ટ્રાફિકમાં ન અટવાઈ જાવ તે માટે અમદાવાદ ટ્રાફિક વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી
અમદાવાદ: IPL મેચ દરમિયાન ક્યો રોડ, ક્યારે રહેશે બંધ? ટ્રાફિકમાં ન અટવાઈ જાવ તે માટે અમદાવાદ ટ્રાફિક વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી, જાણો વૈકલ્પિક રૂટ
અમદાવાદ: શું તમે આગામી 31 માર્ચથી શરૂ થતી IPL 2023ની મજા માણવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જવાના છો? તો તમે ટ્રાફિકમાં ન અટવાઈ જાઓ તે માટે અમદાવાદ ટ્રાફિક વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જે માટે ખાસ એક્શન પ્લાન પણ બનાવ્યો છે. આપના માટે એ જાણવું જરૂરી છે કે જ્યારે અમદાવાદમાં મેચ હશે ત્યારે મેચ દરમિયાન કેટલાક રોડ બંધ રહેશે. ચાલો, જોઈએ કેવી છે ટ્રાફિક પોલીસની વ્યવસ્થા.
કેટલાક રૂટ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું
આગામી 31 માર્ચથી IPL 2023નો પ્રારંભ થઇ રહ્યો છે, ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આસપાસ ટ્રાફિક વ્યવસ્થા ન ખોરવાય તેને લઇ પોલીસ તંત્ર દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો છે. મેચ દરમિયાન 3 હજાર જેટલા પોલીસ જવાનોનો બંદોબસ્ત તૈનાત રહેશે. સાથે જ સ્ટેડિયમ જવાના રસ્તે ટ્રાફિકની સ્થિતિ ન સર્જાય તેને લઈને કેટલાક રૂટ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.
આ અંગે ટ્રાફિક DCP નીતા દેસાઈ જણાવે છે કે, એપ્રિલ તારીખ 9, 16, 25 અને 2, 7, 15 મેના રોજ મેચ મોટેરા સ્ટેડિયમ રમાવાની છે. 31 માર્ચથી શરૂ થનારી IPL મેચને લઈને શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જનપથ ટીથી મોટેરા સુધીનો રોડ બપોરે 2 વાગ્યાથી 12 વાગ્યા સુધી બંધ રહેશે. વાહનચાલકોએ ટ્રાફિક સમસ્યા ન સર્જાય માટે વૈકલ્પિક રૂટે જવાનું રહેશે. જેમાં જનપથ ટીથી વિસતથી ઓએનજીસી સર્કલથી તપોવન સર્કલ અવરજવર કરી શકશે.
રાત્રે 2.30 વાગ્યા સુધી દર 8થી 10 મિનિટે મેટ્રો આવશે
મેચ દરમિયાન 3 હજાર જેટલા પોલીસનો બંદોબસ્ત તૈનાત રહેશે. મેચને લઈને ટ્રાન્સપોર્ટેશનની વાત કરવામાં આવે તો તંત્ર દ્વારા બીઆરટીએસની સાંજના સમયની સ્ટેડિયમ સુધીની 29 બસો વધારી છે. મેટ્રોમાં રાત્રે 2.30 વાગ્યા સુધી દર 8થી 10 મિનિટે મેટ્રો આવવાની છે. આ ઉપરાંત ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમન માટે 1500 જવાનો ડિપ્લોય કરાયા છે. ઝોન 2ના ડીસીપી સફીહસને જણાવ્યું કે, 1600થી વધુ જવાનો લોકોની સલામતી માટે તૈનાત રહેશે. 5 ડીસીપી અને 10 એસીપી કક્ષાના અધિકારીઓ પણ ખડેપગે રહેશે. સ્ટેડિયમમાં સુરક્ષા માટે ખાનગી કંપનીની સિક્યુરિટીના 800 જવાનો તૈનાત રહેશે.