અમદાવાદ: અમદાવાદ (Ahmedabad)માં હવે તમે તમારી કારમાં એકલા જતા હો અને માસ્ક (Mask) નહીં પહેર્યું હોય તો પોલીસ તમને પકડશે અને માસ્ક ન પહેરવાનો દંડ ફટકારશે. બુધવારે માટે ખાસ ડ્રાઇવ પર ચલાવવામાં આવી હતી. આ દરમિયાન ટ્રાફિક પોલીસે (Ahmedabad traffic police) કારમાં એકલા જતાં અનેક લોકોને દંડ્યા હતા. અમદાવાદ પોલીસ કમિશનર (Ahmedabad police commisioner)ના જાહેરનામા બાદ અમદાવાદીઓ ખૂબ પરેશાન છે. ટ્રાફિક પોલીસના હાથ દંડાયેલા અનેક લોકો એવા પણ છે જેમને આ જાહેરનામા વિશે ખબર જ ન હતી!
આ જ કારણ છે કે દર ચાર રસ્તે તમને લોકો અને ટ્રાફિક પોલીસ વચ્ચે માથાકૂટ ચાલી રહી હોવાના દ્રશ્યો જોવા મળશે. આ અંગે જાણવા ન્યૂઝ18ની ટીમ ટ્રાફિકથી ધમધમતા અમદાવાદના યુનિવર્સિટી ચાર રસ્તા પર પહોંચી હતી. આ વિસ્તાર સવાર, બપોર કે પછી સાંજ હોય, હંમેશા ટ્રાફિકથી ધમધમતો રહે છે. અહીં જોવા મળ્યું કે પોલીસના નવા જાહેરનામાને કારણે અનેક લોકો દંડાઈ રહ્યા છે. અહીં દરરોજ લોકો અને ટ્રાફિક પોલીસ વચ્ચે માથાકૂટ થાય છે.
આ દરમિયાન અમદાવાદના નવરંગપુરામાં રહેતા ઋત્વિક ભંડારી ટ્રાફિક પોલીસની ઝપટે ચડી ગયા હતા. ઋત્વિક ભંડારીના કહેવા પ્રમાણે બુધવારે બપોરે 1.30 કલાકે તેઓ મુંબઈથી અમદાવાદ આવ્યા હતા. તેમનું કહેવું હતું કે અમદાવાદ અને ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં શું બન્યું તેની તેમને ખબર નથી. જૂના નોટિફિકેશન પ્રમાણે તેઓ માસ્ક વગર એકલા ગાડીમાં નીકળ્યા હતા. આ કારણે તેમણે 1,000 રૂપિયા દંડ ભરવો પડ્યો હતો.
ફરજ પરના ટ્રાફિક જવાન ઋત્વિક ભંડારીને વાત સમજી ન શકતા તેમણે ટ્રાફિક PI એ. એમ. રાઠોડ સાથે ફોન પર વાત કરી હતી. PIએ તેમને નવો નિયમ સમજાવી ગાડી જપ્ત કરવાની પણ વાત કરી હતી. આ અંગે ઋત્વિક ભંડારીએ કટાક્ષમાં કહ્યું કે, ગાડીમાં એક નહીં 10 માસ્ક પડ્યાં છે પરંતુ નવું જાહેરનામું કેમ બહાર પડ્યું એ તો સમજાવો? આવી વાત સાંભળીના પોલીસકર્મીઓ ચૂપ થઈ ગયા હતા.
વધુમાં ઋત્વિક ભંડારીએ જણાવ્યું હતું કે, રોજ નવાં નવાં જાહેરનામા બહાર પડે છે. ગૃહ મંત્રાલય જે કહેતી જાય છે એ કરતા જઈએ છીએ પણ એક નાગરિક તરીકે કહું તો આ બધું ખોટું થઈ રહ્યું છે. જો આવું ને આવું રહ્યું તો સામાન્ય નાગરિક અમદાવાદ શહેરમાં રહેવા માટે મુશ્કેલી અનુભવશે. આ વેદના ફક્ત ઋત્વિક ભંડારીની નથી. અનેક એવા અમદાવાદીઓ છે જેઓ એકલા ગાડી લઈને ફરી રહ્યા છે, તેમને ખબર નથી કે હવે કારમાં એકલા હો તો પણ માસ્ક પહેરવું ફરજિયાત છે. પોલીસ કમિશનરના નવા જાહેરનામા બાદ દરરોજ ટ્રાફિક પોલીસ અને કાર ચાલકો વચ્ચે માથાકૂટ થાય છે.