અમદાવાદઃ શહેરમાં રહેતી એક યુવતીએ લગ્ન કર્યા અને બે જ માસમાં આપઘાત કરી લેતા પરિવારને માથે આભ ફાટી પડ્યું છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આ ઘટના બની છે. જ્યાં એક યુવતીએ લગ્ન કર્યા બાદ તેનો પતિ દારૂ પી તેની સાથે અવારનવાર ઝઘડા કરતો હતો. એક દિવસ પતિ સાથે સાળંગપુર દર્શન કરવા ગઇ ત્યારે તેના સસરાએ ફોન કરી તેમનો દીકરો દારૂ ન પીવે તેની બાધા લેવડાવવાનું કહ્યું હતું. આ વાતનું યુવતીને મનમાં લાગી આવ્યું હતું. યુવતીએ આ વાત તેના પિતાને પણ કરી હતી. યુવતીએ કહ્યુ હતુ કે, સસરા તેમના દીકરાને દારૂ પીવાનું બંધ કરાવી શકતા નથી અને આ બાબતે યુવતી સાથે તેના પતિએ રસ્તામાં ઝઘડો પણ કર્યો હતો તેવું. બાદમાં યુવતીએ તેના પતિના ત્રાસથી કંટાળી આપઘાત કરી લીધો હતો. જેથી યુવતીના પિતાએ આ મામલે ફરિયાદ આપતા પોલીસે જમાઇ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
શહેરના સરખેજમાં રહેતા 47 વર્ષીય આધેડ નારોલની એક કંપનીમાં નોકરી કરે છે. તેમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. દીકરીના વર્ષ 2023ના પહેલા માસમાં જ વેજલપુરમાં રહેતા એક યુવક સાથે લગ્ન કરાવ્યા હતા. તેમના જમાઇ સાણંદમાં ડોક્ટર તરીકે નોકરી કરે છે. લગ્ન બાદ આધેડની પુત્રી તેનો પતિ અવારનવાર દારૂ પીને ઝઘડા કરતો હોવાની વાત કરતી હતી. પરંતુ યુવતીના માતા-પિતા દીકરીનો સંસાર ન બગડે તે માટે સમજાવતા હતા અને શાંતિથી રહેવા જણાવતા હતા. થોડા દિવસ પહેલાં આ યુવતી તેના પિયર ગઇ હતી. ત્યારે તેના પતિનો ફોન આવ્યો અને યુવતી સાથે બોલાચાલી ઝઘડો કરતો હતો. બાદમાં આ યુવતીને પિયરમાંથી લેવા માટે તેનો પતિ આવ્યો હતો. સાળંગપુર દર્શન કરવા જઇએ છીએ તેમ કહી આધેડની પુત્રી અને જમાઇ દર્શન કરવા ગયા હતા. બાદમાં રાત્રે ઘરે યુવતીને ઉતારી તેનો પતિ ઘરે જતો રહ્યો હતો.
બીજા દિવસે યુવતીએ તેના પિતાને જણાવ્યું કે, તે સાળંગપુર દર્શન કરવા ગઇ ત્યારે તેના સસરાનો ફોન આવ્યો હતો. તેમનો દીકરો બહુ દારૂ પીવે છે તો તેને બાધા લેવડાવજે તેમ કહ્યું હતું. આ વાતનું યુવતીને ખોટું લાગ્યું હતું. સસરા તેમના દીકરાને દારૂ પીવાનું બંધ કરાવી શકતા નથી અને આ બાબતે યુવતી સાથે તેના પતિએ રસ્તામાં ઝઘડો પણ કર્યો હતો.
સસરાએ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો
ત્યારબાદ બીજા દિવસે આધેડ તેમની પત્ની સાથે માતાજીના દર્શન કરવા ગયા હતા. ત્યાંથી પરત આવતા હતા ત્યારે તેમના દીકરાનો ફોન આવ્યો હતો અને તેણે કહ્યું કે તેની બહેન રૂમમાં છે અને દરવાજો ખોલતી નથી અને કોઇ જવાબ પણ આપતી નથી. આ દરમિયાનમાં આધેડ ઘરે પહોંચ્યા અને જોયું તો તેમની દીકરીને ખાટલામાં સુવાડી હતી. તેમની દીકરીએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જમાઇના ત્રાસથી કંટાળી દીકરીએ આપઘાત કરી લેતા આધેડ પિતાએ આ મામલે જમાઇ સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે હાલ આ મામલે તપાસ શરૂ કરી છે.