અમદાવાદઃ શહેરમાં રહેતી અને સરકારી નોકરી કરતી એક મહિલાએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. આ મહિલાના લગ્ન બાદ તેની સાસુ કામ બાબતે બોલાચાલી કરી ઝગડો કરતી હતી. મહિલાએ દીકરીને જન્મ આપતા તેની સાસુને ગમ્યુ નહોતુ અને તે બાબતે પણ સાસુ ત્રાસ આપતી હતી. પતિ પણ અલગ-અલગ બાબતોને લઇને આ મહિલાને ત્રાસ આપવાની સાથે માર મારતો હતો. જ્યારે મહિલાના દિયરના લગ્ન હતા ત્યારે સાસરિયાઓએ તેને લગ્નમાં ન બોલાવી પણ મહિલાના પતિની પ્રેમિકાને બોલાવી હતી. આ બધી બાબતોથી કંટાળીને મહિલાએ પોલીસ ફરિયાદ આપતા હવે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
તારા માતા-પિતાએ કંઇ શીખવાડ્યું નથી, તેમ કહી અપમાનિત કરતા
મુળ રાજસ્થાનની અને હાલ વસ્ત્રાલમાં રહેતી 33 વર્ષીય મહિલા સરકારી કચેરીમાં ક્લાર્ક તરીકે નોકરી કરે છે. વર્ષ 2013માં આ મહિલાના લગ્ન રાજસ્થાનના યુવક સાથે થયા હતા. લગ્ન થયાના બે મહિના સુધી સાસરિયાઓએ સારૂ વર્તન કરી મહિલાને સારી રીતે રાખી હતી. બાદમાં ઘરના કામ બાબતે ભૂલો કાઢી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું અને તારા માતા-પિતાએ કંઇ શીખવાડ્યું નથી, તેમ કહી અપમાનિત કરતા હતા. મહિલા તેના પતિને આ બધા ત્રાસ બાબતે વાત કરે તો તેનો પતિ પણ તેની વાતની અવગણના કરતો હતો. મહિલાને ગર્ભ રહ્યો ત્યારે પણ તેના સાસરિયાઓ ખર્ચો બચાવવા માટે તેને પિયર મોકલી દીધી હતી.
મહિલાએ દીકરીને જન્મ આપ્યો તે વાત પણ તેની સાસુને ગમી નહોતી. એક દિવસ દીકરીને દૂધ આપવા માટે મહિલાએ તેની સાસુને કહ્યું તો તેની સાસુએ ઘરમાં દૂધ હોવા છતાંય દૂધ ન હોવાનું કહ્યું હતું. જે બાબતે મહિલાને સાસુ સાથે ઝગડો થતાં અન્ય સાસરિયાઓએ મહિલાનો વાંક કાઢી તેની સાથે બબાલ કરી હતી. જ્યારે દિયરે આવી તારી જીભ બહુ ચાલે છે, તેમ કહી કેરોસીન લઇ આવી જીવતી સળગાવી દેવાની ધમકી આપી હતી. લગ્નના બે વર્ષ બાદ બીજી નોકરીએ મહિલાનો પતિ લાગ્યો અને ત્યારે મહિલાના એફડીના નાણા માગ્યા હતા. જે નાણા મહિલાએ આપવાની મનાઇ કરતા પતિએ તેને મારી હતી.
લગ્નમાં સાસરિયાઓએ મહિલાને બોલાવી નહીં
મહિલાની સાસુએ પણ મહિલાના ભાઇને ફોન કરીને તમારી બહેન અને ભાણીનો ખર્ચ વધારે થાય છે ખર્ચો મોકલી આપો અથવા લઇ જાવ, તેમ કહેતા યુવતી તેના પિયર આવી ગઇ હતી. મહિલાને સરકારી નોકરી લાગતા પતિ સાથે અન્ય જગ્યાએ રહેવા ગઇ ત્યાં પતિને બીજી નોકરી લાગતા એક ઓળખીતી સ્ત્રી પણ તેની સાથે નોકરી કરતી હતી. બે-એક વર્ષ બાદ મહિલાના દિયરના લગ્ન હતા ત્યારે સાસરિયાઓએ આ મહિલાને બોલાવી નહોતી પણ મહિલાના પતિ સાથે નોકરી કરતી સ્ત્રીને આમંત્રણ આપ્યું હતું. આમ ઘણા સમયથી અલગ-અલગ પ્રકારનો ત્રાસ આપનાર સાસરિયાઓથી કંટાળીને મહિલાએ ફરિયાદ આપતા હવે મહિલા પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.