અમદાવાદ : શહેરના સાબરમતી પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ તેની સાસુ અને પતિ સામે ફરિયાદ નોંધાવી છે. શીતળા સાતમના દિવસે સાસુએ ચા પીવાનું કહેતા મહિલાએ સાતમ હોવાથી ગેસ નહીં સળગાવે એમ કહેતા સાસુએ તેની સાથે ઝઘડો કરી અને તેના પતિએ માર માર્યો હતો. બાદમાં પતિએ પત્નીના શરીરના ગુપ્ત ભાગમાં મરચું નાખી તેને સોટી વડે માર પણ માર્યો હતો. તહેવાર હોવાથી વધુ ઝઘડો ન થાય તે માટે મહિલા શાંત રહી હતી. પરંતુ બાદમાં તેણે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
શહેરના સાબરમતીમાં રહેતી ૨૩ વર્ષીય યુવતી તેના પતિ સાસુ સાથે રહે છે. આ મહિલાને પુત્રનો જન્મ થયા બાદ તેનો પતિ અને સાસુ અવારનવાર ત્રાસ આપતા હતા અને ઝઘડો કરતા હતા. જેથી આ મહિલા અનેક વખત તેના પિયરમાં પણ જતી રહી હતી. શીતળા સાતમના દિવસે આ મહિલા તેના ઘરે હાજર હતી ત્યારે તેના સાસુ બહારથી આવ્યા હતા અને તેમણે જણાવ્યું કે, તું ચા પી લે. જેથી આ મહિલાએ કહ્યું કે, આજે શિતળા સાતમ હોવાથી ગેસ સળગાવશે નહીં. જેથી મહિલાની સાસુ ઉશ્કેરાઇ ગઇ હતી તેનો પતિ હાજર હોવા છતાં તેને કઈ બોલ્યો ન હતો.
જોકે તહેવાર હોવાથી વધુ ઝઘડો ન થાય એ માટે આ મહિલા નજીકમાં આવેલી ચાની કીટલી ઉપર જઈને બેસી ગઈ હતી. ત્યાં શાકભાજીની લારીવાળી મહિલા સાથે ઉભી રહી હતી અને થોડો સમય પસાર કર્યા બાદ તેનો પતિ અને સાસુ બંને આવ્યા હતા. ત્યારે મહિલા રિક્ષામાં બેસવા જતા તેને પકડી તેના પતિએ તેને પથ્થર માર્યો હતો અને પકડીને ઘરે લઈ ગયો હતો.
આટલું જ નહીં ઘરે લઇ ગયા બાદ મહિલાના ગુપ્ત ભાગે મરચું નાખ્યું અને દરવાજો બંધ કરી દીધો હતો અને તેની સાસુએ તેના દીકરાને સોટી આપી અને તેની પત્નીને મારવાનું કહેતા પતિએ સોટી વડે માર માર્યો હતો.
આ પણ જુઓ -
મહિલાને ઇજાઓ પહોંચતાં તેને શારદાબેન હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસને જાણ થતાં સાબરમતી પોલીસે આ મામલે મહિલાની સાસુ અને પતિ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.