Home /News /ahmedabad /અમદાવાદઃ 'સાહેબ, મારો પતિ બેડરૂમમાં આવતો નથી, અન્ય સ્ત્રીઓ સાથે પાર્ટીઓ કરે છે'
અમદાવાદઃ 'સાહેબ, મારો પતિ બેડરૂમમાં આવતો નથી, અન્ય સ્ત્રીઓ સાથે પાર્ટીઓ કરે છે'
પતિ તેની પત્નીને ઘરમાંથી નીકળી જવા સતત દબાણ કરતો હતો.
Ahmedabad Crime: યુવતીના લગ્નના બે જ વર્ષમાં ભંગાણ પડ્યું, યુવતીનો પતિ દર શુક્રવારે મિત્રો સાથે જયપુર જવાનું કહી દિલ્હી જતો રહેતો અને ત્યાંથી અન્ય સ્ત્રીઓ સાથે ફરવા જતો, પાર્ટી કરતો હતો
અમદાવાદઃ શહેરમાં રહેતી એક યુવતીના લગ્નના બે જ વર્ષમાં ભંગાણ પડ્યું હોવાનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. યુવતીની સાસુ તેને કામ બાબતે અને અન્ય બાબતોને લઇને ત્રાસ આપતી હતી. સાથે તેનો પતિ પણ તેને ત્રાસ આપતો હતો. યુવતી તેના પતિને કોઇ વાત કરે તો તેનો પતિ સાંભળતો નહીં અને તેને ઇગ્નોર કરતો હતો. યુવતીનો પતિ જયપુર મિત્રો સાથે દર શુક્રવારે જવાનું કહી દિલ્હી જતો અને અલગ-અલગ યુવતીઓ સાથે પાર્ટી કરી ફરવા જતો હતો. યુવતીને ફોન પણ તેનો પતિ ન કરતો અને તમામ સોશિયલ મીડીયા પર તેને બ્લોક કરી દેતો હતો. યુવતીનો પતિ બેડરૂમમાં પણ નહોતો જતો અને યુવતીને ઘરમાંથી નીકળી જવા સતત દબાણ કરતો હતો. આ બધી બાબતોથી કંટાળીને યુવતીએ અરજી આપી હતી. જે અરજી આધારે પોલીસે હવે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
લગ્નના છ મહિના બાદથી જ યુવતીને ત્રાસ અપાતો
શહેરના ઇસનપુરમાં રહેતી 29 વર્ષીય યુવતીના લગ્ન વર્ષ 2020માં થયા હતા. લગ્ન બાદ તે તેના સાસરે રહેવા ગઇ હતી. લગ્નના છ મહિના બાદથી સાસુએ ત્રાસ આપવાનું શરૂ કર્યુ અને યુવતી કોઇ પણ રસોઇ બનાવે તો તેની સાસુ કાચું બનાવ્યું છે, રસોઇ બનાવતા આવડતી નથી, તેમ કહીને બબાલ કરતી હતી. યુવતીની ફોઇ સાસુ પણ ત્યાં નજીક રહેતી હોવાથી આ યુવતીના સાસરે આવીને આને શું જોઇને લગ્ન કરાવ્યા છે, આને કંઇ આવડતું તો નથી, કહીને ઝઘડા કરાવતી હતી. યુવતી આ બધા ત્રાસથી કંટાળી મન હળવું કરવા પતિને વાત કરે તો પતિ પણ વાતો સાંભળતો નહીં અને બધું ઇગ્નોર કર, તેમ કહી વાતો ટાળી દેતો હતો. વર્ષ 2021માં યુવતીની તબિયત બગડતા સાસુએ સારવાર કરાવવાની જગ્યાએ આ તો પહેલેથી જ માંદી રહે છે, તેમ કહી ત્રાસ આપ્યો હતો.
યુવતીનો પતિ દર શુક્રવારે મિત્રો સાથે જયપુર જવાનું કહી દિલ્હી જતો રહેતો અને ત્યાંથી અન્ય સ્ત્રીઓ સાથે ફરવા જતો અને પાર્ટી કરતો હતો. જ્યારે આ યુવતી સાથે કોઇ પણ પ્રકારની વાતો કરતો નહોતો. જે વાત યુવતીએ તેના સસરા સહિતના લોકોને કરી તો તે લોકોએ આને પિયર મોકલી દો, કહીને ત્રાસ આપ્યો હતો. આટલું જ નહીં, યુવતીનો પતિ તો યુવતી સાથે વાત પણ નહોતો કરતો, બેડરૂમમાં પણ નહોતો જતો અને ઘરેથી નીકળી જવાનું કહી યુવતીને ત્રાસ આપતો હતો. યુવતીનો નંબર પણ તેના પતિએ બ્લોક કરી દીધો હતો. બાદમાં સામાજીક મિટીંગ મળી હતી. જેમાં યુવતીના પતિને સુધરવા છ મહિનાનો સમય જોઇશે, તેમ કહ્યા બાદ પણ તે તેની સાથે વાત નહોતો કરતો. જેથી યુવતીએ અલગ-અલગ એકાઉન્ટ સોશિયલ મીડિયા પર બનાવી પતિ સાથે વાત કરવા પ્રયાસ કર્યો પણ તેનો પતિ તેને બ્લોક જ કરી દેતો હતો. એક દિવસ પતિએ મને તારા પ્રત્યે કોઇ પ્રેમ કે લાગણી નથી, તું મારા જીવનમાંથી નીકળી જા, તેમ કહી યુવતીના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું.