અમદાવાદઃ શહેરના વાસણા વિસ્તારના ખોડિયાર નગરના મદ્રાસી મંદિર પાસે કૂતરા પર હુમલો કરનાર વિરુદ્ધ કાયદાકીય કલમ લગાવીને પોલીસે તપાસ શરુ કરી છે. વાસણામાં કૂતરા પર હુમલો કરનારા યુવક સામે ઈ.પી.કોની કલમ 428 તથા પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ 11(1)(a) મુજબ ફરિયાદ કરવામાં આવી છે.
વાસણામાં રહેતા સોનલબેન વ્યાસ લોકગાયિકા છે અને પશુપ્રેમી પણ છે. તેમણે 23મી માર્ચ 2023ના રોજ સવારના સમયે કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઝંખના શાહને ફોન કરીને જણાવ્યું હતું કે, ‘એક વ્યક્તિ શ્વાનના મોઢાના ભાગ પર લાકડીઓથી માર મારે છે, સતત 15 ફટકાના મારને કારણે શ્વાનનું જડબું તૂટી ગયું છે. શ્વાનને તાત્કાલિક મેડિકલ હેલ્પની જરુર લાગે છે.’ આ ફોન આવતાં જ એનજીઓ દ્વારા ઈજાગ્રસ્ત શ્વાનને સારવાર માટે પાંજરાપોળ વિસ્તારમાં આવેલી જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટમાં લઈ જવામાં આવ્યો અને સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. હાલ શ્વાનની હાલ અત્યંત નાજુક છે. જડબું તોડી નાંખ્યું હોવાથી શ્વાન ખાઈ શકતો નથી.
સોનલબેને કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઝંખના શાહ પ્રાણીઓ પર થતા અત્યાચાર રોકવા અંગેની કામગીરી કરે છે. એમના સહયોગથી 24/03/2023ના રોજ વાસણા પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ ફરિયાદ કરતા જાણવા મળ્યું હતું કે, આ યુવકનું નામ મિથુન ઉર્ફે મિતુ રાવળ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે યુવક પીધેલી હાલતમાં હોવાને કારણે શ્વાન પર પોતાનો ગુસ્સો ઉતારતો હતો. તેના વિરુદ્ધમાં ઈ.પી.કોની કલમ 428 તથા પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ 11(1)(a) મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અગાઉ પણ ગલુડિયાં પર હુમલો થયો હતો
8થી 9 મહિના પહેલાં વાસણા વિસ્તારમાં એક મહિલા દ્વાર ગલુડિયાંને માર મારવામાં કિસ્સો સામે આવ્યો હતો. આ ઘટના અંગે વાસણા પોલીસ સ્ટેશન ફરિયાદ કરવામાં આવી હતી.