Partnership for Healthy City Summit: યુનાઈટેડ કિંગડમના લંડન શહેરમાં આયોજિત ‘તંદુરસ્ત શહેરી જીવનશૈલી સંમેલન’ માં વિશ્વા 70 થી વધુ શહેરના જનપ્રતિનિધિ અને અધિકારીઓ હાજરી આપશે. અમદાવાદ શહેરના પ્રતિનિધિ તરીકે શહેરના મેયર કિરીટ પરમાર સહિત અધિકારીઓ હાજર રહેશે.
અમદાવાદ: અમદાવાદ કોર્પોરેશનના નાગરિકોમાં બિન ચેપીરોગો જેવા કે ડાયાબીટીસ, બ્લડ પ્રેશર ,કેન્સર જેવા રોગો ઉપરાંત નાગરિકોમાં દારૂ કે તમાકુના વ્યસનના કારણે જુદાજુદા રોગો થવાની શક્યતા તથા આરોગ્યને લગતી રોજીંદી જીવનશૈલી તપાસવા અને અવલોકન કરવા અંગે બ્લુમબર્ગ ફિલાન્થ્રોપી અને વાઈટલ સ્ટ્રેટેજીસ (યુ.એસ.એ.) દ્વારા વિશ્વના 70 શહેરોની સાથે અમદાવાદ શહેરને રીસર્ચ પ્રોજેક્ટ ‘મોનીટરીંગ ઓફ નોન કોમ્યુનિકેબલ ડીસીઝ રિસ્ક ફેક્ટર’ માટે 1 લાખ યુએસ ડોલર ફાળવેલ છે.
જુદા જુદા પગલાં અને તેના પરિણામોની ચર્ચા થશે
પ્રોજેક્ટની પ્રશંસનીય કામગીરીને અનુલક્ષીને આ રીસર્ચ પ્રોજેક્ટના પરિણામ આધારિત જરૂરી પ્રાથમિક કક્ષાના પગલા લેવા માટે એએમસીને મુખ્ય ગ્રાન્ટ સિવાય વાઈટલ સ્ટ્રેટેજીસ ,યુ.એસ.એ. દ્વારા અન્ય 50,000 યુએસ ડોલરની દરખાસ્ત આપવામાં આવેલ છે. સમગ્ર વિશ્વમાં બિન ચેપી રોગોની જાગરૂકતા તથા રોગ થવાની શક્યતા અને મૃત્યુઆંક ઘટાડવા માટે લંડન (UK) ખાતે યોજાનાર સંમેલનમાં સમગ્ર વિશ્વના જુદા જુદા શહેરો દ્વારા પોતાના શહેરની આરોગ્ય અંગેની પરિસ્થિતિ તથા તે અંગે લેવાયેલા જુદા જુદા પગલાં અને તેના પરિણામોની ચર્ચા વિચારણા થશે. અને અનુભવોના આધારે શહેરી નાગરિકોમાં બિન ચેપીરોગો ઘટાડવાની પોલિસી બનાવવા માટે માર્ગદર્શક રૂપ નીવડશે.