અમદાવાદ: અમદાવાદ મહાનગર પાલિકાના હાઉસિંગ કમિટી ચેરમેન અશ્વિન પેથાણીએ કમિશનરને પત્ર લખી પોતાની હૈયા વરાળ ઠાલવી છે અને એએમસી અધિકારીઓની કામગીરી પર સવાલ ઉઠાવ્યો છે. તેમણે સરકારી આવાસમાં ગેરકાયદે રહેતા લોકો સામે પગલા લેવા કમિશનરને પત્ર લખ્યો છે. છેલ્લી અનેક કમિટીઓમાં આ મુદ્દે રજૂઆત કરી હોવા છતાં એસ્ટેટ વિભાગ કોઇ નક્કર પગલા ન લેતાં આખરે તેમણે કમિશનરને પત્ર લખી લેટર બોમ્બ ફોડ્યો હતો.
અશ્વિન પેથાણીએ કમિશનરને પત્ર લખીને વ્યથા ઠાલવી
એએસમી હાઉસિંગ કમિટી ચેરમેન અશ્વિન પેથાણીએ જણાવ્યુ હતું કે, હાઉસિંગ કમિટી તરફથી એએસમી કમિશનર એમ થેન્નારસને પત્ર લખી જાણ કરી છે કે શહેરમાં એએમસી દ્વારા આવાસ યોજના તૈયાર કરાય છે. પ્રધાનમંત્રીનો ડ્રીમ પ્રોજેક્ટ છે કે સામાન્ય પરિવારને પણ પોતાનું ઘરનું ઘર મળી જાય, પરંતુ આજે માહિતી સામે આવી છે કે 750થી વધુ લોકો ગેરકાયદેસર સરકારી આવાસમાં કોઇને કોઇ પ્રકારે રહે છે. કેટલાક લોકો દ્વારા આવાસ લાગ્યા બાદ ભાડે આપી દેવામાં આવ્યા છે. જે સરકારી નિતી વિરૂદ્ધ છે . આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા સમાંયતરે કમિટી બેઠકમાં સભ્યો દ્વારા પણ રજૂઆત કરાઇ હતી. તેમ છતાં એસ્ટેટ વિભાગ માત્ર 750થી વધુ લોકોને નોટિસ આપી સંતોષ મનાઇ ગયો હોય તેમ અધિકારી માની રહ્યા છે. આગળ શું કાર્યવાહી કરી તે અંગે કોઇ યોગ્ય જવાબ અપાયો નથી. એસ્ટેટ વિભાગ સતત કમિટીમાં આ અંગે પૂછવામાં આવ્યું છે છતાં કોઇ યોગ્ય નક્કર કામગીરી કરાઇ નથી.
સરકારી આવાસમાં રહેતા ગેરકાયદે લોકો સામે પગલાની માગ
વધુમાં અશ્વિન પેથાણીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં બનાવેલા EWS આવાસ તથા LIG પ્રકારના આવાસોમાં ફાળવેલા મકાનો લાભાર્થી દ્વારા ભાડે આપી દેવામાં આવે છે. આ અંગે કમિટીમાં અવારનવાર રજૂઆત કર્યા પછી કોર્પોરેશનના હાઉસિંગ સેલ તથા એસ્ટેટ વિભાગ દ્વારા નોટીસની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પરંતુ માત્ર નોટીસ ફટકારવાની પ્રક્રિયા કર્યા બાદ તેના પર કોઈપણ પ્રકારનો અમલ કરવામાં આવ્યો નથી. આ અમલ કરવા માટે છેલ્લે ઘણી વખત કમિટીમાં અમારા સભ્યો દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હોવા છતાં એસ્ટેટ વિભાગ દ્વારા હજુ સુધી કોઈપણ પગલા શા માટે લેવામાં આવતા નથી તે પ્રશ્ન ઉભો થાય છે. આ પત્ર દ્વારા જાણ કરી અવગત કરવાનું થાય કે કમિશનર સીધી સૂચના દ્વારા કમિટીના પડતર પ્રશ્નોનું તાકીદે નિકાલ કરવામાં આવે તથા આવાસ યોજનામાં ભાડે આપેલા મકાનો કે જેમાં નોટીસ આપાયેલ હોય તેનો સત્વરે ન્યાયિક રીતે અને સખત પણે અમલ કરવામાં આવે.
સમયસર યોગ્ય પગલા ભરવા પત્રમાં ઉલ્લેખ કરાયો
નોંધનીય છે કે, અગાઉ પણ રેવન્યુ કમિટી ચેરમેન, વોટર કમિટી ચેરમેન સહિત ભાજપના કાઉન્સિલરોને અધિકારી મુદ્દે કડવો અનુભવ થઇ ચૂક્યો છે. પાર્ટી હાઇકમાન્ડ સુધી પણ રજૂઆત કરવામાં આવી છે. પરંતુ તેમ છતાં આજે ફરી એકવાર અધિકારીઓની કામગીરી પર સવાલ ઉઠ્યો છે. અગાઉના કમિશનર લોચન સહેરા હતા ત્યારે તેઓ દ્વારા એક સરક્યુલર જાહેર કરાયો હતો કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ફોન ઉપાડવા અને કામનો ઝડપથી નિકાલ કરવો પરંતુ આજે એએસમીમાં વધુ એક પત્ર માત્ર કાગળ બની ગયો છે. કમિટી ચેરમેનની સૂચના હોવા છતાં પણ કોઇ પગલા ન લેવાતા આખરે કમિશનરને પત્ર લખવાની ફરજ પડી છે.