Home /News /ahmedabad /Amit Shah on Education: અમિત શાહે કહ્યુ - નવી શિક્ષણનીતિમાં મેડિકલ-ટેક્નિકલ અભ્યાસ ગુજરાતી ભાષામાં થઈ શકશે
Amit Shah on Education: અમિત શાહે કહ્યુ - નવી શિક્ષણનીતિમાં મેડિકલ-ટેક્નિકલ અભ્યાસ ગુજરાતી ભાષામાં થઈ શકશે
અમિત શાહ - ફાઇલ તસવીર
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવ્યા છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે એક કાર્યક્રમમાં નવી શિક્ષણનીતિ વિશે વાત કરી હતી.
ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવ્યા છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના એક ગામમાં ઉપસ્થિત રહ્યા હતા. આ ગામ સાથે અમિત શાહનો ખૂબ જૂનો સંબંધ રહેલો છે. અમિત શાહના ધર્મપત્ની સોનલબેન પીલવાઈ આ ગામના વતની છે અને અમિત શાહ પીલવાઈ ગામના જમાઈ છે. પીલવાઈ ગામની શેઠ જી.સી. હાઇસ્કૂલમાં અમિતભાઈના પિતા અનિલચંદ્ર ગોપાલદાસ અને તેમના ધર્મપત્ની સોનલ બેનના પિતા સુંદરલાલ મંગળદાસ ભણતા હતા. શેઠ જી.સી. હાઈસ્કૂલની સ્થાપના અંગ્રેજોના શાસનકાળ દરમિયાન થઈ હતી.
વર્ષ 1927માં ગામના ગિરધરલાલ અને ચુનીલાલ નામના બે વેપારીઓએ આ શૈક્ષણિક સંસ્થાની સ્થાપના કરી હતી. આજે આ શૈક્ષણિક સંસ્થાએ પોતાના 95 વર્ષ પૂરા કર્યા છે. ત્યારે તેમના આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ સહપરિવાર ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ એ જણાવ્યું હતું કે, ‘હું આ સ્કૂલના ટ્રસ્ટીઓનો ધન્યવાદ કરવા માગું છું કે જે સ્કૂલમાં મારા પિતાજી અને મારી પત્નીના પિતાજી ભણ્યા હતા. તે સ્કૂલ દ્વારા મને બોલાવ્યો તેને લઈને હું ધન્યતા અનુભવું છું. તમે ખરેખર તેમનું ઋણ ચૂકવવાનું મોકો મને આપ્યો છે. એક સંસ્થા 95 વર્ષ ચાલે તેનો અર્થ એ થાય કે જેમણે આ સંસ્થાનો નાંખ્યો છે તેમને ખૂબ પવિત્રતાથી અને ભાવનાથી કામ કર્યું છે. ચાલીસ વરસ વ્યક્તિનું પણ જીવવું બહુ મુશ્કેલ હોય છે સંસ્થાનું જીવવું તો તેના કરતાં પણ વધુ મુશ્કેલ હોય છે. કારણ કે મને સંસ્થાઓ ચલાવવાનો અનુભવ છે. સંસ્થા ચલાવવામાં ખાલી ભાવના કામ નથી આવતી સાતત્યપૂર્ણ પ્રયાસ, સાતત્યપૂર્ણ પરિશ્રમની તાકાત હોય તો જ સંસ્થાઓ ચાલતી હોય છે.’
વધુમાં તેઓ કહે છે કે, ‘વિશેષ કરીને શૈક્ષણિક સંસ્થાઓ જેમાં ચારે બાજુ અધઃપતન અને લૂણો લાગવા જેવા બનાવો સામે આવતા હોય તે વખતે ભરતી હોય કે એડમિશન હોય કોઈ ડખલ વગર 95 વર્ષથી આ સંસ્થા ચલાવે છે 35,000થી વધુ વિદ્યાર્થીઓએ આ સંસ્થામાંથી પોતાના જીવનની શરૂઆત કરી છે. આનાથી મોટું કોઈ પુણ્ય કાર્ય ન હોય. આજે અહીંયા મારા અને ભુપેન્દ્રના હાથે કોમ્પ્યુટરોનું ઉદ્ઘાટન થયું, સોલાર સિસ્ટમનું પણ ઉદઘાટન થયું અને આજે આ સંસ્થાના કાર્યક્રમમાં હું આવ્યો છું મારા માટે ખરેખર આનંદની વાત છે.’
આ ઉપરાંત તેઓ ઉમેરે છે કે, ‘આ સંસ્થા 95 વર્ષથી ચાલે છે એટલે હવે આ સંસ્થા એ બે શિક્ષણ નીતિઓની સાક્ષી બનવા જઈ રહી છે. એક શિક્ષણ નીતિ અંગ્રેજોએ બનાવેલી શિક્ષણનીતિમાં શિક્ષણની એક એવી પદ્ધતિ બનાવી જેમાં એ તેમની બુદ્ધિ ક્ષમતાનો પરિચય આપો પરંતુ પોતાના અભ્યાસક્રમને ગોખીને પરીક્ષા આપે તે તેની બુદ્ધિક્ષમતા હતી. તેમાં વિચારવાની ક્ષમતા પોતાના કળાની ક્ષમતા તેમાં તર્ક વિશ્લેષણ નિર્ણય શક્તિ ન્યાયને સમજવાની શક્તિ, દૂર સુધી સમજવાનું અવકાશ ન હતો. તેના કારણે અનેક પ્રકારના પ્રશ્નો આજે આપણા સમાજમાં ઊભા થતા જોઈએ છીએ.’
તેમણે કહ્યુ હતુ કે, ‘2014માં દેશમાં એક પરિવર્તન આવ્યું. સમગ્ર દેશે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વિશ્વાસ મૂક્યો અને ગુજરાતના જ પનોતા પુત્ર નરેન્દ્રભાઈએ દેશના વડાપ્રધાન બનીને દેશની દૂરંદેશીતાનો પાયો નાખ્યો. નરેન્દ્રભાઈના આવ્યા બાદ નવી શિક્ષણ નીતિનો પાયો નાખવામાં આવ્યો. છ વર્ષ સુધી તેનો અભ્યાસ કરવામાં આવ્યો. શિક્ષણ પદ્ધતિનો મેં ઊંડાણથી અભ્યાસ કર્યો છે. તે બનતી હતી ત્યારે હું હિસ્સો હતો. વિશ્વાસ સાથે કહું છું કે નવી શિક્ષણ નીતિ લાગુ થઈ અને 25 વર્ષ પછી ભારતને દુનિયામાં કોઈ નંબર વન બનવાથી રોકી નહીં શકે. નવી શિક્ષણ પદ્ધતિમાં પરિવર્તનો કરવામાં આવ્યા. ધીરે ધીરે બધું જ શિક્ષણ બાળકની માતૃભાષામાં ભણાવવાનું આપણે નક્કી કર્યું છે. જ્યારે બાળક માતાની ભાષામાં અભ્યાસ કરે, માતાની ભાષા બોલે, માતાની ભાષા વિચારે ત્યારે તેની વિચારવાની ક્ષમતા પણ વધે તેવી તર્ક શક્તિ પણ વધે વિશ્લેષણ કરવાનો તેનો ગુણ પણ વિકસિત થાય છે.’
અમિત શાહે ઉમેર્યુ હતુ કે, ‘આ બધી જ વસ્તુઓ માટે ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સરકારે શિક્ષણ સમિતિમાં એક મૂળભૂત સુધારો કર્યો છે. પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ માતૃભાષામાં જ આપવો તેવો સુધારો કર્યો છે અને વિશ્વાસ છે કે આવનારા પાંચ-સાત વર્ષમાં દેશમાં દરેક બાળક પોતાની માતૃભાષામાં શિક્ષણ મેળવતો થઈ જશે અને તેની માતા તેને પોતાની ભાષામાં ભણાવી શકશે. તેની સાથે ટેક્નિકલ શિક્ષણ, મેડિકલ શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણમાં પણ બધા જ અભ્યાસક્રમો ભારતની બધી મુખ્ય ભાષાઓમાં ભાષાંતર ચાલુ છે. હમણાં જ ભોપાલમાં મેડિકલના અભ્યાસક્રમના પ્રથમ વર્ષના પ્રથમ સેમેસ્ટરના બધા જ પુસ્તકોના હિન્દી અનુવાદ થયા પછી ભોપાલમાં હિન્દીમાં મેડિકલ ભણવાની શરૂઆત થઈ હતી. ગુજરાતી, તેલુગુ, ઉડિયા, પંજાબી, બંગાળી આ બધી ભાષાઓમાં ઉચ્ચ શિક્ષણ અને મેડિકલ શિક્ષણના કોર્સની શરૂઆત થશે અને ત્યાંથી જ ભારતનું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માં મોટું યોગદાન શરૂ થવાનું છે.
તેઓ કહે છે કે, ‘વ્યક્તિ પોતે મૌલિક ચિંતન ત્યારે જ કરી શકે જ્યારે ચિંતન કરવાનો વિષય તેની માતૃભાષામાં હોય અને એ કામ દેશના નેતા અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ કર્યું છે. આપણા બહુ મોટા સ્વાતંત્ર સેનાનીનું એક વાક્ય છે કે, સ્વતંત્રતા પ્રાપ્તિ બાદ પણ જુઓ ગુલામીની દુર્ગંધ આવતી હોય તો સ્વતંત્રતાની સુગંધ ફેલાવી છે. જ્યાં સુધી ભારત પોતાની ભાષામાં લખવાનું શરૂ નહીં કરે ત્યાં સુધી આપણે આપણા દેશને આગળ ન લઈ શકીએ જઈ શકીએ. હવે જે શિક્ષણ પદ્ધતિ બદલ્યા છીએ તેમાં અભ્યાસક્રમ દાખલ થશે. આ સાથે બાળકનું 360 ડિગ્રી કોલેસ્ટ્રિક ડેવલપમેન્ટ થાય તે માટેના કાર્યક્રમમાં પણ દાખલ કરવામાં આવ્યા છે. બાળક ખાલી અભ્યાસ જ નહીં, પરંતુ તેમનામાં પડેલી જુદી જુદી શક્તિઓને નીખારવાનું કામ પણ નવી શિક્ષણ નીતિ કરશે. હવે શિક્ષણનીતિમાં દસમા ધોરણ સુધીમાં લગભગ 50 ટકા વિદ્યાર્થીઓને કોઈના કોઈ સ્કિલ ડેવલોપમેન્ટના કોર્સ સાથે જોડી તેમને લઘુ ઉદ્યોગની દિશામાં આગળ લઈ જવામાં આ શિક્ષણ નીતિ ખૂબ કામમાં આવવાની છે. સમિતિમાં મહિનામાં દસ દિવસ બેગલેશ શિક્ષણની પણ શરૂઆત આ શિક્ષણનીતિમાં કરવામાં આવી છે. નવી શિક્ષણ નીતિને અમલ કરવા માત્ર સરકાર જ નહીં પરંતુ શિક્ષણવિદો શિક્ષણ સંસ્થાઓ અને શિક્ષક તૈયાર કરનાર સંસ્થાઓએ પણ કરવું પડશે તો જ આપણે નવી શિક્ષણનીતિને સુચારુ રીતે આગળ વધારી શકશે.’