Home /News /ahmedabad /AMCનો મિનરલ વોટર પ્લાન્ટ માથે પડ્યો? પાણીની બોટલ માટે વપરાય છે લાખો રૂપિયા
AMCનો મિનરલ વોટર પ્લાન્ટ માથે પડ્યો? પાણીની બોટલ માટે વપરાય છે લાખો રૂપિયા
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હોદ્દેદારો અને અધિકારીઓ ખુદ જલ બ્રાંડની મિનરલ વોટરની બોટલનું પાણી પીતા નથી.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હોદ્દેદારો અને અધિકારીઓ ખુદ જલ બ્રાંડની મિનરલ વોટરની બોટલનું પાણી પીતા નથી. દરેક ઇવેન્ટમાં અન્ય બ્રાંડનું મિનરલ વોટર મંગાવવામાં આવે છે અને લાખો રુપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.
અમદાવાદ: 10 વર્ષ પહેલાની સ્થિતિ એવી હતી કે, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ભૂમિપુજન, લોકાર્પણ કે ખાતમૂર્હૂત, સેમિનાર, બેઠકો અને અન્ય કાર્યક્રમોમાં દર વર્ષે 40થી 50 લાખ રુપિયાનો ખર્ચ માત્ર મિનરલ વોટરની પાણીની બોટલો ખરીદી પાછળ થતો હતો. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને દર વર્ષે લાખો રુપિયાના મિનરલ વોટરની બોટલના ખર્ચને બચાવવા માટે કોતરપુર ખાતે મિનરલ વોટર પ્લાન્ટ નાંખી દીધો હતો. સાથે જલ નામથી પોતાની મિનરલ વોટરની બોટલની બ્રાંડ પણ લોંચ કરી દીધી હતી. જોકે, અમદાવાદીઓના પરસેવાની કમાણી બચાવવાના નામે કરાયેલો મિનરલ વોટર પ્લાન્ટ પણ ફેલ સાબિત થયો છે અને આ મિનરલ વોટર પ્લાન્ટ પાછળ કરાયેલો બે કરોડનો ખર્ચ માથે પડ્યો છે. સાથે હવે દર વર્ષે અંદાજે 20થી 25 લાખ રુપિયાનો ખર્ચ મિનરલ વોટરની બોટલ ખરીદી કરવા પાછળ ખર્ચ કરવામાં આવી રહ્યાં છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હોદ્દેદારો અને અધિકારીઓ ખુદ જલ બ્રાંડની મિનરલ વોટરની બોટલનું પાણી પીતા નથી. દરેક ઇવેન્ટમાં અન્ય બ્રાંડનું મિનરલ વોટર મંગાવવામાં આવે છે અને લાખો રુપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.
તત્કાલિન મ્યુનિ. કમિશનર ડી. થારા દ્વારા અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનનો પોતાનો મિનરલ વોટર બોટલિંગ પ્લાન્ટ નાંખવાની યોજના મંજુર કરી હતી. જેમાં 2 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. કોતરપુર ખાતે મિનરલ વોટરનો બોટલિંગ પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યો હતો. વર્ષ 2014માં પ્લાન્ટ તૈયાર થઇ ગયો હતો પણ બે વર્ષ સુધી તે કાર્યરત થઇ શક્યો ન હતો પછી 2016ની આસપાસ જલ નામની બ્રાંડથી પ્લાન્ટને કાર્યરત કરવામાં આવ્યો હતો. 200 ML,500 ML અને 1000 MLની પાણીની બોટલનું ઉત્પાદન શરુ કરવામાં આવ્યું હતુ.
જેને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ગાર્ડનમાં આવેલા અમૂલ પાર્લરમાં વેચાણ કરવાની અને મ્યુનિ.ના કાર્યક્રમોમાં સપ્લાય કરવાની મંજુરી આપવામાં આવી હતી. આ પછી ત્રણ વર્ષ સુધી મ્યુનિ.ની કચેરીઓમાં થતાં વિવિધ કાર્યક્રમોમાં જલ નામની બ્રાંડની 200 અને 500 MLની બોટલનો ઉપયોગ થતો હતો. તે દરમિયાન 2019માં કેન્દ્ર સરકારે સીંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધનો તબક્કાવાર અમલ શરુ કર્યો હતો તે વખતે તત્કાલિન કમિશનર વિજય નહેરાએ જલ નામની 200 MLની પાણીની બોટલ ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો.
માત્ર 500 અને 1000 MLની પાણીની બોટલનો સપ્લાય કરવાનું શરુ કરાયું હતુ. સાથે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના તમામ કાર્યક્રમોમાં પાણીની વ્યવસ્થા અને સુપરવિઝનની જવાબદારી હેલ્થ ખાતાને સોંપી દેવાઇ હતી. હેલ્થ ખાતાને અમદાવાદ મ્યુનિ.ના વિવિધ કાર્યક્રમોની જવાબદારી સોંપાયા બાદ મોટાભાગના કાર્યક્રમોમાં 200 MLની બોટલ વાપરવામાં આવે છે. 2019થી જલ બ્રાંડની 200 MLની બોટલ પ્રતિબંધ મૂકાયેલો છે. જેથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના તમામ કાર્યક્રમોમાં 200 MLની અન્ય કંપનીની મિનરલ વોટરની બોટલ વાપરવામાં આવે છે. જ્યારે સ્ટેન્ડીંગ કમિટી સહિત અન્ય કમિટીઓમાં તો 1000 MLની પણ અન્ય કંપનીની મિનરલ વોટરની બોટલ ખરીદીને વાપરવામાં આવી રહી છે. આ મિનરલ વોટરની બોટલ પાછળ વાર્ષિક 20થી 25 લાખનો ખર્ચ થઇ રહ્યો છે જોકે, મોટા કાર્યક્રમો થાય તો આ ખર્ચ વધી પણ જાય છે.
થોડા મહિના પહેલાં નારણપુરા સ્પોર્ટસ કોમ્પલેક્સના કાર્યક્રમમાં 8થી 10 લાખ રુપિયાનો ખર્ચ તો માત્ર મિનરલ વોટરની ખરીદી પાછળ કરવામાં આવ્યો હતો. છેલ્લા ચાર વર્ષથી 200 MLની બોટલ બંધ થયા બાદ અમદાવાદ મ્યુનિ.ના તમામ કાર્યક્રમોમાં મોટાભાગે અન્ય બ્રાંડેડ કંપનીની મિનરલ વોટરની બોટલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેના બિલ હેલ્થ ખાતા દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યાં છે જ્યારે પાણીની બોટલના બિલ પબ્લીસીટી ખાતા દ્વારા ચૂકવવામાં આવી રહ્યાં છે. સ્ટેન્ડીંગ કમિટી સહિત બજેટ, સેમિનાર અને અન્ય મોટા કાર્યક્રમોમાં તો 200 MLની પાણીની બોટલ પણ જલની વાપરવામાં આવતી નથી.
હવે જલ બ્રાંડની માત્ર 500 ML અને 1 લીટરની બોટલ ઉપલબ્ધ છે તેનો વપરાશ કરાય તો પાણીનો બગાડ થાય છે, કેમ કે, આખી બોટલ કોઇ પીતુ નથી. બીજી તરફ 200 MLની બોટલ જલ બ્રાંડની બનતી નથી. અન્ય કંપનીઓ પાસેથી લેવી પડે છે અને વાપરવી પડે છે તે વાસ્તવિકતા છે.