યાણપુરા ગામમાં આવેલું છે. અહીં શ્રદ્ધા અને વિશ્વાસ સાથે મહાદેવના દર્શન કરવા લોકો દૂર દૂરથી આવે છે.
લાલજીભાઈ પુંજાભાઈના વિધવા બાઈ જલુએ ભગવાન શંકરની પધરામણી કરી
ખાસ વાત તો એ છે કે આ કલ્યાણેશ્વર મહાદેવ મંદિરના 100 વર્ષ પૂરા થઈ રહ્યા છે. ત્યારે આ પ્રસંગે ગ્રામજનો દ્વારા ઉત્સાહ અને લાગણીથી કલ્યાણેશ્વર મહાદેવ શતાબ્દી મહોત્સવ ઉજવવાનું નક્કી કર્યું છે. આ વર્ષો જુના શિવાલયમાં રહેલા પવિત્ર શિવલિંગના દર્શન કરતા જ ભક્તો મંત્રમુગ્ધ બની જાય છે.
આ મંદિરના ઈતિહાસની વાત કરીએ તો સંવત 1979ને મહા સુદ પાંચમને સોમવારના રોજ લાલજીભાઈ પુંજાભાઈના વિધવા બાઈ જલુએ ભગવાન શંકરની પધરામણી કરવામાં આવી હતી. લોકમત અનુસાર એમ પણ કહેવાય છે કે, જ્યારે 150 વર્ષ પહેલા વડોદરાની ગાયકવાડ સરકારની સહાયથી કલ્યાણપુરા ગામ વસાવવામાં આવ્યું ત્યારે જ કલ્યાણેશ્વર મહાદેવના મંદિરની સ્થાપના કરવામાં આવી હતી.
એક જ સ્થાન પર બે શિવલિંગની સ્થાપના
કલ્યાણેશ્વર મહાદેવનુ ભવ્ય શિવાલય અમદાવાદથી થોડે દૂર કલ્યાણપુરા ગામમાં સ્થિત છે. નવાઈની વાત તો એ છે કે, આ મંદિરમાં એક જ સ્થાન પર બે શિવલિંગની સ્થાપના કરવામાં આવેલી છે. જેમાં 150 વર્ષથી પણ વધારે જુનું એટલે કે સૌથી પ્રાચીન શિવલિંગ મંદિરના નીચેના ભાગમાં આવેલું છે.
તથા ઉપરના ભાગે સ્થાપિત કરવામાં આવેલા નવા શિવલિંગને આજે 100 વર્ષ પૂર્ણ થયા છે. ગામના લોકોએ જણાવ્યું કે, આ ચમત્કારિક શિવલિંગ દ્વારા ગામના લોકોને ચમત્કારિક દર્શન અવાર-નવાર મળતા રહે છે. આ શિવલિંગની સ્થાનિકો દ્વારા અહીં દરરોજ પૂજા-આરતી કરવામાં આવે છે.
જ્યોતિર્લિંગના દર્શન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે
આ સાથે મંદિરમાં બીજા અન્ય દેવી-દેવતાના સ્થાન પણ આવેલા છે. આ ભવ્ય શિવમંદિરના ગર્ભગૃહમાં જ્યોતિર્લિંગના દર્શન થાય તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. લોકમાન્યતા અનુસાર જ્યોતિર્લિંગના દર્શન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. ત્યારે શ્રદ્ધાળુઓ મહાદેવજીના શરણે આવી જળાભિષેક કરી અને શિવની આરાધના કરી ધન્યતા અનુભવતા હોય છે.
આ મંદિરમાં દેવી પાર્વતી માતાજી ગર્ભગૃહમાં સ્થિત મહાદેવજીના સ્વરૂપોથી ઘેરાયેલા છે. ગર્ભગૃહમાં પ્રવેશતા પહેલાં નંદી અને કાચબાની સ્થાપના કરવામાં આવેલી છે. પ્રવેશદ્વાર પાસે ભગવાન ગણપતિ અને વીર હનુમાનજીની સુંદર આંખને મોહી લેતી મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવેલી છે. તથા મંદિરની આજુ બાજુ બહારના ભાગે નાના ગોખમાં ભગવાન શિવના વિવિધ સ્વરૂપો જેવા કે ધર્મદેવ, કુબેર ભંડારી અને ઈન્દ્રદેવ સ્થાપિત છે.
અનેક સેવાકિય પ્રવૃત્તિઓ કરવામાં આવે
મંદિરની એક બાજુએ વર્ષો જુનું પીપળાનું વૃક્ષ આવેલું છે. જેની દરરોજ ભક્તો દ્વારા પૂજા પણ કરવામાં આવે છે. અહીં કલ્યાણેશ્વર મહાદેવ મંદિરમાં વાર-તહેવારે ઉત્સવો, નિદાન કેમ્પ તથા અનેક સેવાકિય પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે. આ સાથે મંદિરમાં માંગલિક પ્રસંગો, પુણ્યતિથિ પ્રસંગોમાં ભોજનશાળાનું આયોજન કરવામાં આવે છે. ધાર્મિક રીતે વિશેષ મહત્વ ધરાવતા આ મંદિરમાં મહાદેવના દર્શન કરવા દર સોમવારે અને અમાસે ભક્તોનું ઘોડાપુર ઉમટે છે.
મંદિર દર્શનનો સમય :
મંદિર સવારે 4.00 વાગ્યે ખુલે છે મંગળા આરતી સવારે 4.45 કલાકે બીજી આરતી સવારે 9.00 કલાકે સંધ્યા મહાઆરતી સાંજે 7.15 કલાકે