અમદાવાદ: પેસેન્જરોના સ્વાંગમાં બે ગઠીયાઓએ રિક્ષાચાલક અને તેના મિત્ર પર ઉપરાછાપરી પથ્થરના ઘા મારીને લોહીલુહાણ કરી નાખ્યાં હોવાની ઘટના સામે આવી છે. રિક્ષાચાલકે બે ગઠીયાઓને કાલુપુર રેલવે સ્ટેશનથી બેસાડીને દાણીલીમડા આરવી ડેનીમ સુધી મુકવા માટે ગયો હતો. જ્યાં ડમ્પીંગ સાઇટ આવી ગઇ હોવાથી ચાલકે બન્ને પેસેન્જરોનો ઉતરી જવાનું કહ્યુ હતું પરંતુ આરોપીઓ ગુસ્સે થઈ ને હુમલો કરી નાખ્યું.
બે ગઠીયાઓએ દાણીલીમડા આરવી ડેનિમ પાસે જવાનું કહ્યુ હતું
દાણીલીમડા વિસ્તારમાં આવેલા રામરહીમના ટેકરામાં રહેતા અને રિક્ષા ડ્રાઇવીંગ કરીને પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવતા ઇદરીશ શાહે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ મારામારીની ફરિયાદ કરી છે. ગઇકાલે રાતે ઇદરીશ કાલુપુર રેલવે સ્ટેશન પાસે પેસેન્જરોની રાહ જોઇને ઉભો હતો ત્યારે બે શખ્સો તેની પાસે આવ્યા હતા અને દાણીલીમડા આરવી ડેનિમ પાસે જવાનું કહ્યુ હતું. ઇદરીસે બન્ને પેસેન્જરને બેસાડી દીધા હતા જ્યારે નારોલ પાસે તેણે તેના મિત્ર હસનને બેસાડી દીધો હતો. આરવી ડેનિમ પાસે રીક્ષા આવી ત્યારે ઇદરીશે બન્ને પેસેન્જરોનો ઉતરી જવાનું કહ્યું હતું. જોકે, થોડેક દૂર જવાનું હોવાથી ઇદરીશ તેમને આરવી ડેનિમની ગલીમાં અંદર અડધો કિલોમીટર દૂર લઇ ગયો હતો.
ડમ્પીંગ સાઇટ આવી ગઇ હોવાના કારણે ઇદરીશે બન્ને પેસેન્જરોને ઉતરી જવાનું કહ્યું હતું. બન્ને પેસેન્જરો ઇદરીશ પર ઉશ્કેરાઇ ગયા હતા અને રિક્ષાની નીચે ઉતરીને મારવા લાગ્યા હતા. પેસેન્જરોના સ્વાંગમાં બેઠેલા ગઠીયાઓએ ઇદરીશના માથામાં ઉપરાછાપરી પથ્થર મારવાનું શરૂ કરી દીધુ હતું. જ્યારે ઇદરીશા મિત્ર હસનના માથામાં પણ પથ્થરમારીને તેમને ઇજાગ્રસ્ત કરી દીધા હતા. ઇદરીશ અને હસન પર હુમલો કરીને બન્ને પેસેન્જર યુવક નાસી ગયા હતા. ઇદરીશ યેનકેન રીતે હસનને લઇને હોસ્પિટલ પહોચ્યો હતો. ઘટનાની જાણ દાણીલીમડા પોલીસને થતાં તેઓ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગયા હતા અને બે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.