Home /News /ahmedabad /AMCની વીજ બિલ બચત યોજનાઃ સોલાર અને વિન્ડ પાવર માધ્યમથી કરોડો રૂપિયાનું વીજ બિલ બચાવ્યું

AMCની વીજ બિલ બચત યોજનાઃ સોલાર અને વિન્ડ પાવર માધ્યમથી કરોડો રૂપિયાનું વીજ બિલ બચાવ્યું

ફાઇલ તસવીર

Ahmedabad Municiple Corporation: મેગાસિટી અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ મામલે કેટલાય વર્ષો પહેલાં ભવિષ્યનું આયોજન કરી દેવામાં આવ્યું હોવાથી અત્યાર સુધી એએમસીએ 132 કરોડ કરતા વધુની વીજ બીલ રૂપી બચત કરી છે.

અમદાવાદઃ એક તરફ છેલ્લા દોઢ મહિનામાં ગુજરાતમાં 15 કરતા વધુ નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઇટ સહિતના વીજ બીલ ભરવામાં ન આવતા રાજ્ય સરકારના આદેશ મુજબ વિવિધ વીજ કંપનીઓ દ્વારા તે પાલિકાના વીજ કનેક્શન કાપી નાંખવામાં આવ્યા હતા અને તેનું મોટું કારણ હતું તમામ પાલિકાઓ દ્વારા વીજ વપરાશ અને તેના બીલ ભરવા મામલે કોઇ જ આયોજન ન કરવું. પરંતુ મેગાસિટી અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ મામલે કેટલાય વર્ષો પહેલાં ભવિષ્યનું આયોજન કરી દેવામાં આવ્યું હોવાથી અત્યાર સુધી એએમસીએ 132 કરોડ કરતા વધુની વીજ બીલ રૂપી બચત કરી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર મહિને 17 કરોડ અને વર્ષે અંદાજે 250 કરોડ જેટલી રકમ વીજબીલ ભરવા માટે ચૂકવવામાં આવે છે. બીજી તરફ સોલાર તેમજ વિન્ડ પાવર પોલિસી અંતર્ગત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિન્યુએબલ એનર્જી ઉત્પન્ન કરવામાં આવી રહી છે. તેને રાજ્ય સરકારને સોંપી એએમસીના વીજ બીલ પેટે જમા લેવામાં આવતા એએમસીને અત્યાર સુધી રૂ. 132 કરોડ કરતાં વધુની બચત થઇ છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક-પેપર કપ વેચતા શખસ સામે FIR

એએમસી દ્વારા પોતાની વિવિધ ઝોનલ ઓફીસ, આરોગ્ય ભવન, ટ્રાન્સપોર્ટ હાઉસ તેમજ સરદાર પટેલ સ્ટેડિયમ સહીતના વિવિધ ભવનો ઉપરો સોલાર પેનલો પણ ફીટ કરવામાં આવી છે. જેનાથી અત્યાર સુધી 19 લાખ વીજ યુનિટ ઉત્પાદન કરી રૂપિયા અઢી કરોડની બચત કરવામાં આવી છે. તો વિન્ડ પાવર પ્રોજેકટ પોલિસી હેઠળ તંત્ર દ્વારા કચ્છના નખત્રાણા તેમજ જામજોધપુર ખાતે વિન્ડ પાવરની મદદથી વીજ યુનિટ જનરેટ કરવા નાંખવામાં આવેલા પ્લાન્ટથી 180 મિલિયન વીજ યુનિટનું ઉત્પાદન કરી રુપિયા 132 કરોડની બચત કરી છે.

પાંચ વર્ષમાં ચાર વિન્ડ પાવર પ્લાન્ટ સ્થાપ્યા


વર્ષ-2016ના જૂન મહિનામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કચ્છના નખત્રાણામાં 4.2 મેગાવોટ ક્ષમતા ધરાવતો વિન્ડ પાવર પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો હતો. આ પછી બીજા જ વર્ષે ડિસેમ્બર-2017માં નખત્રાણામાં વધુ એક વિન્ડ પાવર પ્લાન્ટ 4.2 મેગાવોટ ક્ષમતાનો સ્થાપવાનો નિર્ણય તંત્ર તરફથી લેવામાં આવ્યો હતો. આ બે પ્લાન્ટને મળેલી સફળતા બાદ વર્ષ-2019ના મે મહિનામા નખત્રાણામાં 4.2 મેગાવોટ ક્ષમતા ધરાવતો ત્રીજો વિન્ડ પાવર પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો હતો. વર્ષ-2020-21માં રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે મ્યુનિસિપલ તંત્રને સોલારરુફ ટોપ અને વિન્ડ પાવર પ્રોજેકટના માધ્યમથી અંદાજે 44 કરોડની બચત થતા જામજોધપુરના જામવાડી ખાતે હોથાજી ખડબા ખાતે 8.4 મેગાવોટ ક્ષમતા ધરાવતો ચોથો વિન્ડ પાવર પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો હતો. આમ પાંચ વર્ષમાં કુલ ચાર વિન્ડ પાવર પ્લાન્ટ સ્થાપિત કરીને કુલ 132 કરોડની બચત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે.


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્થાપિત કરવામાં આવેલા વિન્ડ પાવર પ્લાન્ટમાંથી દર મહિને જેટલા યુનિટ વીજ ઉત્પાદન કરવામા આવે એ યુનિટની નોંધણી ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ(જેટકો) દ્વારા કરવામાં આવે છે. તમામ પ્રોજેક્ટ રજિસ્ટર્ડ કરવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી સ્થાપિત કરવામાં આવેલા પ્લાન્ટમાં ઉત્પન્ન થતા વીજ યુનિટ સંદર્ભમાં જેટકો દ્વારા દર મહિને સર્ટીફિકેટ આપવામાં આવે છે. વીજ યુનિટના ઉત્પાદનની સામે એએમસી તરફથી જે જગ્યા સૂચવવામાં આવે તે જગ્યાએ વીજ યુનિટ બચત આપવામાં આવે છે. મ્યુનિસિપલ તંત્ર તરફથી અત્યાર સુધી ઉત્પન્ન કરવામાં આવેલા 180 મિલિયન વીજ યુનિટ પૈકી યુનિટના વેચાણ કરવાના બદલે તંત્રે બચેલા વીજ યુનિટનો લાભ તંત્ર માટે જ લીધો છે. આ પ્રોજેક્ટની સફળતા જોતા આગામી સમયમાં એએમસીના વિવિધ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉપરાંત વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરો ઉપર પણ સોલાર પેનલો ફીટ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
Published by:Vivek Chudasma
First published:

Tags: Ahmedabad Municiple corporation, Ahmedabad news, AMC latest news, AMC News