અમદાવાદ: નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)નો પ્રથમ દીક્ષાંત સમારોહ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના મુખ્ય અતિથિ પદે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરવિંદ કુમાર, કાયદા અને ન્યાય મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, યુગાન્ડાના સંરક્ષણ મંત્રી અને વેટરન અફેર્સ વિન્સેન્ટ સેમ્પિજ્જા, કેન્દ્રીય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લાની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના આઇપીસી-સીઆરપીસી અને એવિડન્સ એક્ટમાં નજીકના ભવિષ્યમાં જ કેટલાક જરૂરી સુધારાઓ કરવા જઈ રહ્યા છે જેના થકી દેશભરની ક્રિમિનલ જસ્ટીસ ડિલિવરી સિસ્ટમ વધુ મજબૂત બનશે અને કન્વીક્સન રેટનો ગ્રાફ ઉપર આવશે. જે પૈકીનો એક મહત્વપુર્ણ સુધારો એ હશે કે ગંભીર ગુનાઓ કે જેમાં છ વર્ષથી વધુ સજાની જોગવાઇ હોય તેવા ગુનાઓમાં "ફોરેન્સિક તપાસ" ફરજિયાત કરવામાં આવશે. જેનાથી આવા જઘન્ય ગુનાઓમાં દોષ સિદ્ધિનો દર વધારવામાં મદદ મળશે તેમ જ તપાસની નિષ્પક્ષતા અને પારદર્શિતા પણ વધશે. આ માટે ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમને ફોરેન્સિક સાયન્સ સાથે ઇન્ટીગ્રેટ કરવામાં આવશે. આ જરૂરી સુધારા કરતા પહેલાં સમગ્ર દેશમાં ફોરેન્સિક નિષ્ણાંત અને સંબંધિત સપોર્ટ માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે ખૂબ જ ટૂંકા સમયગાળામાં ઉભી કરી દેવામાં આવશે.
ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન મોબાઈલ વેન વિશે જણાવતા અમિત શાહે કહ્યું હતું કે, ગુનાના સ્થળ ઉપર વૈજ્ઞાનિક પરીક્ષણ માટે તૈયાર કરવામાં આવેલી ફોરેન્સિક વાન તમામ જરૂરી અદ્યતન સાધનો સાથે તૈયાર કરવામાં આવેલી મોબાઇલ લેબ છે. જે આત્મ નિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરે છે. આ મોબાઇલ લેબ સંપૂર્ણ સ્વદેશી ભારતીય કંપનીએ બનાવેલી લેબ છે જે સમગ્ર દેશના દરેક જિલ્લામાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેથી દેશમાં તપાસની નિષ્પક્ષતા અને પારદર્શિતા વધારી જઘન્ય ગુનાઓમાં દોષ સિદ્ધિનો દર વધારી શકાય. હવે થર્ડ ડીગ્રીનો જમાનો નથી, ગુનાઓના ડિટેકશન માટે ફોરેન્સિક સપોર્ટને આધારે પોલીસ તંત્ર અને ન્યાયતંત્રને જરૂરી સાયન્ટિફિક પુરાવાઓ એકત્ર કરવામાં મદદ કરી ગુનેગારોને મહત્તમ સજા અપાવવામાં ફોરેન્સિક સાયન્સની મહત્વની ભૂમિકા છે.
વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરતા અમિત શાહે કહ્યું હતું કે, આ યુનિવર્સિટી જે ગતિએ દરેક પરિમાણોથી વિકાસ કરી રહી છે તે જોતાં આ યુનિવર્સિટી વિશ્વભરમાં નંબર-1 સ્થાન પર પહોંચશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી તેમણે કહ્યુ કે, માત્ર ભારત દેશમાં જ નહીં સમગ્ર વિશ્વમાં ફોરેન્સિક એક્સપર્ટની જરૂરિયાત છે ત્યારે આ યુનિવર્સિટી નિષ્ણાતો પૂરા પાડવાનું મહત્વપૂર્ણ કામ કરશે તેવો મને વિશ્વાસ છે. નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીના સહયોગથી ભોપાલ, ગોવા, ત્રિપુરા, મણીપુર સહિતના રાજ્યોમાં ફોરેન્સિક લેબોરેટરી તૈયાર કરી દેવામાં આવી છે જ્યારે પુણે, કર્ણાટક સહિતના અનેક રાજ્યો સાથે આ પ્રક્રિયા ચાલી રહી છે. 70થી વધુ દેશોએ એનએફએસયુ સાથે એગ્રીમેન્ટ કરી સ્વીકૃતિ પ્રદાન કરી છે તે આપણા સૌ માટે ગૌરવની બાબત છે.