અમદાવાદ: રાજ્યમાં ભરઉનાળે પણ માવઠાનો માર વધી રહ્યો છે. ત્યારે રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કરતા જણાવ્યુ છે કે, રાજ્યમાં છેક જૂન મહિના સુધી માવઠું થશે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ છે કે, વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં કરા પણ પડવાની પણ આગાહી છે. આ કમોસમી વરસાદની સાથે કાળઝાળ ગરમી પણ પડવાની આગાહી કરવામાં આવી છે. 17મી જૂન બાદ પણ આંધી વંટોળ સાથે કમોસમી વરસાદ પડી શકે છે. જેના કારણે આ વખતે કેરીના પાકને ભારે નુકસાન થવાનું પણ જણાવ્યુ છે.
ગુજરાત માટે ત્રણ દિવસ ભારે
અંબાલાલ પટેલે વધુમા જણાવ્યુ કે, આવતીકાલથી 31મી માર્ચ સુધી ફરી માવઠું પડી શકે છે. પશ્ચિમી વિક્ષેપને કારણે રાજ્યમાં માવઠું થઇ શકે છે. આવતીકાલથી ત્રણ દિવસ ગુજરાત માટે ભારે રહી શકે છે. વીજળીના કડાકા સાથે ઘણાં વિસ્તારમાં કરા પણ પડી શકે છે. જે બાદ ભેજના કારણે ત્રણથી આઠ એપ્રિલ સુધી ફરી રાજ્યમાં વાતાવરણ પલટાશે અને વાદળછાયું વાતારણ રહેવાની શક્યતા છે. 8થી 14 એપ્રિલ સુધી આંધી, વંટોળ સાથે કમોસમી વરસાદ અને કરા પણ પડી શકે છે. જેથી 8થી 14 એપ્રિલ સુધી ખેડૂતોને સાવધાન રહેવું પડશે.
આ પણ વાંચો: રાજસ્થાનના અધિકારીઓએ કરી પાણીની ચોરી
માવઠાની સાથે ગરમીમાં પણ વધારો થશે
હવામાન નિષ્ણાતે વધુમાં જણાવ્યુ કે, 22 એપ્રિલ, અખાત્રીજના દિવસે પણ માવઠું થઈ શકે છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, એપ્રિલ બાદ મે મહિનામાં પણ આંધી-વંટોળ આવી શકે છે. આ સાથે ગરમીની આગાહી કરતા જણાવ્યુ કે, એપ્રિલના બીજા સપ્તાહ બાદ કાળઝાળ ગરમી પડી શકે છે. આ બધુ થતાં છતાં પણ વધુ ગરમીને કારણે આ વર્ષના ચોમાસા પર માઠી અસરની શક્યતા ઘટશે. ચોમાસુંની શરૂઆતમાં બંગાળની ખાડીમાં વંટોળ રહેવાની શક્યતા છે.
આ વર્ષના ચોમાસા અંગે અંબાલાલ પટેલે મોટી આગાહી કરતા જણાવ્યુ હતુ કે, 17મી જૂન બાદ આંધી વંટોળ સાથે વરસાદ પડી શકે છે. 17મી જૂન બાદ સાપનો ઉપદ્રવ સાથે સાપ કરડવાના બનાવો પણ વધી શકે છે.
કેરી પકવતા ખેડૂતો માટે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યુ કે, અત્યારના હવામાનને કારણે માત્ર બાગાયતી પાકો જ નહીં પરંતુ અનાજના પાક અને કપાસનાં પાકોમાં ઇયળોની સંભાવના રહેશે. જ્યારે કેરીના પાકમાં અંબાના મોર જ ગળી જશે. આ વખતે કેરીના પાકને મોટા નુકસાનની ભીતિ છે. મે મહિનામાં બાકી રહેલી કેરીને પણ નુકસાન થઈ શકે છે.