અમદાવાદ: પોલીસ સાથે માસ્કનો મેમો (Fine for not wearing Mask) ભરવા બાબતે વધુ એકવાર ઘર્ષણ થયું હોવાનું કિસ્સો સામે આવ્યો છે. પોલીસે એક કાર રોકી હતી. કારમાં સવાર યુવકે માસ્કન પહેર્યું હોવાથી પોલીસે તેને દંડ ભરવા માટે કહ્યું હતું. જે બાદમાં યુવકે હૉસ્પિટલ (Hospital)થી આવ્યો હોવાનું કહીને પોલીસ સાથે બબાલ કરી હતી. જે બાદમાં પોલીસને રૂપિયા મફત નથી આવતા કહીને ટ્રાફિક બૂથ (Traffic booth)માં તોડફોડ કરીને પોલીસને લાફો ઝીંકી દીધો હતો. સમગ્ર મામલે વાડજ પોલીસ સ્ટેશન (Vadaj police station)માં ગુનો નોંધાતા પોલીસે યુવકની અટકાયત કરી હતી.
શહેરના બી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ધરમવીરભાઈ તેમની સાથે રહેલા અન્ય પોલીસકર્મીઓ સાથે ફરજ પર હતા. અખબારનગર સર્કલ પાસે તેઓ ટ્રાફિક નિયમનની સાથે સાથે માસ્ક ન પહેરનાર સામે કાર્યવાહી કરી રહ્યા હતા. ત્યારે તેમણે એક કારને રોકી હતી. કારમાં બેઠેલા લોકોને માસ્ક ન પહેરવા બાબતે પૂછતાં તેઓએ જણાવ્યું કે હૉસ્પિટલથી આવતા હોવાથી તેઓએ માસ્ક પહેર્યું નથી.
બાદમાં કારમાં રહેલા યુવકે તેના પિતા સાથે પોલીસને ફોન પર વાત કરાવી હતી. આ દરમિયાન યુવક આવેશમાં આવી ગયો હતો. ટ્રાફિક બૂથ પોલીસ જ્યારે મેમો બનાવી રહી હતી ત્યારે યુવકે પૈસા ન હોવાનું કહેતા તેને ગૂગલ પે પર એક હજાર દંડ ભરવાનું જણાવવામાં આવ્યું હતું.
આ દરમિયાન ટ્રાફિક બૂથમાં હાજર યુવકે આવેશમાં આવીને પોલીસને કહ્યુ હતુ કે, રૂપિયા મફતમાં નથી આવતા. આમ કહીને ટ્રાફિક બૂધમાં તોડફોડ કરી હતી અને પોલીસને લાફો ઝીંકી દીધો હતો. આ અંગે વાડજ પોલીસ સ્ટેશનમાં મીરાજ ત્રિવેદી અને તેમની સાથે રહેલા હેતલબેન ત્રિવેદી સામે ફરિયાદ નોંધાવી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.