Home /News /ahmedabad /Ahmedabad: જાપાનનું આ આર્ટ એક્ઝિબિસ છે અદ્ભુત; માંગા પેઈન્ટિંગ જોઈને થઈ જશો મંત્રમુગ્ધ; અચૂક મુલાકાત લેજો

Ahmedabad: જાપાનનું આ આર્ટ એક્ઝિબિસ છે અદ્ભુત; માંગા પેઈન્ટિંગ જોઈને થઈ જશો મંત્રમુગ્ધ; અચૂક મુલાકાત લેજો

X
માંગા

માંગા શબ્દનો ઉપયોગ જાપાનમાં કોમિક્સ અને કાર્ટૂનિંગ બંને માટે થાય છે

આંતરરાષ્ટ્રીય પ્રદર્શન અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે 21મી જાન્યુઆરીથી 2જી ફેબ્રુઆરી, 2023 સુધી દરરોજ બપોરે 12 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લુ રહેશે.

Parth Patel, Ahmedabad: જાપાન અને ભારત વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 70મી વર્ષગાંઠ નિમિત્તે અને માંગા એટલે કે કાર્ટૂન, ઉકિયો-ઇ ક્લાસિક પેઇન્ટિંગ્સ અને પુસ્તક દ્વારા જાપાનની શ્રેષ્ઠ કલા અને સંસ્કૃતિનું પ્રદર્શન કરવા માટે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના જાપાન ઇન્ફર્મેશન અને સ્ટડી સેન્ટર દ્વારા મુંબઈ ખાતેના જાપાનના કોન્સ્યુલેટ-જનરલના સહયોગથી આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રદર્શન નવી દિલ્હીમાં શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ચેન્નાઈ, કોલકાતા અને મુંબઈમાં યોજાયું હતું. આ પ્રદર્શન માંગા હોકુસાઈ માંગા આર્ટ શો તરીકે જાણીતો છે. જેમાં ગ્રાન્ડ માસ્ટર હોકુસાઈનું ઉત્કૃષ્ટ માંગા કલાકારોના સમકાલીન સર્જન સાથે ઉકિયો-ઈ ક્લાસિક્સનું પ્રદર્શન સામેલ છે. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન જાણીતા કલાકાર અમિત અંબાલાલ અને મુંબઈમાં જાપાનના કોન્સ્યુલેટ-જનરલ, ચીફ કોન્સલ તોશિહિરો કાનેકો દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પ્રદર્શન ઉકિયો-ઈ આર્ટિસ્ટ કાત્સુશિકા હોકુસાઈ (1760-1849) ના ચિત્રોનો સંગ્રહ એટલે કે હોકુસાઈ માંગા અને આધુનિક જાપાનીઝ માંગા કે જે હવે વિશ્વવ્યાપી લોકપ્રિયતાનો આનંદ માણે છે. તેમની વચ્ચેની કેટલીક સમાનતાઓ અને તફાવતો રજૂ કરે છે અને તે મારફતે જાપાની સંસ્કૃતિનાં અનોખાં ક્ષેત્રનો પરિચય કરાવે છે. આ પ્રદર્શન જુદા જુદા સમયગાળાના માંગાની સચિત્ર વાર્તા કહેવાની અને સહભાગી સંસ્કૃતિ પર કેન્દ્રિત છે. આ પ્રદર્શનમાં પેનલો, પુસ્તકો, વિડિયો અને સમકાલીન માંગા કલાકારોની નવી કૃતિઓનો સમાવેશ થાય છે.

માંગા શબ્દનો ઉપયોગ જાપાનમાં કોમિક્સ અને કાર્ટૂનિંગ બંને માટે થાય છે

જાપાનીઝ માંગા એ ચિત્રાત્મક વાર્તા કહેવાની કળા છે. જે જાપાનમાં વર્ષોથી વિકસિત થઈ છે. માંગા કલાના મૂળ પ્રાચીન જાપાની કલામાં રહેલ છે. માંગા શબ્દનો ઉપયોગ જાપાનમાં કોમિક્સ અને કાર્ટૂનિંગ બંને માટે થાય છે. માંગાની ઉત્પત્તિ 12મી સદીમાં થયેલી છે. આ પ્રદર્શનમાં જાપાનમાં માંગા ચળવળનો પાયો નાખનાર કલાકાર કાત્સુશિકા હોકુસાઈની ચિત્રકલા પણ પ્રદર્શિત કરવામાં આવી છે.

કાત્સુશિકા હોકુસાઈ લોકપ્રિય રીતે હોકુસાઈનાં હુલામણાં નામથી ઓળખાય છે. જેઓ ઈડો સમયગાળાનાં જાપાની ઉકિયો-ઈ કલાકાર હતા. ઉકિયો-ઈ શબ્દનો અર્થ થાય છે તરતી દુનિયાના ચિત્રો. ઉકિયો-ઈ એ જાપાનમાં માંગા ચળવળનો પાયો નાખ્યો હતો. આ પરંપરાને માસ્ટર હોકુસાઈના ધ ગ્રેટ વેવ ઓફ કાનાગાવા અને કલાકાર હિરોશિગેના ધ ફિફ્ટી થ્રી સ્ટેશન્સ ઓફ ધ ટોકાઈડો દ્વારા અનુસરવામાં આવી હતી. માંગા નાજુક, તરંગી, રમુજી, અસ્પષ્ટ અને મનોરંજક બધું રજૂ કરે છે. તે વિશ્વમાં એક બહાદુર અને ક્રાંતિકારી કલાત્મક પ્રવેશને મોકળો કરે છે. જે ક્ષણિકને કંઈક સ્થાયી, કાયમી અને કલાત્મકમાં પરિવર્તિત કરે છે.

આંતરરાષ્ટ્રીય પ્રદર્શનમાં હોકુસાઈની કૃતિઓના 15 વોલ્યુમ પ્રદર્શિત કરવામાં આવ્યા

આ આંતરરાષ્ટ્રીય પ્રદર્શનમાં હોકુસાઈની કૃતિઓના 15 વોલ્યુમ પ્રદર્શિત કરવામાં આવ્યા છે અને સાત સમકાલીન માંગા કલાકારો કે જેમણે હોકુસાઈના માંગાની પ્રેરણાત્મક લઈને કૃતિનું સર્જન કરેલ છે. જેમાં ઈચિકાવા હારુકોનું સમર ફિલ્ડ્સ, ઈગારાશી ડાઈસુકેનું એ પર્સન હુ ડ્રોઝ ધ વર્લ્ડ, ક્યો માચીકોનું ઇનોસન્ટ ટોય્ઝ, નિશિજીમા ડાઈસુકેનું લા મેર આઈ, ઓકાદયા તેતુઝોહનું ધેટ ઈઝ ઓલ ફોર નાઉ, શિરિયાગરી કોટોબુકીનું ફની ફેસ 2015 અને યોકોયામા યુઈચીના જાયન્ટ એલિફન્ટનો સમાવેશ થાય છે.

સ્વ-સ્પષ્ટીકરણ પ્રદર્શન ચાર ભાગોમાં વહેંચાયેલું છે.

પ્રથમ ભાગ: હોકુસાઈ માંગા રમુજી ચિત્રો (ફની પિક્ચર્સ)? 15 બાઉન્ડ વોલ્યુમ પર બ્લોક પ્રિન્ટેડ કૃતિઓ દર્શાવે છે અને માંગા શબ્દની વ્યુત્પત્તિ સમજાવે છે. આ બ્લોક પ્રિન્ટેડ કૃતિઓ જાપાનમાં રોજિંદા જીવન અને હોકુસાઈની આવૃત્તિનું ચિત્રણ કરે છે.

બીજો ભાગ: એ કેરેક્ટર નેસ્ડ હોકુસાઈના ઘણા સમકાલીન માંગા દર્શાવે છે. જેમાં હોકુસાઈને તેમના વર્ણનના એક ભાગ તરીકે દર્શાવવામાં આવ્યા હતા. કેટલાક માંગા કલાકારો જેમણે આનો સમાવેશ કર્યો છે. તે છે કામીમુરા કાઝુઓ, સુગીઉરા હિનાકો, ઇશોઇનોમોરી શોટારો, સમુરા હિરોકી, સાકુરા સાવા અને સેકી કોનોસુકે.

ત્રીજો ભાગ: એ માંગા લાઈક ઉકિયો-ઈ, ઉકિયો-ઈ લાઈક માંગા ગુબ્બારા, સાંકેતિક રેખાઓ, પેનલિંગ અને આંખના કદ જેવી માંગા તકનીકોનું અન્વેષણ કરે છે.

ચોથો ભાગ: એ હોકુસાઈ માંગા: શેર્ડ મેન્યુઅલ! હોકુસાઈનાં માંગાની રમતિયાળ બાજુ દર્શાવે છે. પ્રદર્શનમાં લોકો વિવિધ પ્રખ્યાત માંગા જોઈ શકે છે.

આ આંતરરાષ્ટ્રીય પ્રદર્શન અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે 21મી જાન્યુઆરીથી 2જી ફેબ્રુઆરી, 2023 સુધી દરરોજ બપોરે 12 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લુ રહેશે. તથા વધુ વિગતો માટે www.amaindia.org વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.

સ્થળ : અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન, એક્ઝિબિશન હોલ, વસ્ત્રાપુર, અમદાવાદ.
First published:

Tags: Ahmedabad news, Art exhibitions, Local 18