અમદાવાદઃ શહેરના વાડજ વિસ્તારમાં પરિણીતાને દહેજ માટે શારીરિક અને માનસિક ત્રાસ આપવાની ઘટના સામે આવી છે. તેટલું જ નહીં, કેરોસિન છાંટીને સળગાવવાની ધમકી આપી હતી. પરિણીતાને કહ્યુ હતુ કે, ‘તારા બાપાએ લગ્ન વખતે કાંઇ આપ્યું નથી. તું ઘરની નોકરાણી છે અને તને નોકરની જેમ રાખવાની છે. આ ઉપરાંત મારે ફેક્ટરીમાં રૂપિયાની જરૂર છે, જેથી તું તમારા બાપા પાસેથી એક કરોડ રૂપિયા લઇ આવ અને જો નહીં લાવે તો તને છૂટાછેડા આપી દઇશ.’
સાસુ-સસરા ગાળો બોલતા હતા
મળતી માહિતી પ્રમાણે, નવા વાડજ વિસ્તારમાં રહેતી એક મહિલાએ વાડજ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, લગ્નના બે ત્રણ મહિના સુધી તેના સાસરિયાએ તેને સારી રીતે રાખી હતી. ત્યારબાદ તેનો પતિ અવારનવાર તેની સાથે મારઝૂડ કરતો હતો અને મેણા ટોણાં મારતો હતો કે, ‘તું ઘરની નોકરાણી છે, તને નોકરની જેમ રાખવાની છે.’ જ્યારે તેનો પતિ તેને કહેતો કે, ‘મારે ફેક્ટરીમાં રૂપિયાની જરૂર છે, જેથી તું તારા બાપા પાસેથી એક કરોડ રૂપિયા રોકડા લઈ આવ અને જો તું રૂપિયા નહીં લાવે તો તને છૂટાછેડા આપી દઇશ.’ તેનો પતિ, સાસુ-સસરા, અને ફોઇ સાસુ પણ મહિલાના માતા-પિતાને ગંદી ગાળો બોલતા હતા.
પતિ અવારનવાર ધમકી આપી હતી
તેના પતિએ કહ્યુ હતુ કે, ‘તમને મને લગ્નમાં દહેજ આપ્યું નથી. મને એક કરોડ રૂપિયા દહેજ આપો અને તમારી દીકરી સારી નથી. આ છૂટાછેડાના કાગળ ઉપર સહીઓ કરી આપો, નહીંતર કેરોસીન છાંટીને સળગાવી મારીશ. તેના સસરા કહેતા હતા કે, મારો દીકરો કાયમ માટે દારૂ પીવે છે અને પીવાનો છે. તારે રહેવું હોય તો રહે નહીંતર છૂટાછેડા આપી દે અને તારૂં ખૂન કરી નાંખીશ.’ જ્યારે સાસુ કહેતા કે, ‘મારા દીકરાને બીજે લગ્ન કરવાના છે, તું સારી નથી ખરાબ છે’. તેટલું જ નહીં, કેરોસીન છાંટીને સળગાવી દેવાની પણ ધમકી આપતા હતા. મહિલાએ આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં પોલીસે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.