અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં આવતી બાંધકામ સાઇટો પર ઉડતી ધૂળ સામે પગલા લેવામા આવશે. કમિશનર એમ થેન્નારસન આદેશ બાદ એસ્ટેટ વિભાગ દ્વારા સરક્યુલ કરવામાં આવ્યો છે. બાંધકામ સાઇટ પર કામ કરતી વખતે બિલ્ડરો ખાસ કાળજી લેવી પડશે. જાહેર રસ્તા પર પથ્થરો અને ધુળ નાંખી શકાશે નહી. તેમજ બાંધકામ સાઇટ પર ધૂળ ઉડશે તો એએમસી બિલ્ડરની રજા ચિટ્ઠી રદ કરશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં હદ વિસ્તારમાં ચાલુ બાંધકામની સાઇટ પર સલામતિ તેમજ પર્યાવરણની જાળવણી અંગે સાઇટ પર પૂરતા પગલા લેવાની પ્રાથમિક જવાબદારી સંબંધિત અરજદાર માલિક ડેવલપર એન્જીનીયરની રહે છે. જેમાં બાંધકામ ડીમોલીશનની પ્રવૃત્તિ થતી હોય તે જગ્યા પર હવાઇ ભૂમી પ્રદૂષણ થાય નહિ તથા આજુબાજુની મિલ્કતો/ વ્યક્તિઓને નુકશાન થાય નહિ તે માટે તકેદારીનાં ભાગરૂપે સ્થળ પર નીચે દર્શાવ્યા મુજબનાં જરૂરી પગલા જે-તે બાંધકામ કરનાર દ્વારા લેવામાં આવે તે આવશ્યક છે.
ચાલુ બાંધકામની સાઈટ ઉપર રજાચિઠ્ઠીમાં જણાવેલ શરત મુજબ પ્લોટની હદે સલામતી હેતુસર Barricade (પતરાની વાડ), ઉપરાંત ધુળ રજકણોનો પ્રસાર અટકાવવા માટે બાંધકામની ઊંચાઈનાં સાપેક્ષમાં પર્યાપ્ત ઊંચાઇ સુધીના પડદા વિન્ડશિલ્ડ બેરીકેટીંગની વ્યવસ્થા કરાવવાની રહેશે.
ચાલુ બાંધકામની સાઈટ ઉપર ઈમારતી માલસામાન કાટમાળનાં કારણે ધુળ રજકણો ઉડે નહી તે માટે સાઇટ તથા લુઝ મટીરીયલ યોગ્ય કપડા/ઢાંકી શકાય તેવા મટીરીયલ્સ વડે વ્યવસ્થિત ઢાંકેલ રાખવાના રહેશે.
વાતાવરણમાં ભળી નુકશાન કરતા ડસ્ટ લુઝ મટીરીયલ્સના ઉડતા રજક્શો વાળી જગ્યામાં પાણીનો છંટકાવ કરી યોગ્ય રીતે ઢાંકીને(Cover કરીને) રાખવાની વ્યવસ્થા કરાવવામાં આવે તે સુનિશ્ચત કરાવવાનુ રહેશે.
ચાલુ બાંધકામની સાઈટ ઉપર આંતરિક અવર-જવર માટેનાં રસ્તાઓ યોગ્ય પેવીંગ કરેલા હોય તે સુનિશ્ચત કરાવવાનુ રહેશે.
ખોદાણ ચાલુ હોય તેવી સાઈટો ઉપર તથા ટ્રાન્સપોર્ટેશન દરમ્યાન ટ્રક વ્હીકલના ટાયરોમાં ચોંટેલ કિચડ માટીના કારણે રસ્તા પર ચિડ માટીના પથરાવને કારણે ન્યુશન્સ અસ્વચ્છતા થાય નહિ તે માટેનું ખાસ ધ્યાન રાખીને યોગ્ય જોગવાઇ કરાવવાની રહેશે.
જાહેર રસ્તા પરથી બાંધકામની સાઇટ પર આવન જાવન અન્વયેના બાંધકામની પ્રવૃતિ સાથે સંકળાયેલ ડમ્પરો ભારખટારા સાધનો વાહનો વિગેરેના ટાયર પૈડાના ધોવાની સફાઇની પુરતી વ્યવસ્થા સ્થળે કરાવવી, તથા આવા વાહનોને કારણે મ્યુનિસિપલ રસ્તા તથા ફુટપાથ વિગેરે મ્યુનિસિપલ મિલક્તને નુકશાન થાય નહિ તેની તકેદારી રાખવાની રહેશે.
બાંધકામ કામગીરી સાથે સંકળાયેલા મજુરો માટે સેનીટેશન વ્યવસ્થા હંગામી આવાસો રાંધણ-ગેસ(એલ.પી.જી) ની વ્યવસ્થા કરાવવાની રહેશે તથા ક્રીચનવેસ્ટ વિગેરેનો યોગ્ય નિકાલ થાય તે મુજબનું આયોજન કરાવવાનું રહેશે.
બેઝમેન્ટના ખોદાણકામ બાંધકામ દરમ્યાન સલામતીને ધ્યાને લઇ યોગ્ય રીતે Shoring/Shuttering વિગેરે સ્થળસ્થિતિ અનુસંધાને જરૂરીયાત મુજબની કાર્યવાહી કરાવવામાં આવે તેની તકેદારી રાખવાની રહેશે.
બિલ્ડીંગ મટીરીયલ્સ કે અન્ય માલસામાન કાટમાળ વિગેરે પ્લોટની બહાર કે રસ્તા પૈકીની જગ્યા ઉપર મૂકવામાં આવે નહિ તેની તકેદારી રાખવાની રહેશે.
ઉપરોકત અનુસંધાને તેમજ પર્યાવરણની જાળવણી તથા આજુબાજુની મિલ્કતોની સલામતી અંગે બાંધકામની રજાચિઠ્ઠીની શરતોમાં દર્શાવ્યા મુજબ તાકીદે સ્થળે પુરતા પગલા લેવડાવવા યોગ્ય કાર્યવાહી કરાવવાની રહેશે.
બાંધકામ કરનાર કરાવનાર લાગતા વળગતા દ્વારા તેમ કરવામાં કસુર થતી માલુમ પડે તો રજાચિઠ્ઠીની શરતોના ભંગ બદલ રજાચિઠ્ઠી સ્થગિત કરવા સહિતની કાયદેસરની આનુષાંગિક શિક્ષાત્મક કાર્યવાહી કરાવવાની રહેશે.