અમદાવાદ: પતિ-પત્ની (Husband-Wife) વચ્ચે જ્યારે કોઈ ત્રીજી મહિલાનો પ્રવેશ થાય ત્યારે લગ્ન જીવન (Marriage life) ભંગાણના આરે પહોંચી જાય છે. આવો એક બનાવ શહેરના બોપલ વિસ્તાર (Bopal area)માં જોવા મળ્યો છે. 'તું મને ગમતી નથી. તારે હાલ જ બંને બાળકોને લઈને જ્યાં જવું હોય ત્યાં જતી રહે.' જેવા શબ્દો કહીને એક પતિએ તેની પત્નીને લોખંડના પાઈપથી ફટકારી હતી. આ મામલે હાલ પોલીસે વધારે તપાસ શરૂ કરી છે. આ કેસમાં પતિએ તેની પત્ની પર એવો અમાનુષી અત્યાચાર ગુજાર્યો હતો કે સાંભળીને જ રુંવાડા ઊભા થઈ જાય.
બનાવની વિગતે વાત કરીએ તો હાલમાં સોલા વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે લગ્નજીવનથી તેને એક દીકરો અને એક દીકરી છે. લગ્ન બાદ વર્ષ 2018માં તેઓ અદાણી શાંતિગ્રામ ટાઉનશિપમાં રહેવા માટે ગયા હતા. આ સમયે તેના પતિને એક યુવતી સાથે પ્રેમ સંબંધ થઈ ગયો હતો. જેથી તેના પતિ અવારનવાર આ વાતને લઈને ઝઘડો કરી તેણીને માર મારતા હતા.
નવેમ્બર 2019માં પરિણીતા તેના બંને બાળકો સાથે ઘરે ઊંઘી રહી હતી ત્યારે મોડી રાત્રે તેનો પતિ, તેમજ સાસુ-સસરા ઘરે આવ્યા હતા. જ્યાં તેના પતિએ તેણી કહ્યું કે, "તું મને ગમતી નથી. તારે હાલ જ બંને બાળકોને લઈને જ્યાં જવું હોય ત્યાં જતી રહે." જોકે, પરિણીતાએ જવાની ના પાડતા જ તેનો પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને લોખંડની પાઇપથી પરિણીતાએ સિઝેરિયન ઓપરેશન કરાવ્યું હતું તે ભાગ પર માર માર્યો હતો. આ ઉપરાંત પેટના ભાગે લાતો મારી હતી.
આ સમયે તેના સાસુ-સસરાએ પરિણીતાને પકડી રાખી હતી. જેથી મહિલાના ટાંકા પણ તૂટી ગયા હતા. આ મામલે પરિણીતાએ સમગ્ર ઘટનાની જાણ તેના પિતાને કરતા તેઓએ પ્રાથમિક સારવાર કરાવી હતી. જોકે, બાદમાં સમાજના આગેવાનોને સાથે રાખીને સમાધાન થતાં પરિણીતા ફરી તેના પતિ સાથે રહેવા લાગી હતી.
જોકે, તેનો પતિ સુધર્યો ન હતો અને આવું વર્તન કરવાનું ચાલુ જ રાખ્યું હતું. આ દરમિયાન પરિણીતાના પિતાને હાર્ટ એટેક આવતાં તેણી બાળકોને લઈને ખબર કાઢવા માટે ગઈ હતી. આ સમયે પતિ ઘરના દરવાજે લોક મારીને જતો રહ્યો હતો. સાથે જ પરિણીતાને કહ્યું હતું કે, મેં તને ઘરમાંથી કાઢી મૂકી છે. આ મામલે પતિ અને સાસુ-સસરાના ત્રાસથી કંટાળી પરિણીતાએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.