અમદાવાદ: શહેરમાં દિવસેને દિવસે હત્યા લૂંટ (Loot) અને જાહેરમાં છેડતીના બનાવો બની રહ્યા છે. પોલીસ (Ahmedabd Police) માત્ર કાગળ પર સ્કીમો બનાવી ઘોડા દોડાવી રહી છે અને ગુનેગારો ખુલ્લેઆમ ગુનાને અંજામ આપી રહ્યા છે. વાસણા વિસ્તારમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક યુવતીને તેના પ્રેમીએ રસ્તામાં રોકી હતી અને જાહેરમાં ફટકારી હતી. યુવતીનો ગુનો માત્ર એટલો હતો કે તેણી પ્રેમીના કહેવાથી ઊભી રહી ન હતી. સમગ્ર મામલે વાસણા પોલીસે (Vasana Police) ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મૂળ રાજસ્થાનની અને હાલ અમદાવાદના ચંદ્રનગર વિસ્તારમાં રહેતી 28 વર્ષીય યુવતી તેની મિત્ર સાથે રહે છે. એકાદ વર્ષથી તેને અંકિત રાઠોડ (Ankit Rathod) નામના યુવક સાથે પ્રેમ સંબંધ છે. મંગળવારે આ યુવતી તેના કામથી તેના ઘરેથી લૉ ગાર્ડન જતી હતી. ત્યારે યુવતીના ઘર બહાર થોડે દૂર અંકિત વાહન પર બેઠો હતો. અંકિતે યુવતીને ઊભી રહેવા માટે કહ્યું હતું, પરંતુ યુવતી ઊભી ન રહેતા તે આવેશમાં આવી ગયો હતો.
યુવતી તેના ઘરે જવા લાગી હતી ત્યારે અંકિતે જાહેરમાં જ તેણીને ફટકારવાનું શરૂ કરી દીધું હતું. જાહેરમાં યુવતીને માર મારવાની ઘટના બનતા આસપાસ ના લોકો ભેગા થઈ ગયા હતા. બાદમાં યુવતીએ 181 હેલ્પલાઇન પર ફોન કર્યો હતો. યુવતીને પોલીસ સ્ટેશન લઈ જવાતા તેણીએ અંકિત સામે ફરિયાદ નોંધાવી છે. આ મામલે વાસણા પોલીસે તપાસ શરૂ કરી છે.
'મારી સાથે ફ્રેન્ડશીપ કરી લે, નહીં તો પરિણામ સારું નહીં આવે'
શહેરમાં યુવતીને ધમકી આપી હોવાનો એક બનાવ બે દિવસ પહેલા બન્યો હતો. જેમાં ફ્રેન્ડશીપ કરવાની ધમકી આપનાર યુવક સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં (Ahmedabad Police) ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે કે વર્ષ 2015થી યુવક સગીરાનો પીછો કરતો હતો. આ અંગે સગીરાના પિતાએ સમજાવતા થોડો સમય યુવક સુધર્યો પણ ફરીથી પીછો શરૂ કર્યો હતો.
આ કેસની વિગત એવી છે કે, શહેરના દાણીલીમડા વિસ્તારમાં (Danilimda Area Of Ahmedabad) 20 વર્ષીય યુવતી પોતાના પરિવાર સાથે રહે છે અને ટીવાયમાં અભ્યાસ કરે છે. 2015માં યુવતી શાહઆલમ ખાતે સ્કૂલમાં અભ્યાસ કરતી હતી ત્યારે તેની સાથે એક કિશોરી પણ અભ્યાસ કરતી હતી. જેનો મિત્ર મારૂફ રંગરેજ તેણીને અવારનવાર મળવા માટે આવતો હતો. આ દરમિયાન કિશોરીએ કોઇ કારણસર અભ્યાસ છોડી દીધો હતો અને સ્કૂલ આવવાનું બંધ કરી દીધુ હતુ. જોકે, મારૂફે સ્કૂલમાં આંટાફેરા ચાલુ રાખ્યા હતા.
કિશોરી ન હોવાથી મારૂફ આ યુવતી કે જ્યારે તે સગીર હતી તેને ફ્રેન્ડશીપ કરવા વારંવાર કહેતો હતો. જોકે, ભોગ બનનારે ના પાડી દીધી હતી. છતાય મારૂફ ત્યા આવતો અને યુવતીને ફ્રેન્ડશીપ કરવાનું કહી પાછળ પાછળ જતો હતો. ધો-10માં અભ્યાસ પૂર્ણ બાદ આ યુવતીએ બીજી સ્કૂલમાં અભ્યાસ ચાલુ કર્યો હતો. આમ છતા મારૂફ ત્યાં પણ પાછળ આવતો હતો અને ફ્રેન્ડશીપ કરવા દબાણ કરતો હતો.
આ દરમિયાન ગત તા. 1 જાન્યુ.ના રોજ યુવતી પરીક્ષા આપી પોતાનું વાહન લઇ ઘરે આવતી હતી. ત્યારે મારૂફે પીછો કર્યો હતો. જેથી યુવતીએ પીછો ન કરવા કહેતા મારૂફે જણાવ્યું હતું કે, 'તું મારી સાથે ફ્રેન્ડશીપ કરી લે, નહીંતર પરિણામ સારુ નહીં આવે. હું તને જાનથી મારી નાખીશ.'