Home /News /ahmedabad /Government School: સરકારી શાળાનો ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા તૈયારી, AMC સ્કૂલબોર્ડે એક્શન પ્લાન તૈયાર કર્યો
Government School: સરકારી શાળાનો ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા તૈયારી, AMC સ્કૂલબોર્ડે એક્શન પ્લાન તૈયાર કર્યો
ફાઇલ તસવીર
મ્યુનિસિપલ શાળાઓમાં ધોરણ 8 સુધીનું જ શિક્ષણ હોવાના કારણે કેટલાક વિદ્યાર્થીઓ એવા છે જેઓ કોઈને કોઈ કારણસર શાળાએ જવાનું છોડી દે છે. ત્યારે આવા વિદ્યાર્થીઓને ફરી શાળા તરફ વાળવા માટે અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે.
અમદાવાદઃ શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલબોર્ડ હસ્તકની શાળાઓમાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ઉત્તમ શિક્ષણ પ્રાપ્ત થાય તેવી કામગીરી કરવામાં આવી રહી છે. જો કે, મ્યુનિસિપલ શાળાઓમાં ધોરણ 8 સુધીનું જ શિક્ષણ હોવાના કારણે કેટલાક વિદ્યાર્થીઓ એવા છે જેઓ કોઈને કોઈ કારણસર શાળાએ જવાનું છોડી દે છે. ત્યારે આવા વિદ્યાર્થીઓને ફરી શાળા તરફ વાળવા માટે અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે. આ માટે સ્કૂલબોર્ડ દ્વારા એક્શન પ્લાન પણ તૈયાર કર્યો છે.
અનેક કારણોસર વિદ્યાર્થીઓ ભણતર છોડે છે
અમદાવાદમાં 350થી વધુ મ્યુનિસિપલ સ્કૂલમાં 18 હજારથી વધુ બાળકો ધોરણ 8માં અભ્યાસ કરી રહ્યાં છે. જો કે, કોઈને કોઈ કારણસર અમુક વિદ્યાર્થીઓ ધોરણ 8 પછી ભણવાનું છોડી દેતા હોવાનું તંત્રના ધ્યાને આવ્યું છે. જેમાંનું એક કારણ એવું પણ ધ્યાને આવ્યું છે કે, વિદ્યાર્થીઓ મ્યુનિસિપલ શાળાઓમા ધોરણ-નવના વર્ગની વ્યવસ્થાના અભાવથી શિક્ષણ અધૂરું મૂકી દેતા હોય છે. જેને ધ્યાનમાં લઈને અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જે માટે હવે નવા વર્ગ વધારવા અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.
મ્યુનિસિપલ શાળાઓમાં ધોરણ નવના વર્ગો જૂન 2023થી શરુ કરવા અંગે મંજૂરી આપવા મુખ્યમંત્રી સમક્ષ લેખિત રજૂઆત કરવામા આવી છે. હાલમાં મ્યુનિસિપલ સ્કૂલબોર્ડ હસ્તકની 350 શાળાઓમા 18,712 જેટલા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ શાળાઓમાં ધોરણ આઠ સુધીના જ વર્ગ હાલમાં ચલાવવામાં આવી રહ્યા છે.
આ શાળાઓનું સંચાલન સરકારી સ્કૂલ બોર્ડને સોંપવા વિચારણા
શહેરમાં એક સમયે અસ્તિત્વ ધરાવતી માધ્યમિક શાળા શિક્ષણ સમિતિ હસ્તકની પાંચ શાળાઓ જેમાં મણિનગર મ્યુનિસિપલ ગુજરાતી માધ્યમિક શાળા ઉપરાંત મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલ ઉપરાંત અસારવા મ્યુનિસિપલ ગુજરાતી માધ્યમમિક શાળા, બાપુનગર મ્યુનિસિપલ હિન્દી શાળામાં ધોરણ નવ અને દસ તથા રખિયાલ મ્યુનિસિપલ ઉર્દૂ શાળા ખાતે ધોરણ નવથી બાર સુધીના ચાલતા વર્ગમાં 35 લોકોના શૈક્ષણિક સ્ટાફ સાથે 1140 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ શાળાઓનું સંચાલન અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડને સોંપવા અને મ્યુનિસિપલ શાળાઓમા ધોરણ નવના વર્ગ શરુ કરવા અંગે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોના જણાવ્યા અનુસાર, શાળાઓ સ્કૂલબોર્ડ હસ્તક સોંપવાની સાથે મ્યુનિસિપલ શાળાઓમાં નવા વર્ગ શરુ કરવા રાજ્ય સરકાર મંજૂરી આપે તો મ્યુનિસિપલ શાળાઓ પાસે તો બિલ્ડિંગ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. મ્યુનિસિપલ શાળાઓમાં નવા વર્ગ શરુ કરવાની મંજૂરી મળશે તો હાલમાં જે ડ્રોપઆઉટ રેશિયો છે તેમાં ચોક્કસથી ઘટાડો થશે. મહત્વનું છે કે, જો સરકાર મંજૂરી આપે તો જૂન 2023થી અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડ હસ્તકની શાળાઓમા ધોરણ નવના વર્ગ શરુ કરી શકાય એમ છે. જેથી મુખ્યમંત્રી પાસે આ મામલે લેખિતમાં મંજુરી માંગવામાં આવી છે.