અમદાવાદઃ શહેરમાં રહેતી અને શિક્ષક તરીકે નોકરી કરતી એક મહિલાએ તેની સાસુ અને પતિ સામે ફરિયાદ નોંધાવી છે. યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હોવાથી પહેલા તો તેની સાસુએ આ લગ્ન બાબતે નારાજગી દર્શાવી હતી, પણ બાદમાં તે લગ્ન સ્વીકારી તેને પુત્રવધુ તરીકે અપનાવી હતી. બાદમાં નાની બાબતોમાં બોલાચાલી કરી ઝઘડો કરી તેને પ્રેમ લગ્ન બાબતે મહેણા મારી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. બીજી તરફ, યુવતીના પતિને કોઇ અન્ય સ્ત્રી સાથે આડાસંબંધ હોવાથી તે પિયરમાં જતી રહી હતી અને પરત આવી ત્યારે પણ તેનામાં કોઇ સુધારો આવ્યો નહોતો. આખરે આ બાબતોથી કંટાળીને યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પતિ ઝઘડો કરી મારઝુડ કરતો હતો
શહેરના મેમનગરમાં રહેતી 30 વર્ષીય યુવતી આશરે છેલ્લા છ માસથી પિયરમાં માતા, ભાઈ-ભાભી તથા બાળકો સાથે રહે છે અને એક પ્રાઇવેટ શાળામાં શિક્ષક તરીકે નોકરી કરે છે. વર્ષ 2011માં આ યુવતીએ ભાડજમાં રહેતા એક યુવક સાથે પ્રેમ લગ્ન કરેલા હતા. જે લગ્નની જાણ આ યુવતી તથા તેના પતિના પરિવારને ન હતી. લગ્ન બાદ યુવતી દસેક દિવસ જેટલું પિયરમાં રોકાઇ હતી અને બાદમાં માતા-પિતાને કોઈ પણ જાણ કર્યા વગર પતિ સાથે જતી રહી હતી. બાદમાં તેના માતા-પિતાને આ લગ્નની જાણ થતાં તેના માતા-પિતાએ આ લગ્નની ક્ષણ તથા ખુશી માટે તેઓ આ લગ્નથી સહમત થયા હતા. પરંતુ યુવતીના સાસુ-સસરા અને જેઠ તેમના આ લગ્ન સાથે સહમત ન હોવાથી યુવતી તેના પતિ સાથે અલગ ભાડાના મકાનમાં રહી હતી. ત્યાર બાદ યુવતીવો પતિ સાસરે આવતો જતો હતો અને યુવતીની સાસુ તેમના દીકરાને ફોન કરીને ચઢામણી કરતાં યુવતીનો પતિ ઝઘડો તેમજ મારઝુડ કરતો હતો.
વર્ષ 2016માં યુવતીના સાસુ-સસરા તેના પિયરમાં આવી તેના લગ્ન સાથે સહમત થયા હતા. બાદમાં યુવતી તેના પતિ સાથે ભાડજ ખાતે આવેલા તેના સાસરે રહેવા ગઇ હતી. જ્યાં તેની સાસુ તથા પતિએ તેને ત્રણેક માસ સારી રીતે રાખી પણ બાદમાં સાસુ ઘરકામ બાબતે વાંક કાઢી ઝગડો કરતી હતી. યુવતીના લગ્ન બાબતે સતત મેણાં-ટોણાં સાસુ મારતી અને નાની-નાની બાબતોમાં ઝગડો કરી યુવતીને અપશબ્દો બોલતી હતી. યુવતીના પતિને અન્ય સ્ત્રી સાથે આડાસબંધ હોવાના કારણે તે બંને પતિ-પત્ની વચ્ચે વારંવાર ઝગડાઓ થતા હતા. જેથી તે યુવતી પિયરમાં બાળકો સાથે જતી રહી પણ બાદમાં સમાધાન થકી પરત સાસરે ગઇ હતી. છતાંય તેના પતિના સ્વભાવમાં સુધારો ન આવતા અને વારંવાર બોલાચાલી ઝગડો કરતો હતો. જેથી કંટાળીને યુવતી પિયરમાં આવી ગઇ અને બાદમાં પતિ તથા સાસુ સાથે સમાધાન કરવાના ઘણા પ્રયત્નો કર્યા હતા પરંતુ સાસુ અને પતિએ સમાધાન કર્યું નહોતું.
યુવતી સાસુ અને પતિના આ શારીરિક-માનસિક ત્રાસથી કંટાળીને પિયરમાં રહ્યા બાદ કોઇએ તેને ન બોલાવતા આખરે તેણે પોલીસનો સહારો લેતા મહિલા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.